ગત 10 માર્ચના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડીયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતકના પિતાએ જયરાજસિંહ અને તેમના દીકરા પર હત્યાના આક્ષેપો કર્યા હતા. તેમજ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ કેસમાં હવે નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે હાલ બસ ચાલકની અટકાયત કરી બસને કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડીયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાના સમય આસપાસ રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલા વાહન પાસ થયા તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.આ દરમિયાન માહિતી મળતા પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સ સંચાલકનો સંપર્ક કરી બસ ચાલકની પુછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસ ચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યા
મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં
મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં અક્સ્માતથી મોત
ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોતને લઈ ACP રાજેશ બારીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઈજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે હોય તેવું લાગી રહ્યું છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ
શાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયું છે. શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઈજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.