પાટણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 12 આર્ટસની બોર્ડની પરીક્ષા આપતી 16 વર્ષની કિશોરી છેલ્લા પેપર બાદ ગાયબ થઈ ગઈ છે. સરસ્વતી તાલુકાના એક ગામની આ કિશોરી એક્સટર્નલ પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી રહી હતી. 12 માર્ચના રોજ પાટણના હાઈવે પર આવેલી શાળામાં કિશોરીનું છેલ્લું પેપર હતું. તેના પિતા, જે રિક્ષા ચાલક અને ખેડૂત છે, તેઓ બપોરે બે વાગ્યે દીકરીને મૂકવા આવ્યા હતા. સાંજે પેપર પૂરું થતાં તેને લેવા પણ આવ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ કિશોરી તેના પિતાને મળી હતી. તેણે પિતાને ગેટ પાસે રાહ જોવાનું કહ્યું અને સ્કૂલમાં પાછી જવાનું જણાવ્યું. પરંતુ ત્યારબાદ તે પાછી આવી નહીં. પિતા અને શાળા સંચાલકોએ શોધખોળ કરી, પરંતુ કિશોરી મળી ન હતી. પિતાને પાટણ તાલુકાના એક ગામના યુવક પર શંકા હોવાથી તેમણે પાટણ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.