પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હોળી-ધુળેટીની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે. શહેરા તાલુકાના ગામોમાં વરસાદનો વર્તારો કાઢવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હોળીના દિવસે એક વિશેષ વિધિ કરવામાં આવે છે. હોળી પ્રગટાવવાની જગ્યાએ ખાડો ખોદીને પાણી ભરેલી માટલી મૂકવામાં આવે છે. તેની સાથે ચાર માટીના લાડવા સફેદ દોરાથી વીંટાળીને દાટવામાં આવે છે. આ લાડવાને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર ઋતુઓના નામ આપવામાં આવે છે. ધુળેટીના દિવસે મોડી સાંજે ગામલોકો એકત્ર થાય છે. દાટેલા માટીના લાડવા બહાર કાઢવામાં આવે છે. લાડવામાં રહેલા ભેજ પરથી ચોમાસાની ઋતુમાં કેવો વરસાદ પડશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ વર્ષે ખેડૂતો માટે સારું વર્ષ જશે તેવો વર્તારો કાઢવામાં આવ્યો છે. વિશેષ વાત એ છે કે માટલીમાં ભરેલું પાણી પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે. આમ, પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં હોળી-ધુળેટીનું પર્વ માત્ર ઉત્સવ નહીં, પરંતુ ભવિષ્યનો વરતારો કાઢવાનું માધ્યમ પણ બની રહે છે.