સુરતમાં કુંભારીયા વિસ્તારની સોસાયટીમાં પાણી ભરેલી પોટલી ફેંકવાને લઈને બબાલ સર્જાઈ હતી. બે જેટલા કિશોરો દ્વારા આ પાણી ભરેલી પોટલી ફેંકવામાં આવી હોવાને લઈને સોસાયટીના લોકો દ્વારા આ બંને કિશોરોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના પગલે ઇજાગ્રસ્ત થયેલા બંને કિશોરને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. હાલ તો આ બંને કિશોરને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પાણીની પોટલી ફેંકતા બંને કિશોરને ધોઈ નાખ્યા
મળતી માહિતી પ્રમાણે, સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુંભારિયા ખાતે પ્રતિક્ષા રેસીડેન્સી આવેલી છે. ગતરોજ રાત્રે હોળીની ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમિયાન બે જેટલા કિશોર દ્વારા પાણી ભરેલી પોટલીઓ ફેંકવામાં આવતા બબાલ સર્જાઇ હતી. સોસાયટીના લોકો એકઠાં થઈ ગયા હતા અને આ બંને કિશોરને માર મારવાનું શરૂ કર્યું હતું. બંને કિશોરના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તેમને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સોસાયટીના લોકો દ્વારા બંને કિશોરને ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
હોળીની ઉજવણી દરમિયાન જ આ ઘટના બનતા મોટી સંખ્યામાં સોસાયટીના લોકો પણ એકઠાં થઈ ગયા હતા અને કિશોરોને માર મારતા ઇજાગ્રસ્ત થયા હતા. જેના પગલે 108 બોલાવીને કિશોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે સારોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.