ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ત્રિભેટે આવેલા ઐતિહાસિક માનગઢ ધામમાં શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે અનોખી રીતે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે આદિવાસી પરંપરા અનુસાર પૂજા-અર્ચના કરી અને સ્થાનિક લોકો સાથે રંગોત્સવમાં ભાગ લીધો. શિક્ષણમંત્રીએ દેશી ઢોલ વગાડ્યો અને પારંપરિક આદિવાસી નૃત્ય કર્યું. તેઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે દાંડિયા પણ રમ્યા. આ પ્રસંગે તેમણે સર્વ રાજ્યવાસીઓને હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ ઉત્સવ તેમના વિસ્તારમાં પાંચ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન આદિવાસી સમાજના લોકો આનંદ-ઉલ્લાસ સાથે તેમની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે પર્વની ઉજવણી કરશે. માનગઢ ધામમાં ભક્તિના રંગે રંગાયેલા લોકોએ આસ્થાના રંગો સાથે ધુળેટીની મજા માણી.