વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં 8 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું છે. આ કેસમાં સ્થાનિક કારચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. આ રેપિડ ટેસ્ટમાં બન્ને સ્ટુડન્ટ્સ એવા કારચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લઈને આવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલાં હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધું હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે. વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો રિપોર્ટ પણ જલદી મેળવવામાં આવશે. રક્ષિત એમ.એસ. યુનિવર્સિટી અને પ્રાંશુ પારુલ યુનિ.નો વિદ્યાર્થી
આ ઘટનાને પગલે પોલીસ આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા (વારાણસી, ઉત્તર પ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરી છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં કાયદાનો જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ફોક્સ વેગન વર્ચુસ કાર પ્રાંશુના પિતાની હતી
ફોક્સ વેગન વર્ચસ કાર આરોપી કારચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ માદક પદાર્થ અથવા તો નશાકારક કેફી પીણું લીધું છે કે કેમ? તે ચકાસવા માટે બન્ને આરોપીનાં અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. રક્ષિત ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ
અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ…. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે.આમ નશાએ તેને ગાંડોતૂર કરી દીધો હતો.