ડિસેમ્બર 2024 : સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અશદ સામે બળવો થયો. હયાત તહેરીર અલ શામ (HTS) નામના સંગઠને સિરિયામાં સત્તા સંભાળી ને તેનો લીડર વચગાળાનો રાષ્ટ્રપતિ બન્યો.
માર્ચ 2025 : ભાગી ગયેલા બશર અલ અશદના સમર્થકોએ નવી સરકાર સામે બળવો શરૂ કર્યો. સિરિયાની સેનાએ હાહાકાર મચાવ્યો. 72 કલાકમાં એક હજાર નાગરિકોનાં મોત થયાં. 2011થી સિરિયામાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. 14 વર્ષ પછી પણ સિરિયા અશાંત જ રહે છે, આજે એની વાત… સિરિયાના ક્રૂર રાષ્ટ્રપતિ બશર અલ અશદ સામે જોરદાર બળવો થયો. ડિસેમ્બર 2024માં તે પ્રાઈવેટ પ્લેનમાં કરોડો રૂપિયા અને સોનું લઈને રશિયા ભાગી ગયો. સિરિયામાં તહેરીર અલ શામ (HTS) નામના સંગઠને કબજો જમાવી લીધો અને તેનો લીડર અબુ અલ જુલાની પોતાનું નામ બદલીને વચગાળાનો રાષ્ટ્રપતિ બની ગયો. તેણે પોતાનું નવું નામ રાખી લીધું – અહેમદ અલ શરા. હવે આ અલ શરાની સામે બળવો ચાલુ થયો છે. પહેલા સિરિયામાં અશદ સરકાર સામે થયેલા બળવાનું બેકગ્રાઉન્ડ જાણી લો…
આમ તો 2011થી સિરિયામાં સિવિલ વોર ચાલી રહી હતી. પણ સિરિયામાં બળવાની શરૂઆત 27 નવેમ્બર 2024એ ઈદલિબ શહેરથી થઈ. અહીંયા હયાત તહેરીર અલ શામ (HTS) ગ્રુપનો કબજો છે. 2020 સુધી અશદ સરકાર અને HTS ગ્રુપ વચ્ચે મોટાપાયે લડાઈ ચાલતી હતી. પછી તુર્કી અને રશિયાએ સમાધાન કરાવ્યું. પણ સમાધાન બહુ લાંબુ ટક્યું નહીં. 2024ની શરૂઆતથી જ અહીંયા અશદ સરકારનું સૈન્ય અને HTS ગ્રુપના આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયા કરતું હતું. વાત વધી ગઈ એટલે હયાત તહેરીર અલ શામ (HTS) ગ્રુપે નવેમ્બર-2024માં અહીંયાથી એક મિલીટરી ઓપરેશન ઓપરેટ કર્યું. તેને નામ આપ્યું- ડિટ્રેન્સ ઓફ એગ્રેસન. 27 નવેમ્બરની રાત્રે HTSના વિદ્રોહીઓએ 25 જેટલા ગામ પર કબજો કરી લીધો. 28 નવેમ્બરે આ વિસ્તારમાંથી અશદની સેનાએ પીછેહઠ કરી. 29 નવેમ્બરે આ વિદ્રોહીઓ એલેપ્પો શહેર તરફ આગળ વધ્યા. રાત સુધીમાં તો વિદ્રોહીઓએ એરપોર્ટ અને મિલિટરી કેમ્પ પર કબજો કરી લીધો. 30 નવેમ્બરે આખું એલેપ્પો શહેર કબજામાં લઈ લીધું. પછી રાજધાની દમાશ્ક પર કબજો થયો ત્યારે ડિસેમ્બર 2024માં રાષ્ટ્રપતિ બશર અલ અશદ રશિયા ભાગી ગયો અને સિરિયામાં HTS ગ્રુપનું શાસન આવી ગયું. નવી વચગાળાની સરકાર આવી અને HTSના લીડર અહેમદ અલ શરાને પોતાને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા. – તો ફરી હિંસા કેમ ફાટી નીકળી?
સિરિયાના ક્રૂર રાષ્ટ્રપતિ બશર અલ અશદ તો રશિયા ભાગી ગયો પણ તેના કટ્ટર સમર્થકો સિરિયામાં જ રહી ગયા. થોડો સમય તો બશરના સમર્થકો શાંત રહ્યા પણ એક અઠવાડિયાંથી બશર અલ અશદના સમર્થકોએ પણ હથિયારો સાથે HTS ગ્રુપના આતંકીઓ સામે લડવાનું શરૂ કર્યું અને અહેમદ અલ શરા (જૂનું નામ અબુ જુલાની)ની નવી સરકાર સામે વિદ્રોહ શરૂ કરી દીધો. સિરિયાની વચગાળાની સરકાર પણ આની સામે જવાબી કાર્યવાહી કરી રહી છે. બશર અલ અશદ શિયા મુસ્લિમ છે અને તેના તમામ સમર્થકો પણ શિયા મુસલમાન છે. તેની સામે HTS ગ્રુપ સુન્ની મુસલમાન છે અને સિરિયામાં સૌથી મોટી વસ્તી સુન્ની મુસલમાનની છે. શિયા મુસ્લિમની વસ્તી સિરિયામાં બહુ ઓછી છે પણ આર્થિક રીતે એકદમ સદ્ધર છે. બશર અલ અશદના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારથી હિંસા શરૂ થઈ. આ હિંસા 6 માર્ચે શરુ થઈ. લટાકિયા અને ટારટૂસ વિસ્તારમાં અશદના વફાદારોએ સિરિયાની સેના પર હુમલો કર્યો. લતાકિયા અને ટારટૂસ સિરિયાના મહત્વના પોર્ટ સિટી છે. આ બંને શહેર બિઝનેસ હબ છે અને જ્યારથી અહીં સંઘર્ષ શરૂ થયો છે ત્યારથી સિરિયાના બિઝનેસને મરણતોલ ફટકો પડ્યો છે. હાલમાં સિરિયન સરકારે આ બંને શહેરોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. લતાકિયા અને ટારટૂસ શહેરમાં જ કેમ બબાલ થઈ? તેની પાછળ કોમનું સમીકરણ છે. જે સંગઠન અત્યારે બળવો કરે છે, તેનો લીડર અશદનો ભાઈ જ છે
બ્રિટનની સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સનું કહેવું છે કે સિરિયાની સેના ડ્રોન, ટેન્ક અને તોપથી હુમલા કરી રહી છે. બ્રિટનનું આ સંગઠન 2011થી સિરિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અત્યારે સેના એ લોકોને મારી રહી છે જે અશદ સાથે જોડાયેલા રહ્યા છે. સિરિયાની વસ્તી અઢી કરોડ છે. તેમાંથી 90 ટકા લોકો મુસ્લિમ છે. 1946માં સિરિયા ફ્રાન્સથી આઝાદ થયું હતું પણ આ દેશની રાજનીતિ જ અસ્થિરતાનો પર્યાય બનીને ઊભરી. 1970 પહેલાં 20 વાર તખ્તા પલટ થયો. 1970માં બશરના પિતા હાફીઝ અલ અશદે તખ્તા પલટના દમ પર સત્તા મેળવી. તેનો જ પરિવાર સતત સત્તામાં રહ્યો અને તેનો પુત્ર બશર અલ અશદ સિરિયામાં વર્ષો સુધી રાષ્ટ્રપતિ રહ્યો. અત્યારે તે ભાગીને રશિયામાં છુપાઈ ગયો છે અને ત્યાંથી સિરિયાની સત્તા પાછી મેળવવા ધમપછાડા કરે છે.
અશદના સમર્થકોના પણ અલગ અલગ સંગઠનો છે જેણે નવી સરકાર સામે વિદ્રોહ કર્યો છે. પણ એક સંગઠન એવું છે જે વધારે મજબૂત છે. તેનું નામ છે- મિલીટરી કાઉન્સિલ ફોર ધ લિબરેશન ઓફ સિરિયા. એવું કહેવાય છે કે આ સંગઠનનું નેતૃત્વ બશર અલ અશદનો ભાઈ માહેર અલ અસદ કરે છે. સિરિયામાં શિયા-સુન્ની વચ્ચે પણ વર્ષોથી બબાલ ચાલે છે
મિડલ ઈસ્ટમાં જેટલા દેશો છે તેમાં ત્રણ દેશ છે જ્યાં શિયાની મેજોરેટી છે. ઈરાક, ઈરાન અને બેહરિન. આ ત્રણ દેશ એવા છે જ્યાં મુસ્લિમોની અંદર શિયા મેજોરિટી છે. બાકીના મુસ્લિમ દેશોમાં સુન્નીની મેજોરિટી વધારે છે. આ શિયા અને સુન્ની વચ્ચેની એક કોમ છે – અલાવાઈટ. સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અશદ અલાવાઈટ કોમના છે. સિરિયામાં અત્યારે જે વિદ્રોહ ચાલે છે તેમાં સિરિયન સેના અલાવાઈટ કોમના લોકોને વીણીવીણીને મારી રહી છે. અલાવાઈટ શબ્દ વાંચવામાં નવો લાગે છે પણ આ મુસ્લિમોની પેટા કોમ છે. તેના વિશે થોડું વિગતે જાણીએ, તો સિરિયાના પોલિટિક્સનો ખ્યાલ આવશે. અલાવાઈટ એવો સમુદાય છે જેની કેટલીક પ્રથા શિયા જેવી છે, કેટલીક પ્રથા સુન્ની જેવી છે. પણ તેની ગણતરી શિયામાં થાય છે અને તેનું રાજનીતિક કારણ છે. બશરના પિતા હાફીઝ અલ અશદે મિડલ ઈસ્ટના દેશોને અપીલ કરી કે તે સિરિયાને સપોર્ટ કરે. તેમણે સાઉદી અરેબિયાને એવું કહ્યું કે અમારી કેટલીક પ્રથા સુન્ની જેવી છે, જો તમે માનવા તૈયાર હો તો અમે અલાવાઈટને સુન્ની જાહેર કરી શકીએ. સાઉદી અરેબિયાએ ના પાડી તો તેણે ઈરાનને આ વાત કરી. ઈરાન પાસે એવી રજૂઆત કરી કે, અમારી ઘણી પ્રથા શિયા જેવી છે. જો તમે હા પાડો તો અમે અલાવાઈટને શિયા જાહેર કરીએ. કારણ કે ઈરાન શિયા પ્રભુત્વવાળો દેશ છે. ઈરાનના કેટલાક મૌલવીઓએ અલાવાઈટનો અભ્યાસ કર્યો અને એવું સ્વિકાર્યું કે અલાવાઈટ એ સંપૂર્ણ શિયા નથી પણ એક પ્રકારના શિયા છે. અત્યારે સિરિયામાં અલાવાઈટ સમુદાય સેનાના નિશાને છે. પણ જ્યારે હાફીઝ અશદે સિરિયા પર શાસન કર્યું ત્યારથી અલાવાઈટ સમુદાય સિરિયાના શાસનની કરોડરજ્જુ બની ગયો. સિરિયા સેના, ગુપ્તચર એજન્સીઓ અને નોકરીઓમાં અલાવાઈટને પ્રાધાન્ય મળવા લાગ્યું હતું. વર્ષો પછી અશદ પરિવારનું શાસન ગયું ને સિરિયામાં HBTની એટલે કે સુન્ની પ્રભુત્વવાળી સરકાર આવી ત્યારે અલાવાઈટ ભયમાં રહેતા હતા કે આજે નહીં તો કાલે, સુન્ની લોકો આપણને નહીં છોડે. એમનો ભય સાચો પડ્યો છે અને અત્યારે એવું જ થઈ રહ્યું છે. અલાવાઈટ સમુદાય સિરિયાના લતાકિયા, ટારટૂસ અને હમા શહેરોમાં વધારે વસે છે અને અહીં જ અત્યારે હિંસા ચાલી રહી છે. ટાઈમ લાઈન 2024
27 નવેમ્બર : ઈદલિબ શહેર પર HTSનો કબજો
29 નવેમ્બર : એલોપ્પો શહેર પર કબજો
2 ડિસેમ્બર : HTS હમા શહેર તરફ રવાના થયા
5 ડિસેમ્બર : હમા શહેર પર કબજો
7 ડિસેમ્બર : રાજધાની દમિશ્ક પર કબજો
8 ડિસેમ્બર : બશર અશદ સિરિયા છોડીને રશિયા ભાગી ગયો અશદ સરકારને ભગાડીને રાષ્ટ્રપતિ બની જનાર જુલાની ઉર્ફે શરા કોણ છે?
આ માથાભારે માણસનું નામ છે- અબુ મોહમ્મદ અલ જુલાની. જુલાનીનો 1982માં સાઉદી અરેબિયામાં જન્મ થયો. જુલાની 7 વર્ષનો હતો ત્યારે તેના પિતા અહેમદ હુસૈન 1989માં પરિવાર સાથે સીરિયા રહેવા આવી ગયા હતા. જુલાનીએ દમાસ્કસમાં જ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. ઉદાર ઈસ્લામના વાતાવરણમાં ઉછરેલા જુલાની જ્યારે કોલેજમાં પહોંચ્યો ત્યારે તે કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોના સંપર્કમાં આવ્યો. આ તે સમયગાળો હતો જ્યારે ઓસામા બિન લાદેનના નેતૃત્વમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા મીડલ ઈસ્ટમાં પોતાનો પગપેસારો કરી રહ્યું હતું. તેના એક વર્ષ પછી 2001માં અમેરિકા પર આતંકવાદી હુમલો થયો હતો. 2003 માં, જ્યારે તેમને ખબર પડી કે અમેરિકા ઇરાક પર હુમલો કરવા જઈ રહ્યું છે, ત્યારે તે મેડિકલનો અભ્યાસ છોડીને યુદ્ધ લડવા ઈરાક પહોંચી ગયો. ઇરાક પહોંચ્યા બાદ જુલાની અલ-કાયદાના લીડરોના સંપર્કમાં આવ્યો હતો. જૂન 2006માં તેને યુએસ આર્મીએ પકડી જેલમાં ધકેલી દીધો. જેલમાં જ તે અલ-કાયદા લીડર બગદાદીના સંપર્કમાં આવ્યો. જુલાની 2010માં જેલમાંથી છૂટ્યો. 2013માં અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટે અબુ મોહમ્મદ અલ જુલાનીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો. આ દરમિયાન સિરિયામાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)નો ઉદય થયો અને જુલાની ISISના વડા બગદાદીના સંપર્કમાં આવ્યો. બગદાદીએ જુલાનીને સિરિયામાં ઘણા મહત્વના પદ પર રાખ્યો. જુલાનીએ સિરિયામાં ISISની શાખા જબાત અલ નૂસરા ફ્રન્ટની શરૂઆત કરી. આ સંગઠનનો ઉદ્દેશ હતો અશદ સરકાર સામેની લડાઈ કરવી. આગળ જતાં અલ જુલાની બગદાદીનો લેફ્ટનન્ટ બની ગયો. 2015માં બગદાદી અને અલ જુલાની વચ્ચે મતભેદો થયા. જુલાનીએ બગદાદીનો સાથ છોડી દીધો અને પોતાનું નવું સંગઠન બનાવ્યું- HTS એટલે તહેરીર અલ શામ. અબુ મોહમ્મદ અલ જુલાનીએ સિરિયામાં બળવો કરીને સત્તા મેળવી લીધી અને પોતાનું નામ ફેરવી નાખ્યું. હવે તેનું નવું નામ છે- અહેમદ અલ શરા અને અત્યારે તે સિરિયાનો વચગાળાનો રાષ્ટ્રપતિ છે. અત્યારે સિરિયામાં હિંસા ભડકી છે તેના માટે તેણે કહ્યું કે, આ વિદ્રોહ કોણે કર્યો, કોણે કરાવ્યો તેની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિ બનાવી છે. કોઈ અમારો વાળ વાંકો કરી શકે તેમ નથી. છેલ્લે,
અત્યારે સિરિયામાં એક રોટલીની કિંમત 20 હજાર સિરિયન પાઉન્ડ છે. ભારતીય રૂપિયા ગણો તો એક રોટલીના 130 રૂપિયા થાય. સિરિયામાં દર મહિને વ્યક્તિ દીઠ આવક 2977 છે એટલે પૂરા 3 હજાર પણ નથી. હવે વિચારો, જે વ્યક્તિ રોજના 99 રૂપિયા માંડ કમાય છે તે એક રોટલીના 130 રૂપિયા કેવી રીતે આપે? એટલે જ સિરિયાના લોકો કહે છે કે, અમારું મોત નક્કી જ છે. બંદૂકની ગોળીથી નહીં તો કાંઈ નહીં, ભૂખથી તો મરી જ જશું. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ, સોમવારે ફરી મળીએ, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)