અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો શાંત થયો નથી ત્યાં વાસણા વિસ્તારમાં વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. દૂધની દુકાન બહાર ઓટોરિક્ષામાં આવેલા શખસોએ હાથમાં છરી લઈને આવતા જતા લોકોને ડરાવ્યા હતા. એટલું જ નહીં દૂધની દુકાનના માલિકે રોકતા તેમના અંગૂઠા ઉપર છરી મારી દીધી હતી અને ધમકી આપી હતી. જોકે, લોકો ભેગા થઈ જતા આ શખસો રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા હતા. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાસણામાં રહેતા ધવન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વાસણામાં સ્વસ્તિક શોપિંગ સેન્ટર ખાતે શ્રીજી મિલ્ક પેલેસ નામની દુકાન ચલાવે છે. 12 માર્ચના રોજ તેઓ તેમની દુકાને હતા ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસ તેમની દુકાને એક ઓટોરિક્ષા આવીને ઊભી રહી હતી. ઓટોરિક્ષામાંથી એક વ્યક્તિ હાથમાં છરી લઈને ઉતર્યો હતો અને દૂધની દુકાને આવતા ગ્રાહકોને છરી બતાવી ગાળો બોલવા લાગ્યો હતો અને રસ્તામાં આવતાજતા લોકોને પણ છરી બતાવી ડરાવી રહ્યો હતો. જેથી તેમણે બહાર આવીને આ વ્યક્તિને કહ્યું કે, અહીંયા દૂધના ગ્રાહકો આવે છે તમે અહીંયાથી ઓટોરિક્ષા લઈને જતા રહો. આ દરમિયાન શખસ હાથમાં છરી લઈને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ ધવનભાઈ ઉપર હુમલો કર્યો હતો અને દૂધની દુકાન બહાર પડેલા ખાલી કેરેટ છરી વડે પાડવા લાગ્યો હતો. તેથી ધવનભાઈએ બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા. આ દરિમિયાન રિક્ષામાંથી બીજા ત્રણ વ્યક્તિ બહાર આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ આ શખસો ત્યાંથી રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા. પરંતુ ધવનભાઈને ધમકી આપી હતી કે, તું આ અંગે કોઈને જાણ કરી તો તને અહીંયા ધંધો નહીં કરવા દઈએ. ધવનભાઈએ આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.