ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન ન આપવાનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું રૂપ લઈ રહ્યો છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બીજી તરફ વિક્રમ ઠાકોરે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ એક વિવાદ છેડયો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સરકારના મીડીયેટર કહીને બળાપો વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવ્યા
આ વિવાદનો પ્રારંભ થોડા દિવસો પહેલાં થયો જ્યારે ગુજરાત સરકારે રાજ્યના પ્રખ્યાત કલાકારોને ગાંધીનગર ખાતે વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમને વિધાનસભાની કાર્યવાહી જોવાની તક આપવામાં આવી. આમંત્રિત કલાકારોમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી જેવા નામો સામેલ હતા. જોકે, આ યાદીમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્થાન ન મળ્યું, જેના કારણે વિવાદ ઊભો થયો હતો. ખાસ કરીને, લોકપ્રિય ગાયક વિક્રમ ઠાકોરે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી એક વીડિઓ મારફતે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. અમારા સમાજને ઇગ્નોર કર્યો: વિક્રમ ઠાકોર
બીજી તરફ આજે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર નિશાન તાક્યુ હતું. વિક્રમ ઠાકોરે કહ્યું કે, મને ના બોલાવ્યો એનો વાંધો નથી. પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે આ લોકોએ અમારા ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહ્યા છે. આ વાત સરકારની જાણ બહાર હોય એવું પણ બની શકે છે. જે વચ્ચે મીડીયેડટર હોય એ લોકો પણ આવું કરતા હોય. ઘણા સમયથી જોઈ રહ્યો છું કે સરકારી કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનાં દીકરો-દીકરી હોતા નથી. ઠાકોર સમાજને ન બોલાવીને નાતજાત કરાય છે: વિક્રમ ઠાકોર
આ વખતે પણ મેં જોયું વિધાનસભામાં બધા મોટા કલાકારોનું સ્વાગત કર્યું ત્યારે મારા સમાજના અને ચાહકોના ફોન આવ્યા કે વિક્રમ ભાઈ તમે નથી ગયા? એટલે મેં કહેલું મને આમંત્રણ નથી. તો એમણે કહ્યું પેલા પણ આવું થઈ ચૂક્યું છે તો તમે કેમ કશું બોલતા નથી. તો મને લાગ્યું મારા પૂરતી વાત હોય તો ઠીક છે પણ આતો મારા સમાજના કલાકારોની વાત એટલે કહેવું પડ્યું છે. કહેવાય છે કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી તો પછી ઠાકોર સમાજને નહીં બોલાવીને નાતજાત જ કરાય છે. શંકર ચૌધરીએ બધાને બોલાવ્યા હતા: વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે, મારી સરકારને વિનંતી કે, તમે દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવો. દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે તમારા મીડીયેટર પસંદ કરે એને જ તમે બોલાવો એ ના ચાલે. મને મીડિયા થકી જાણવા મળ્યું કે શંકર ચૌધરીએ બધાને બોલાવ્યા હતા. સરકારના મોટાભાગના કાર્યક્રમોમાં ઠાકોર સમાજ સિવાય બીજા સમાજના કલાકારોને આમંત્રણ હોય છે, એના માટેનો મારો વિરોધ છે. સરકારી કામ નહીં મળે તો ભૂખ્યા નહીં રહીએ: વિક્રમ ઠાકોર
સરકારી લાભ માટે આ કરો છો એવા પ્રશ્નના જવાબમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, મારો સમાજ મોટો છે એટલે સરકારી કામ નહીં મળે તો હું કે સમાજના અન્ય કલાકારો ભૂખ્યા નહીં બેસી રહે. મારો સમાજ જે આગળ કહેશે એ મુજબ હું કરીશ. મારો વીડિઓ મૂક્યા પછી અલ્પેશ ઠાકોર સહિત સમાજના લોકોએ મારો સંપર્ક કર્યો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, તમે એક વાર આવો મુખ્યમંત્રી સાથે મળીએ. PM મોદીએ મને રાજકારણમાં જોવાવાનું પુછ્યું હતું: વિક્રમ ઠાકોર
રાજકિય માઈલેઝ મેળવવાના પ્રશ્ને વિક્રમ ઠાકોરે કહ્યું કે, આ ખેસ ભાજપ કે કોંગ્રેસનો નથી. વર્ષ 2007માં વડાપ્રધાન મોદીએ પણ મને એ વખતે રાજકારણમાં જોડાવાનું પુછ્યું હતું. એ વખતે મેં ના પાડી હતી. એટલે આ મેં રાજકીય નહીં પણ મારા સમાજના કલાકારોના ન્યાય માટે કર્યું છે. મારી એક ફિલ્મ આવેલી ‘ખેડૂત એક રક્ષક’ એમાં સરકાર ખેડૂતોને કેવા કેવા લાભ આપે એવા મેસેજ પણ હતા. તોય એ ફિલ્મને સરકારી એવોર્ડ મળ્યો નહીં. એનો પણ સરકાર મને જવાબ આપે.