સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણીપીણીના શેડ અને ડોમના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે. સ્થાનિકો મોડી રાત સુધી ચાલતા ન્યુસન્સ અને અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળી ગયા હતા અને વારંવાર ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં ન લેતા સ્થાનિકો વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. જોકે, આ ટોળાને નિયંત્રણમાં રાખવા પોલીસે AAP કોર્પોરેટર સહિત 10ની અટકાયત કરી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિ છતાં કોર્પોરેશનનું નરમ વલણ
મોટા વરાછા વિસ્તારની અંદર અલગ અલગ ટીપી નંબર 24 અને 25માં જે પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેનાથી સ્થાનિક લોકોમાં અસામાજિક તત્વોને લઈને ડર પણ વધી રહ્યો છે. સુદામા ચોક, ગોલ્ડન ચોક, ડી માર્ટવાળા રસ્તા ઉપર તેમજ અન્ય કેટલાક વિસ્તારમાં સરકારી જમીન ઉપર શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો આજે મોટી સંખ્યામાં ગોલ્ડન ચોક તેમજ મોટા વરાછાના વિસ્તારોમાં રસ્તા ઉપર ઉતરી આવતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. શાસકો અને કોર્પોરેશનના સતાધીશો સામે સૂત્રોચાર પણ કર્યા હતા. મોડી રાત સુધી ન્યુસન્સ ફેલાતા સ્થાનિક સોસાયટીઓ પરેશાન
AAP પાર્ટીના કોર્પોરેટર મોનાલી હિરપરાએ જણાવ્યું કે, ટીપી 24 અને 25માં કોર્પોરેશનના અધિકારીઓના ઈશારે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. કોઈની પણ મંજૂરી લીધા વગર રહી. શેડ ચાલુ કરી દેવાતા ન્યુસન્સ આ વિસ્તારમાં વધી રહ્યું છે. આગ લાગવા જેવી ઘટનાઓ બની રહી છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ ગંભીરતાથી લઈ રહ્યા નથી. જો પરમિશન આપવામાં નથી આવ્યું તો આ શેડ ઊભા થયા કેવી રીતે? અધિકારીઓને પણ ખબર છે કે, સરકારી જગ્યા ઉપર આ રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યો છે તો તેને બંધ કેમ કરાવતા નથી આના પરથી સ્પષ્ટ થાય છે કે, અધિકારીઓ અને શાસકો આ બાબતને જાણી જોઈને નજર અંદાજ કરી રહ્યા છે.