તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં વ્યાસપીઠ પરથી બાપુએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને એક પત્ર સોંપ્યો હતો. આ પત્ર એક શિક્ષક દ્વારા બાપુને આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બાપુએ શિક્ષણમંત્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, માત્ર ચિંતન જ નહીં, પરંતુ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે. કારણ કે, શાળાઓમાં શ્રીમદ્ ભગવદગીતા તો અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઇ થવા દેતા નથી. આ અંગે હવે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું છે કે મોરારિ બાપુનું નિવેદન પાયાવિહોણું અને તાપી જિલ્લાની શાંતિ ડહોળનારુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મોરારિબાપુની કથામાં મંચ પરથી કહ્યું હતું કે ગેરકાયદે ધર્માંતરણ કરાવનારાઓ કાયદાની છટકબારીમાંથી નહીં બચી શકે. ‘ઈસાઈ શિક્ષકો પગાર સરકારનો ખાય છે ને ધર્માંતર કરાવે છે’ : મોરારિબાપુ
મંત્રીની હાજરીમાં બાપુએ શાળાઓમાં ગીતાજયંતીની ઉજવણીને સકારાત્મક પગલું ગણાવ્યું. જો કે, તેમણે ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું કે, શાળાઓમાં 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે પગાર તો સરકારનો ખાય છે પણ પ્રવૃત્તિઓ ધર્માંતરની કરાવે છે. બાપુએ ગંભીર આરોપ કરતાં વધુમાં કહ્યું હતું કે આ શિક્ષકો સરકારી પગાર મેળવે છે છતાં ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ છે. શાળામાં શ્રીમદ્ ભગવદગીતા અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઈ થવા દેતા નથી ’90 ટકા શાળામાં ગીતાજયંતીની ઉજવણી થાય છે’ : શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ધોરણ 6થી ગીતાના પાઠો ભણાવવામાં આવે છે અને 90 ટકા શાળામાં ગીતા જયંતિની ઉજવણી થાય છે. તે ઘણી સારી બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે, છેવાડાના ગામો સુધી સ્માર્ટ શાળાઓ શરૂ કરવામાં આવી છે, જોકે આ શિક્ષકો તેમના મલિન ઇરાદા દ્વારા ભોળા વિદ્યાર્થીઓના મસ્તિકમાં જો ધર્મપ્રચારની ખોટી વાતો ભરતા હશે તો તેને સાંખી લેવામાં નહિ આવે. દરેકને રહેવાનો પૂજા-અર્ચના કરવાનો અધિકાર છે અમે તેનો આદર કરીએ છીએ પરંતુ, આ વિસ્તારમાં થતી આવી કોઇપણ ગેરકાયદે પ્રવૃતિ સ્વીકારવામાં નહિ આવે. આ બાબતે ચોક્કસ પગલાં લેવાશે. મોરારિ બાપુનું નિવેદન અંદરોઅંદર લડાવવા માટનો પ્રયાસ: તુષાર ચૌધરી
કોંગ્રેસના ખેડબ્રહ્માથી ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે, વ્યાસ પીઠ પરથી મોરારિ બાપુએ કહ્યું કે ગીતાના પાઠ શાળામાં ભણાવવા જોઇએ પરંતુ તાપી જિલ્લામાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી સમાજના હોવાથી ગીતાના પાઠ ભણાવવામાં આવતા નથી. મારે એક સ્પષ્ટતા કરવી છેકે જ્યારે 2009માં હું જ્યારે ભારત સરકારનો મંત્રી બન્યો ત્યારે વ્યારા ખાતે એક ચર્ચમાં મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. એ ચર્ચના 100 વર્ષની ઉજવણી 2009ની સાલમાં કરવામાં આવી હતી. એનો મતલબ એ થાય છે કે એ ચર્ચ 1809માં બનેલું હતું. તે સમયે એક વણીક સમાજના વ્યક્તિએ દાનમાં જમીન આપી હતી અને મુસ્લિમ કોન્ટ્રાક્ટરે એ ચર્ચનું બાંધકામ કર્યું હતું. તાપી જિલ્લાનો ઇતિહાસ જુઓ તો 100 વર્ષ પહેલાથી ખ્રિસ્તી અહીંયા આવ્યા હતા અને તેમણે શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ આપી છે. તાપી જિલ્લાના દરેક ગામમાં બધા ધર્મના લોકો રહે છે અને સંપીને રહે છે. ત્યારે તાપી જિલ્લાનું વાતાવરણ પ્રદૂષિત કરવા માટે આ પ્રકારનો પાયાવિહોણો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેવું મને લાગે છે. શિક્ષક સરકાર દ્વારા જે અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવ્યો હોય તે ભણાવવામાં આવતો હોય છે અને તેના માટે તેને પગાર ચૂકવવામાં આવતો હોય છે. શિક્ષક કોઇપણ ધર્મનો હોઇ શકે, અભ્યાસક્રમ ભણાવવો એ તો તેમની ફરજનો ભાગ છે અને તેઓ ભણાવતા હોય છે. આવા નિવેદન તાપી જિલ્લાના લોકોને અંદરોઅંદર લડાવવા માટનો પ્રયાસ હોય તેવું મને લાગે છે. ‘કાયદામાં કોઈ છટકબારી નહીં બચે’ : હર્ષ સંઘવી
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. જેમાં બે દિવસ પહેલાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવી મંચ પરથી કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે. રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્ત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મપરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકો માટે કાયદાની કોઈપણ બારી નહીં બચે. ‘ફ્રી શિક્ષણને લઈને ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે’ : મોરારિબાપુ
બીજી તરફ મોરારિબાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આવે. જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારિબાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે. સોનગઢ તાલુકામાં જ જોતજોતાંમાં 500 ચર્ચ બની ગયાં
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન ઊભાં કરી દેવામાં આવ્યાં છે. એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભાં કરી દેવામાં આવ્યાં છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ, વ્યારા તાલુકામાં 200 કરતાં વધારે ચર્ચ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100 સૌથી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ છે.