વાવ વિધાનસભાની પેટાચૂંટણી વખતે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો પાવર ઉતારવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે ‘પાવર’ મુદ્દે પાટીલે આજે માવજી પટેલને ટોણો માર્યો હતો. સી આર પાટીલે વાવ પેટાચૂંટણી સમયની વાત યાદ કરી કહ્યું- ‘આ પાવર પાટીલનો નહીં કાર્યકર્તાઓનો છે, બીજીવાર કોઈ ઉતારવાની વાત ન કરે’. પાટીલે કાર્યકરોને પણ ટકોર કરી
બનાસકાંઠાના પાલનપુરના ચડોતર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા જિલ્લા ભાજપ કાર્યાલય ‘બનાસ કમલમ’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સી.આર. પાટીલે ‘પાવર’ મુદ્દે માવજી પટેલને ટોણો માર્યો હતો તો કાર્યકરોને પણ ટકોર કરી હતી. ‘લોકસભામાં ભૂલ થઈ, હવે આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો’
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મોદી સાહેબની કલ્પના હોય, અમિત ભાઈ સાકાર કરતા હોય ત્યાં ગુજરાત પાછળ ન રહે. કાર્યાલયનું નિર્માણ સરસ થયું પણ એક દર્દ રહી ગયું. એક ડીબેટમાં મને પૂછ્યું કે, તમને હાર પસંદ નથી, તો મેં કહ્યું કે મને તો હાર પહેરવો પણ પસંદ નથી, અમારો જન્મ જીતવા માટે થયો છે. કાર્યકર્તાઓને ટકોર કરતા પાટીલે કહ્યું કે, લોકસભામાં ભૂલ થઈ, પસ્તાવો થતો હશે પણ હવે સંકલ્પ કરો કે, આવી ભૂલ ન થાય, બીજી વાર કોઈ એરા ગેરા નથ્થુ ગેરા ન આવી જાય. ‘આ પાવર પાટીલનો નહીં પણ કાર્યકર્તાઓનો છે’
માવજી પટેલને ટોણો મારતા જણાવ્યું કે, વિધાનસભામાં અહીં એક અપક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે, પાટીલનો પાવર ઉતારવાનો છે પણ મેં કહ્યું કે, આ પાવર પાટીલનો નહીં પણ કાર્યકર્તાઓનો છે, બીજી વાર કોઈ પાવર ઉતારવાની વાત ન કરે. આ પાટીલનો પાવર ઉતારવાનું યુદ્ધ છે- માવજી પટેલ
ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર માવજી પટેલે ચૂંટણી સભા દરમિયાન 5મી નવેમ્બરે પાટીલનો પાવર ઉતારવાનું આ યુદ્ધ હોવાનું નિવેદન કર્યું હતું. તેના પાંચ દિવસ બાદ માવજી પટેલને ભાજપ દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં વાવ બેઠક પર માવજીભાઈ અને કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. લોકોને પાણી બચાવવાની અપીલ કરી
સીઆર પાટીલે આજે બનાસકાંઠામાં ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી. પાટીલે જણાવ્યું કે, મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે એ મારી નથી પણ તમારી છે. આવનાર સમાયમાં બનાસકાંઠામાં એકપણ ગામ કે ખેતર પાણી વગરનું ન રહે તે આપણે સાથે મળીને કરવાનું છે. મોદી સાહેબનું જે સપનું છે કે પાણી માટે વધારેમાં વધારે કામ કરે. દરેક જિલ્લામાં એમને 75 અમૃત તળાવો બનાવ્યાં છે. સરદાર સરોવરની યોજના પુરી કરી. નદીઓ જોડવાનો પ્રકલ્પ પૂરો કરી અનેક નદીઓ અને તળાવોમાં પાણી નાખ્યું છે. અલગ-અલગ 12 ડિઝાઇન બનાવીને ગામનું પાણી વહેતુ અટકાવીને ગામની જમીનમાં ઉતારવાનું કામ કર્યું. તેમાં 7 લાખ સ્ટ્રક્ચર બનાવ્યાં. વરસાદી પાણી તમે જમીનમાં ઉતારો તો તમને તેમાંથી બધા જ મિનરલ મળશે અને પાણીની તકલીફ નહિ રહે. મીઠુ પાણી મળશે. અહીંના ખેડૂતો અહીંના ધારાસભ્યોને નામ લખાવો અને કહો કે, અમને સ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરો તો એ પણ કરશે. બનાસકાંઠાના વિસ્તારને પાણીદાર બનાવો, હું એ ડિઝાઇન બધા ધારાસભ્યોને મોકલીશ. જો અહીં જેસીબી હોત તો અહી જ ખાડો ખોદીને તમને બતાવત, કાર્યાલનો સદઉપયોગ કરજો અને પાણીનો દૂર ઉપયોગ થતો અટકાવો. રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું
લોકાર્પણ બાદ કાર્યાલય ખાતે જળ સંચય અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. સી.આર. પાટીલે કાર્યાલય પરિસરમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવશે અને તેનો સંગ્રહ કરવામાં આવશે. આ નવું કાર્યાલય જિલ્લાના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.