ગુજરાતનાં તમામ શહેરોમાં ડોગ સેન્ટરો આવેલા છે. આ ડોગ સેન્ટરોમાં સામાન્ય રીતે શ્વાનોનાં વ્યંધીકરણની જ કામગીરી કરવામાં આવે છે, પરંતુ રાજકોટમાં ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં આક્રમક બનેલા શ્વાનોને અન્ય શ્વાનની સાથે માણસોનાં પ્રેમની હૂંફ આપી શાંત કરવામાં આવે છે. અહીં બધા શ્વાનોને દૂધ-ભાત-પૌવા સહિતનો ખોરાક અપાય છે. તેમજ કોઈપણ પ્રકારના ઈલાજની જરૂર હોય તો પશુઓનાં ડૉક્ટર્સ દ્વારા સારવાર પણ આપવામાં આવે છે. તેમજ થોડાક દિવસોમાં શ્વાનોને શાંત કરીને જ્યાંથી લાવ્યા હોય ત્યાં પરત મુકવામાં આવે છે. શ્વાનોને માણસો અને શ્વાનો વચ્ચ રહેવાની તાલીમ અપાય છે
રાજકોટ મહાપાલિકાનાં ડોગ ફ્રેન્ડલી સેન્ટરનો હવાલો સંભાળતા ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં દરેક સેન્ટરમાં ડોગ સેન્ટર આવેલા છે. જ્યાં માત્ર ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત 2023માં થયેલા કોર્ટનાં આદેશને પગલે આક્રમક બનેલા શ્વાનોને થોડો સમય માટે રાખવામાં પણ આવે છે. જોકે એકમાત્ર રાજકોટનાં ડોગ સેન્ટરમાં બે વિભાગો છે જેમાં એક વિભાગમાં વ્યંધીકરણ કરવામાં આવે છે. જ્યારે આક્રમક બનેલા શ્વાનો માટે ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અહીં ખાસ ટ્રેઇનરો દ્વારા આક્રમક બનેલા શ્વાનને શાંત કરવામાં આવે છે અને સાથે-સાથે અન્ય શ્વાન તેમજ માણસો વચ્ચે રહેવાની તાલીમ પણ આપવામાં આવે છે. 36 જેટલા આક્રમક શ્વાનોને એકસાથે રાખી શકવાની ક્ષમતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ડોગ સેન્ટરમાં અંદાજે કુલ 135 જેટલા શ્વાનોને રાખવાની ક્ષમતા છે. જેમાં 100 જેટલા શ્વાનોને ખસીકરણ અને રસીકરણ માટે રાખવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 36 જેટલા આક્રમક શ્વાનોને એકસાથે રાખી શકાય છે. અહીંના સ્ટાફ દ્વારા આ આક્રમક શ્વાનો સાથે લાગણીઓ બાંધી તેને શાંત કરવામાં આવે છે. કોઈપણ શ્વાન બીમારીનાં કારણે આક્રમક બન્યો હોય તો પશુનાં ડોક્ટર દ્વારા તેનો ઈલાજ કરી તેને શાંત કરાય છે. જ્યારે શ્વાન માણસો વચ્ચે રહેવા માટે ટેવાઈ જાય ત્યારે નિયમ મુજબ તેને જ્યાંથી લાવ્યા હોય ત્યાં પરત મોકલી દેવામાં આવે છે. માણસો વચ્ચે રહેતા ટેવાઈ જાય એટલે છોડી મુકવામાં આવે છે
રાજકોટનું ડોગ ફ્રેન્ડલી સેન્ટર વર્ષ 2021થી કાર્યરત છે. જેમાં શહેરના વિવિધ સ્થળોએ લોકોને કરડતા અને ખૂબ આક્રમક બનેલા શ્વાનોને લાવવામાં આવે છે. પ્રથમ બે દિવસ સુધી તેને પીંજરામાં રાખવામાં આવે છે. પછી ધીમે-ધીમે બહાર કાઢી અહીં રહેલા અન્ય શ્વાન સાથે રહેતા શીખવવામાં આવે છે. ત્યારબાદ આ શ્વાનોને માણસો વચ્ચે રાખવામાં આવે છે. જેમાં અહીંના ખાસ ટ્રેઇનરો દ્વારા શ્વાનનો સ્વભાવ ઓળખી તેનામાં જરૂરી બદલાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ શ્વાન માણસો સાથે શાંતિપૂર્વક રહેવા લાગે પછી તેને જે-તે સ્થળે પરત મુકવામાં આવે છે. સ્થાનિકોને પણ શ્વાન શાંત પડી ગયું હોવાની સાબીતી અપાય છે
નામદાર અદાલતનાં આદેશ મુજબ શ્વાનોને જ્યાંથી લઈ આવ્યા હોય ત્યાં પરત મુકવા ફરજિયાત છે. તેમજ આ કામગીરી મર્યાદિત સમયમાં કરવી જરૂરી છે. જેને લઈને મોટાભાગનાં શ્વાનોને 5થી 7 દિવસમાં જ શાંત કરવામાં આવે છે. આ દરમિયાન શ્વાનને પૂરતું પાણી અને જરૂરી ખોરાક પણ આપવામાં આવે છે. શ્વાનને કોઈપણ સ્થળે મળી રહે તેવો ખોરાક આપવામાં આવે છે. જેથી તે જ્યાં જાય ત્યાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ભવિષ્યમાં પડતી નથી. આ શ્વાનને પરત મુકવા જઈએ ત્યારે સ્થાનિકોને પણ શ્વાન શાંત થઈ ચૂક્યું હોવાની સમજ અને સાબિતી પણ આપવામાં આવે છે. આ માટે ડોગ ટ્રેઇનરો શ્વાનને પરત મુકવા સાથે જતા હોય છે. કયા કારણોસર શ્વાન આક્રમક બને તે જાણવાનો પ્રયાસ
ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં ટ્રેનિંગ આપતા કરણવીરસિંહ સીસોદીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું એક NGO માટે કામ કરૂં છું. આ NGO મહાનગરપાલિકાની સાથે જોડાણ ધરાવે છે. જેને લઈને હું અહી આક્રમક બનેલા શ્વાનોને તાલીમ આપવાનું કામ કરૂં છું. અમેં આ પ્રકારના શ્વાનોને એક દિવસ ચેનલમાં રાખી ઓબઝર્વ કરીએ છીએ. તે કયા કારણોસર આક્રમક બન્યું છે તે જાણવા પ્રયાસ કરીએ છીએ. એકાદ-બે દિવસમાં આ અંગેની જાણ થયા બાદ તે કારણ દૂર કરવા આક્રમક શ્વાનને સૌપ્રથમ અન્ય શ્વાનો સાથે રહેતા શીખવવામાં આવે છે. ત્યારબાદ તેને અમારી સાથે રહી લાગણીઓ બાંધી માણસો સાથે રહેતા શીખવવામાં આવે છે અને આ પ્રક્રિયામાં અંદાજે 5-7 દિવસ જેટલો સમય લાગે છે. વાતાવરણમાં આવતા પરિવર્તનના પગલે શ્વાન આક્રમક બને
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના શ્વાનો કોઈ ચોક્કસ કારણોસર આક્રમક બનતા હોય છે. જેમાં તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં અમુક ટીખળખોર લોકો હેરાન કરતા હોય તેવું પણ એક કારણ હોય છે. વાતાવરણમાં આવતા પરિવર્તનનાં કારણે પણ કેટલાક શ્વાનો આક્રમક બનતા હોય છે. જ્યારે અમુક શ્વાનોને પૂરતો ખોરાક નહીં મળતા હોવાથી કરડતા હોય છે. આ તમામ કારણો ઓળખીને તેને શાંત કરવા પ્રયાસ કરાય છે. તેમજ શ્વાનને પરત મુકવા જઈએ ત્યારે સ્થાનિકોને પણ કારણની જાણ કરવામાં આવે છે. જેથી ફરીથી આ શ્વાન આક્રમક ન બને તેનું ધ્યાન સ્થાનિકો જ સારી રીતે રાખી શકે છે. મહાપાલિકાની ટીમ શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર લવાય છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં શ્વાન આક્રમક બનતા હોવાની ફરિયાદો નિયમિત રીતે આવતી હોય છે. દરરોજ બેથી ત્રણ આવી ફરિયાદો મનપાને મળે છે. આવા સંજોગોમાં મહાપાલિકાની ટીમો સ્થળ ઉપર જઈને શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં લાવે છે. ત્યારબાદ ખાસ ટ્રેઇનરો દ્વારા શ્વાન શા માટે આક્રમક છે તે માટેની તપાસ કરી અને શ્વાનોને માણસો સાથે કેમ રહેવું તેની તાલીમ આપવામાં આવે છે. સામાન્ય રીતે પ્રક્રિયા પૂર્ણ થવામાં 5થી 7 દિવસ જેટલો સમય લાગે છે. કેટલાક કિસ્સાઓમાં શ્વાનને શાંત કરવામાં 15 દિવસ જેટલો સમય પણ લાગે છે. રાજકોટનાં ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં અત્યાર સુધીમાં 1000 કરતા વધુ શ્વાનોને શાંત કરવામાં આવી ચુક્યા છે.