સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડીરાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. સવારે માતાએ બાળકીની હાલત જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ સીસીટીવી ચેક કરતા અપહરણના સીસીટીવી મળી આવ્યાં છે. ફૂટેજમાં આરોપી બાળકીને ઊંચકીને લઈ જતો દેખાય રહ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ અજય વર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો
માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે.આરોપીનું નામ અજય વર્મા છે.તે મૂળ યુપીનો રહેવાસી છે અને સુરતમાં શેરડીની લારી પર કામ કરે છે. આરોપીને ઝડપવા માટે સુરત પોલીસના 18 અધિકારીઓ કામે લાગ્યા હતા. 200 જેટલા સીસીટીવી ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. દોઢ કલાક સુધી બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું
દુષ્કર્મની ભોગ બનેલી બાળકીનું ઓપરેશન પૂર્ણ થયું છે. લગભગ દોઢ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકી હાલ આઇસીયુમાં રાખવામાં આવી છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી ડોક્ટર આપી રહ્યા છે. આરોપી બે અઢી વર્ષ પછી સુરતમાં પાછો આવ્યો હતો: CP
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે ગઈકાલે 14 માર્ચની મોડી રાત્રે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જ્યારે આ મામલે આજે સવારે 10:30 વાગ્યા આસપાસ જાણ થઈ ત્યારે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. આ બનાવ કતારગામ પોલીસ અને આસપાસના ઝોનની સિંગણપોર, મહીધરપુરાની પોલીસ અને તેમના સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચના છ પોલીસ ઇન્સ્પેક્ટર અને 12 સબ ઇન્સ્પેક્ટર સાથે કુલ 150થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્ચ અને 200થી વધુ સીસીટીવીની મદદથી આરોપી સુધી પહોંચી શક્યા હતા. આરોપી સુધી પહોંચવા પીડિત બાળકી પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી બાળકીને ઓળખતો ન હતો. આરોપી શેરડીની લારી ઉપર કામ કરતો હતો. આરોપી બે અઢી વર્ષ પહેલાં પણ સુરતમાં રહેતો હતો. આ વચ્ચે દક્ષિણ ભારત સહિત ભારતના અન્ય શહેરોમાં પણ આરોપીએ કામ કર્યું છે. આ બધુ વધુ તપાસમાં ક્લિયર થશે. બે અઢી વર્ષ પછી તે સુરતમાં પાછો આવ્યો હતો. આરોપીના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની તેના મૂળ વતનમાં રહે છે. હાલ અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીનું નામ અજય અશોક વર્મા છે અને તે યુપીના ગોંડાબલરામપુરનો રહેવાસી છે. લોકલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ધુળેટીની મોડીરાત્રે હેવાને ક્રૂરતા આચરી
આ અંગેની મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખસ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ-ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યાર બાદ કુકર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપી બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. તે ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતા જાગતાં હચમચાવી દેતાં દૃશ્યો નજર સામે આવ્યાં
15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યું, ‘કોઈ કાકા મને લઈ ગયા હતા…’ બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડી ગયાં હતાં, જ્યાં તબીબોએ તેની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસમાં લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે. ગાર્ડ હાજર હતો, પણ ઘટના અંગે અજાણ: જાગૃત નાયક
કોર્પોરેશનના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું કે, કતારગામ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જે ઘટના બને છે તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે ત્યાં રાઉન્ડ ધ ક્લોક એક ગાર્ડ સિક્યુરિટી માટે હાજર રહે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂબ મોટું છે. ગાર્ડ પેવેલિયન પાસે રાઉન્ડમાં હતો, પરંતુ ગેટની અંદર જે ઘટના બની તે અંગે તેને કોઈ માહિતી નથી. ગાર્ડ હોવા છતાં જાણ ન થાય તે શક્ય?
આશ્ચર્યજનક ઘટના એ છે કે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગાર્ડ ફાળવવામાં આવ્યો છે, પરંતુ તેને આ ઘટનાની જાણ ન હોવાનું અધિકારી તરફથી જાણવા મળ્યું છે, જે વાત ગળે ઉતરતી નથી. કોમ્પ્લેક્સની બહાર નહીં પરંતુ કોમ્પ્લેક્સની અંદર જ્યારે ઘટના બને છે ત્યારે ગાર્ડનું ધ્યાન આ ઘટનાઓ ઉપર ન ગયું હોય તો સીધી તેની ફરજમાં બેદરકારી છે. 3 દિવસ પહેલાં ગેંગરેપ વિથ લૂંટની ઘટની બની હતી
12 માર્ચ 2025ના સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ગેંગરેપ વિથ લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં મહિલા તેના 3.5 વર્ષના બાળક સાથે પાલિતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી. એ દરમિયાન અમદાવાદથી એક યુવક પરિવાર સાથે તેના પતિને જાણતો હોવાનું કહીને તેની સાથે જ આવી રહ્યો હતો. સુરત ખાતે આવી આરોપી યુવક દ્વારા યુવતીને ઉધના રેલવે સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવી હતી. ઉધના સ્ટેશનથી 10 કિમી દૂર ઉત્રાણ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ તેના બાળકની સામે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અન્ય એક ઓડિશાના શખસે પણ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ બે દિવસ સુધી મહિલા પર બે-બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને ગંભીર રીતે માર માર્યો હતો, જોકે એક વ્યક્તિ પોતાના પાલતું શ્વાનને લઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે આ મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જોતાં પોલીસને જાણ કરી હતી. એ બાદ પોલીસ દ્વારા અર્ધબેભાન હાલતમાં મળી આવતાં હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે મહિલાએ પોતાની સાથે થયેલી ઘટનાની આપવીતી જણાવતાં આખો મામલો સામે આવ્યો હતો. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી છે. વિગતવાર વાંચવા ક્લિક કરો… પાલિતાણાથી ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી મહિલા પર સુરતમાં બાળક સામે દુષ્કર્મ