ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થયાં હતા. આ આક્ષેપો કરનાર ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ તથા તત્કાલિન કોંગ્રેસ અગ્રણીઓ સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, અને સી.જે.ચાવડા સામે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં આરોપીઓ અદાલતમાં અપીલ નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપી બે ધારાસભ્યો સહિતના સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. જે પછી આરોપીઓ આજે કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને બિનશરતી માફી માંગી લીધી હતી જેથી ફરિયાદી પક્ષે પણ પોતાનો કેસ પાછો ખેંચી લીધો હતો. ભાજપ નેતા નીતિન ભારદ્વાજે ફરિયાદ કરી હતી તે મુજબ, અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી તત્કાલિન વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, તત્કાલિન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા (હાલ ભાજપમાં) તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂ. 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ નીતીન ભારદ્વાજ વિરૂધ્ધ કરેલ હતો. આ અંગે રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. નીચેની કોર્ટે ફરીયાદ પરત કરતા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્ય હુકમ કરેલ હતો. જે પછી કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈશ્યુ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. પરંતુ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ન હતા. ફરીયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરીયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેથી આજે તમામ આરોપી કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં કોર્ટ સમક્ષ બિન શરતી માફી પત્ર મુકતા આરોપીઓએ કહ્યું કે, આધાર પુરાવા વગરના અમારા આક્ષેપો રાજકીય હતા, જે અમારી ભૂલ હતી. માફી સ્વીકારી નીતિનભાઈ ભારદ્વાજ એ કેસ પરત ખેંચી લીધો હતો.