વડોદરા “રક્ષિતકાંડ”માં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. 8ને ઉડાડનાર આરોપીને લંગડાતો અને રસી બાંધીને સ્થળ પર લવાયો હતો. આરોપીને જોવા લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં. ઘટનાસ્થળે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે. લોકોએ કહ્યું, આને અમને સોંપી દો, અમે સજા આપીશું. અગાઉ પોલીસે આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન નશો ઊતર્યા બાદ આખી રાત આરોપીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પડખાં ફેરવ્યાં હતાં. વડોદરા શહેરમાં 13 માર્ચે રાત્રે 11.15 વાગ્યે પૂરપાટ ઝડપે આવેલા કારચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રક્ષિતના આજે બપોરે રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તદુપરાંત કારેલીબાગ પોલીસ સ્ટેશનના 3 ASIની બદલી કરવામાં આવી. ધરપકડ બાદ રક્ષિત ચૌરસીયાએ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને તે બાદ આ બદલી કરાઈ હતી. આ ઘટનામાં નિષ્કાળજી બદલ પોલીસકર્મી શૈલેન્દ્રસિંહ રણજીત સિંહ, તેરસિંહ માવજીભાઈ અને જીતેન્દ્ર બાબુભાઈની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ. રક્ષિતના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરામાં નશો કરી આઠ લોકોને ઉડાવનાર રક્ષિતના એક દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે આજે (15 માર્ચે) વધુ બે દિવસના રિમાન્ડ માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. રક્ષિત અકસ્માત સમયે નિકિતા અને અનઅધર રાઉન્ડ શબ્દોનો ઉલ્લેખ કરતો હોય આ મામલે પોલીસે તપાસ કરવા વધુ રિમાન્ડની માગ કરી હતી. જે કોર્ટે ગ્રાહ રાખી હતી અને વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા નિકિતા કોણ છે તે અંગે પોલીસ હવે તપાસ કરશે. અમને સોંપી દો, અમે તેને સજા આપીશું
રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. દીપાવલી સોસાયટીમાં રહેતાં ઉર્વીબેન શેઠે જણાવ્યું હતું કે અમે તો કહીએ છીએ કે તેને ફાંસી આપી દો. તેને અમને સોંપી દો. અમે તેને સજા આપીશું. એ અનધર રાઉન્ડ કહેતો હતો, તેનો જવાબ આપવા માગીએ છે. પોલીસને પણ ખૂબ પ્રેશર છે. કેસને દબાવવાનો પ્રયાસ છે. પોલીસને પણ એવી છૂટ આપો કે તે કાર્યવાહી કરી શકે. આવા લોકોને તો તરત ફાંસી આપો
સ્થાનિક અશોકભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતું કે આવા લોકોને તો તરત ફાંસી આપી દેવી જોઈએ. ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર જેમ આરોપીઓના મકાન તોડે છે એમ આનું પણ મકાન તોડી નાખવું જોઈએ. અમદાવાદમાં પણ મોટો અકસ્માત થયો, અહીં પણ થયો. આવું બધું ચાલ્યા કરશે. આવા લોકોને કડક સજા કરશો તો જ લોકો હિંમત નહીં કરે. હું હંમેશા હેલ્મેટ પહેરીને જ નીકળું છું. મને ડર છે કે કોઈ મને ટક્કર મારી દેશે. વધુ રિમાન્ડની જરૂર પડશે તો ફર્ધર રિમાન્ડ મેળવીશું
આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટના આદેશ અનુસાર એક દિવસના રિમાન્ડ મેળવ્યા અને રિમાન્ડ અંતર્ગત રિકન્સ્ટ્રક્શન કરી રિમાન્ડના મુદ્દા અંતર્ગત તે કોણે કોણે મળ્યો છે અને ઘટનાસ્થળે તેના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપીના નમૂના લેવામાં આવ્યા છે અને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં રિમાન્ડ પર છે અને એ દરમિયાન કાર્યવાહી થઈ રહી છે અને વધુ રિમાન્ડની જરૂર પડશે તો ફર્ધર રિમાન્ડ મેળવીશું. રૂટિન કાયદાની જોગવાઈ મુજબ મેડિકલ કરવાનું થતું હતું એ કરવામાં આવ્યું છે. છાતીમાં દુખાવો ઊપડતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો
અગાઉ આરોપી નબીરા રક્ષિતને છાતીમાં દુખાવો ઊપડતાં તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેને સર્જિકલ વોર્ડમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી રક્ષિતે કહ્યું કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, મને કારમાં ઈજા થઈ હતી. આમ, આરોપી રક્ષિતે બે અલગ અલગ બહાનાં બતાવ્યાં હતાં. સયાજી હોસ્પિટલમાં મુખ્ય આરોપી રક્ષિત ચોરાસિયાનાં બે-બેવાર એક્સ-રે અને સોનોગ્રાફી કરાયાં હતાં. આજે રિમાન્ડ પૂર્ણ થતાં પહેલાં આરોપીએ નાટક કરી છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે એક્સ-રે અને સોનોગ્રાફી સહિત તપાસ કરાવી તો રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હું મારી પત્ની અને બે બાળક રાત્રે આંટો મારવા નીકળ્યાં હતાં
વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી દીપાવલી સોસાયટીમાં રહેતા અને પ્રોજેક્શન ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડમાં એડિશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષભાઇ મહેન્દ્રભાઈ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.13/03/2025ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે હું, મારી પત્ની નિશા અને મારાં બે બાળકો રેન્શી તથા જૈમી ચારેય જણા આંટો મારવા નીકળ્યાં હતાં. ચંદ્રાવલી સર્કલ પાસે એક ટૂ-વ્હીલરને ટક્કર મારી ફુલ સ્પીડમાં આવ્યો
સોસાયટીના પાર્કિંગમાં આવતાં મારી પત્ની નિશાએ અમારું એક્ટિવા ચલાવી તેની પાછળ મારા બન્ને બાળકોને બેસાડ્યાં હતાં અને મને કહ્યું હતું કે તમે સોસાયટીના ગેટ આગળ ઊભા રહો, હું બાળકોને એક્ટિવા ઉપર મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી ચાર ૨સ્તા થઈને આંટો મરાવીને આવું છું, એમ કહી તે બન્ને બાળકોને એક્ટિવા ઉપર લઇને નીકળી હતી અને હું મારી સોસાયટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે 11.15 વાગ્યે કાળા કલરની કારનો ચાલક પૂરઝડપે ગાડી ચલાવી ચંદ્રાવલી સર્કલ પાસે એક ટૂ-વ્હીલરને ટક્કર મારીને આગળ આવ્યો હતો. મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ધસડાઈ હતી
એ વખતે મારી પત્ની ચંદ્રાવલી સર્કલથી અમારી સોસાયટી તરફ એક્ટિવા લઈને મારાં બાળકો સાથે આવતી હતી, ત્યારે તે કારચાલકે મારી પત્નીના એક્ટિવાને પણ ટક્કર મારી હતી અને તેજ સ્પીડમાં આગળ જતાં એક ટુ-વ્હીલર પર જતાં મહિલા અને પુરુષને પણ ટક્કર મારી હતી. ત્યાર બાદ એક્ટિવા ઉપરથી સૌપ્રથમ મારી દીકરી રેન્સી નીચે પડી ગઈ હતી, ત્યાર બાદ મારો દીકરો જૈમી નીચે પડી ગયો હતો અને મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ધસડાઈ હતી. મારી પત્નીની એક્ટીવા ગાડી સાથે ટક્કર માર્યા બાદ આગળ બીજા ટૂ-વ્હીલર પર મહિલા અને પુરુષ જતાં હતાં, તેમને ટક્કર મારી હતી. લોકોએ કારચાલકને પકડ્યો, બાજુમાં બેઠેલો ઈસમ ભાગી ગયો
ત્યાર બાદ કારનું આગળનું બોનટ ખૂલી ગયુ હતુ અને કાર અચાનક ઊભી રહી ગઈ હતી, જેથી આજુબાજુથી લોકો આવી ગયા હતા અને તેમાંથી કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને એમાં બેસાડી સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. એ વખતે કારચાલક અને તેની બાજુની સીટમાંથી એક ઇસમ કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ બૂમાબૂમ કરતા હતા અને એ વખતે પબ્લિકે કારના ચાલકને પકડી પાડ્યો હતો અને બાજુમાં બેઠેલો ઇસમ કારમાંથી ઊતરી ભાગી ગયો હતો. કારનો નંબર (GJ-06-RA-6879)નો હતો. કારચાલકે મારી પત્ની પહેલાં ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી
મારી પત્ની તથા મારાં બે બાળકોને સયાજી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયાં હતાં. એ વખતે મારી પત્ની નિશાને માથા, થાપા અને જમણા પગે ગંભીર ઇજાઓ થઈ હતી અને મારી દીકરી રેન્સીને માથા, બન્ને પગના ઘૂંટણના પાછળ અને આંખ ઉપર ગંભીર પ્રકારની ઈજા પહોચી હતી. મારા દીકરા જૈમીને માથા, જમણા હાથ, જમણા પગે અને પીઠના પાછળના ભાગે ઈજા થઈ હતી. કારચાલકે મારી પત્ની પહેલાં ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી, એમાં હેમાલીબેન પુરવભાઈ પટેલનું મોત થયું હતું અને તેમની સાથે તેમના પતિ પુરવભાઈ પટેલને ગંભીર પ્રકારની ઈજાઓ કરી હતી અને સયાજી હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે. ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા
મારી પત્ની નિશા અને મારાં બાળકોને વધુ ઇજા થયેલ હોવાથી હું તેમને સનફાર્મા રોડ પર આવેલી ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ ગયો હતો. આ ઉપરાંત ટૂ-વ્હીલર ગાડીમાં સવાર વિકાસ અજિતભાઈ કેવલાનીને જમણા હાથ, મોઢા અને ખભા પર ઇજાઓ થઈ છે. જયેશ અનિલભાઈ કેવલાનીને જમણા પગે ઢીંચણથી નીચેના ભાગે ફેક્ચર થયુ છે અને કોમલબેન અજિતભાઈ કેવલાનીને જમણા પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કારની બાજુની શીટમાં બેઠેલા ઇસમનુ નામ પ્રાંશુ રાજેશભાઈ ચૌહાણ (રહે.-204, વેરેન્જા મેરેડિયન, વાસણા ભાયલી રોડ, વડોદરા) અને કારચાલકનું નામ રક્ષિત રવીશ ચોરસિયા (રહે.-મ.નં.-33, ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, વડોદરા) છે. આ કેસમાં કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત રવીશ ચોરસિયા સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે અને તેની સામે BNSની કલમ 105,281,125 (a), 125(b),324(5) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પણ વાંચો: વડોદરામાં તથ્યવાળી, નશામાં ધુત કારચાલકે 8ને ઉડાવ્યા, CCTV:એકનું ઘટનાસ્થળે જ મોત, બે બાળક સહિત 7ને ઇજા અને બે ગંભીર, આરોપી નશામાં બોલ્યો, અનધર રાઉન્ડ…