દેશના મેટ્રોપોલિટન શહેરમાં સમાવિષ્ટ એવા ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં સુરત અને રાજકોટમાં પણ આ સેવા શરૂ કરી હતી. નાગરિકોનો સમય બચાવવા માટે પોતાના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચડવા આ સેવા શરૂ કરવામાં આવી હતી. જેથી BRTS બસ ચલાવવા અલગ કોરિડોર બનાવવામાં આવ્યાં હતાં. જો કે 15 વર્ષ પહેલાં પહેલા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે. હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહી છે. આમ BRTS પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાકાળ પહેલા જ કોરિડોર બનાવવાનું બંધ
અમદાવાદમાં BRTSનો હવાલો સંભાળતા દિપક ત્રિવેદીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં નવો કોઈ કોરિડોર બનાવવામાં આવ્યો નથી. કોરોના કાળ પહેલા જ કોરિડોર બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જે રૂટ શરૂ કરવામાં આવેલા છે તેને મિક્સ ટ્રાફિકમાં બસો દોડાવવામાં આવી રહી છે. બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યા બાદ નવો કોઈ કોરિડોર બનાવવામાં આવ્યો નથી. અમદાવાદ રોડ પહોળા બની ગયા હોવાથી કોરિડોર નથી બનાવાતા
BRTS સેવા શરૂ કરવામાં આવી ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવવામાં આવ્યા હતા. BRTS ઝડપથી અને સરળતાથી પસાર થઈ શકે તે માટે આ કોરિડોર બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલમાં BRTS માટે પણ અલગથી તેનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જોકે હવે આ કોરિડોર બંધ કરવા પાછળનું કારણ તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. ગુજરાતમાં સૌપ્રથમ બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ (BRTS) શરૂ કરવા વર્ષ 2005માં રાજ્ય પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને બાદમાં CEPT યુનિવર્સિટી દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ(સંભાવનાઓ તપાસવા માટે તૈયાર કરવામાં આવતો અહેવાલ) તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા JNNURM કાર્યક્રમ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. 2006માં ટેકનિકલ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. CEPTએ વિગતવાર વિશ્લેષણ પછી સિસ્ટમ ડિઝાઇન કરી હતી. જુલાઈ 2009માં ટ્રાયલ શરૂ થઈ
અમદાવાદનાં સામાજિક-આર્થિક પરિબળો, મુસાફરી માંગ પેટર્ન, રોડ નેટવર્ક લાક્ષણિકતાઓ, મેટ્રો યોજના અને હાલના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) રૂટ નેટવર્કના વિશ્લેષણના આધારે BRTSને અંદાજીત 155 કિલોમીટર લંબાઈના રસ્તાઓમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BRTS બસ સેવાને બે ફેઝમાં શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત જુલાઈ 2009માં ટ્રાયલ શરૂ થઈ. પીરાણાથી આરટીઓ જંકશનને જોડતો પહેલો કોરિડોર 14 ઓક્ટોબર 2009ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા BRTS સેવા શરૂ કરાવવામાં આવી હતી. રાજકોટ 28 બસ BRTS રૂટ પર દોડાવવામાં આવી રહી છે
આ મામલે રાજકોટ મનપામાં સિટી બસનો હવાલો સંભાળતા અધિકારી પરેશ અઢીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટમાં રાજકોટ શહેરમાં BRTS અને RMTS સિટી બસ સેવા કાર્યરત છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ પર BRTS ચાલી રહી છે. જ્યારે બાકીના વિસ્તારમાં RMTS દ્વારા સિટી બસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સિટી બસ સેવા માટે કુલ 215 જેટલી બસ છે. આ પૈકી 100 CNGથી ચાલતી બસ અને 115 ઇલેક્ટ્રિક બસ છે. જેમાં હાલ 28 બસ BRTS રૂટ પર દોડાવવામાં આવી રહી છે. બંને મળીને દરરોજ 54,000 મુસાફરો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. જેમાં 30,000 BRTS અને 24,000 RMTS બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. રાજકોટ શહેરનાં તમામ વિસ્તારમાં RMTS બસો દોડાવવામાં આવી રહી છે. 30,000 મુસાફર કરે છે મુસાફરી
BRTS સેવા અંગે તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરનાં 150 ફૂટ રિંગ રોડ ઉપર માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીનાં વિસ્તારમાં BRTS ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ આધુનિક ટ્રેક ઉપર અદ્યતન ટેકનોલોજી સાથેના બસ સ્ટોપ પણ ઉભા કરવામાં આવ્યા છે. માત્ર BRTSની વાત કરીએ તો શહેરમાં દૈનિક 30,000 જેટલા મુસાફર આ સેવાનો લાભ લે છે. જેમાં ગોંડલ રોડનાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને માધાપર ચોકડી આસપાસ રહેતા લોકો માટે આ સેવા ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સિવાય પણ કાલાવડ રોડનાં કેકેવી ચોક, યુનિવર્સિટી રોડના ઇન્દિરા સર્કલ, નાના મવા ચોક અને મવડી પાસે રહેતા લોકોને પણ આ સેવાનો સીધો લાભ મળે છે. હાલ આ માટે 28 બસ ફાળવવામાં આવી છે. રાજકોટનાં સ્માર્ટ સિટીમાં પણ એકાદ વર્ષ પહેલાં જ BRTS કોરિડોર સાથેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી લેવામાં આવ્યું છે. પરંતુ હજુ ત્યાં ખાસ રહેણાંક વિસ્તાર ડેવલોપ થયો ન હોવાથી બસ સેવા શરૂ કરવામાં આવી નથી. નવો કોરિડોર બનાવવાનું હાલમાં કોઈ આયોજન નથી. સુરતમાં BRTS કોરિડોર 110 કિલોમીટર લાંબો
સુરત શહેરમાં દેશનો સૌથી લાંબો BRTS કોરિડોર છે, જે 110 કિલોમીટર લાંબો છે. સુરત શહેરે સમગ્ર દેશમાં લીડ લીધી છે, કારણ કે અહીંની BRTS બસ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બની ગઈ છે. હાલ 450 જેટલી ઇલેક્ટ્રિક બસ સક્રિય છે. આ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડેપો, રિપેર અને મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા, ઇલેક્ટ્રિક બસોને ચાર્જિંગ કરવાની સુવિધા, અને ડ્રાઇવર-કંડકટરને તાલીમ આપવામાં આવે છે. BRTS વિભાગના અધિકારી પ્રસાદ કુમારે જણાવ્યું હતું કે 110 કિલોમીટર સુધીનો આ BRTS કોરિડોર છે. વર્ષ 2014માં કોરિડોર બનાવવાની કામગીરી શરૂ થઈ હતી અને વર્ષ 2016માં આ કામગીરી પૂર્ણ થઈ હતી. હાલમાં, આ કોરિડોર પર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો દોડે છે. હવે નવા કોરિડોર બનાવાશે નહીં.