back to top
Homeદુનિયાઓસ્ટ્રેલિયામાં ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ઉત્સવ:સિડનીમાં મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ઉત્સવ:સિડનીમાં મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભવ્ય રંગોત્સવ

તારીખ 15-3-2025ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સંતોએ તેમનું પુષ્પહાર અને અમૃત કળશ દ્વારા સન્માન કર્યું હતું. 10 વર્ષ પહેલાં આ જગ્યાને પ્રસાદીભૂત કરી હતી
આ પ્રસંગે BAPS સંસ્થા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કાર્યોથી પ્રભાવિત થઈ તેમણે પોતાની ભાવોર્મિઓ રજૂ કરતા જણાવ્યું,‘અહીં આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવું એ ખરેખર સદ્ભાગ્યની વાત છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આવા પવિત્ર સ્થાન પર, આજના ખાસ ઉત્સવ દિને મને આજે અહીં મારી સાથી સભ્યો સાથે આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. તેઓ જે સંદેશ આપે છે તે બધા જ ઓસ્ટ્રેલિયનવાસીઓ માટે છે, કે બીજાના ભલામાં આપણું ભલું છે. સ્વામીજી, અમે આપના ખૂબ આભારી છીએ કે, આપે ભારતથી અહીં પધારી આ ઉત્સવ માટે સિડની શહેરની પસંદગી કરી. BAPS સંસ્થાના 115 કરતા વધુ વર્ષોના ઈતિહાસમાં આ લાભ બીજીવાર અમને મળી રહ્યો છે. 10 વર્ષ પહેલાં આપે જે જગ્યાને પ્રસાદીભૂત કરી હતી, આજે એ જ જગ્યાએ ઉપસ્થિત રહી અમે ધન્યતા અનુભવીએ છીએ. મંદિર એ શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે
ઓસ્ટ્રિલયન લોકો વતી હું આપને કહેવા માંગુ છું કે આપનું અહીં સદાય સ્વાગત છે. રંગોનો આ મહાન ઉત્સવ, સૌને આસુરી પર દૈવીના વિજયનો ઉત્તમ સંદેશ આપે છે. રંગોનો આ ઉત્સવ ભારતીયોએ ઓસ્ટ્રેલિયન કેલેન્ડરને આપેલી એક ઉત્તમ ભેટ છે. આજે આપણે એક એવા સ્થાનની ઉજવણી કરી રહ્યા છીએ જે આ દેશને મળેલી અમૂલ્ય ભેટ છે અને એ છે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર. સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે. આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે. કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ થાય એવું સ્થાન છે. ઓસ્ટ્રિલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે
આ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે તે ઓસ્ટ્રિલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. શાંતિની શોધ કરનારા સૌ કોઈ માટે આ એક અતુલ્ય સ્થાન હશે. હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ છે. અને તેના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. ઓસ્ટ્રિલિયા આજે જે કાંઈ પણ છે તેના કારણોમાં પેઢીઓથી આપ સૌએ ઓસ્ટ્રેલિયા માટે જે કર્યું છે તે પણ છે. અને આપ સૌ આ આધુનિક ઓસ્ટ્રિલિયાનો એક ખૂબ જ અગત્યનો ભાગ છો. સ્વામીજી શીખવે છે કે, સંપ એ શક્તિ છે. જ્યારે સંપથી કાર્ય કરીએ છીએ ત્યારે કશું જ અશક્ય નથી. દિલ્હી અક્ષરધામની મુલાકાત મને આજે પણ યાદ છે
1991માં જ્યારે એક પ્રવાસી યુવાન તરીકે મે ભારતની પ્રથમ મુલાકાત લીધી ત્યારથી મને ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે. તેમાંય નવી દિલ્હી ખાતે અક્ષરધામની મુલાકાત મને આજે પણ યાદ છે. ઓસ્ટ્રિલિયામાં આ BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. હું માનું છું કે, આ મંદિર ઓસ્ટ્રેલિયાના અક્ષરધામ તુલ્ય હશે. આપના સમુદાયમાં એક મહાન શક્તિ છે. BAPSના તમામ સ્વયંસેવકો અને આપના સમુદાયના સૌ સભ્યોએ આ માટે ગૌરવ અનુભવવું જોઈએ. સ્વામીજી, આપને પ્રણામ સાથે ઓસ્ટ્રેલિયામાં, આપના ઘરમાં, આપનું સ્વાગત છે. દેશ-વિદેશના હજારો ભક્તો-ભાવિકોને ભક્તિરંગથી રંગ્યા
પૂજ્ય મહંત સ્વામી મહારાજે સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં, તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા દેશ-વિદેશના હજારો ભક્તો-ભાવિકોને ભક્તિરંગથી રંગ્યા હતા. આમ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય પરંપરા અને સનાતન ધર્મની અનુભૂતિ સાથે વડાપ્રધાને વિદાય લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સિડનીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિર અને વિશાળ સાંસ્કૃતિક સંકુલના પ્રથમ અધ્યાય રૂપે ભગવાન સ્વામિનારાયણની તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા તારીખ 6 માર્ચના રોજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી આ ધાતુમુર્તિ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચામાં ઊંચી સ્થાપિત થયેલી ધાતુમૂર્તિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments