કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરી હંમેશાં પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, ‘જે કરશે જાતિની વાત તેને મારીશ જોરથી લાત .’ ગડકરીએ એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં કહ્યું, ‘હું જાહેરમાં ધર્મ અને જાતિ વિશે વાત કરતો નથી. સૌથી ઉપર સમાજ સેવા આવે છે. હું ચૂંટણી હારી જાઉં કે મંત્રીપદ ગુમાવી દઉં, હું આ સિદ્ધાંત પર અડગ રહીશ. જો મને મંત્રીપદ નહીં મળે તો હું મરી નહીં જાઉં. ગડકરીના ભાષણની મહત્ત્વની 3 વાત 1. ભેદભાવ રાખતો નથી ગડકરીએ કહ્યું હતું કે અમે ક્યારેય જાતિ કે ધર્મના આધારે ભેદભાવ કરતા નથી. હું રાજકારણમાં છું અને અહીં ઘણીબધી બાબતો બને છે, પણ મેં મારી રીતે કામ કરવાનું નક્કી કર્યું છે. મને કોણ મત આપશે એની મને ચિંતા નથી. તેમણે કહ્યું હતું કે મારા મિત્રોએ કહ્યું હતું કે તમારે જાહેર જીવનમાં રહીને આ ન કહેવું જોઈતું હતું, પણ મેં જીવનમાં આ સિદ્ધાંતનું પાલન કરવાનું નક્કી કર્યું છે. જો હું ચૂંટણી હારી જાઉં કે મંત્રીપદ ન મળે તોપણ હું મરી નહીં જાઉં. 2. જો કોઈ મુસ્લિમ IPS કે IAS બને તો સૌનો વિકાસ ગડકરીએ કહ્યું હતું કે જ્યારે તેઓ એમએલસી હતા ત્યારે તેમણે એક એન્જિનિયરિંગ કોલેજની મંજૂરી અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા (નાગપુર)ને ટ્રાન્સફર કરી હતી. તેમને લાગ્યું કે મુસ્લિમ સમુદાયને તેની વધુ જરૂર છે. તેમણે કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાયમાંથી વધુ એન્જિનિયર, IPS અને IAS અધિકારીઓ બનશે તો સૌનો વિકાસ થશે. 3. શિક્ષણ જીવનને બદલી શકે છે તેમણે કહ્યું હતું, “આપણી પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડૉ. એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે. આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન-એ-ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બન્યા છે. જો તેમને ભણવાની તક ન મળી હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની જ તાકાત છે. એ જીવન અને સમુદાયોને બદલી શકે છે.” ગડકરીનાં નિવેદનોથી સંબંધિત આ સમાચાર પણ વાંચો… નીતિન ગડકરીએ કહ્યું- રાજા એવો હોવો જોઈએ કે તે ટીકા પચાવી શકે: એના પર આત્મમંથન કરો, આ લોકશાહીની સૌથી મોટી કસોટી છે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે રાજા (શાસક) એવો હોવો જોઈએ કે જો કોઈ તેના વિરુદ્ધ બોલે તો તેણે સહન કરવું જોઈએ. ટીકાઓ પર મંથન કરે. આ લોકશાહીની સૌથી મોટી કસોટી છે. શુક્રવારે પુણેમાં MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગડકરીએ આ વાતો કહી હતી.