અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ આજે(16 માર્ચ, 2025) વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહંતના દીકરાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ(સરદારનગર પોલીસ) અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ AMCએ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે. મહંતે આપઘાત કરતાં પહેલા સુસાઇડનોટ પણ લખી છે, જેમાં છેલ્લાં ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઇમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરુદ્ધ ઊભા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે હાલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. મંદિરના પૂજારી મૃતક મહેન્દ્રભાઈએ મંદિર તોડવાને લઈને કેટલાંક વાક્યો લખેલાં બેનર અને પોસ્ટર પણ પોતાના મંદિરમાં લગાવ્યાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બિલ્ડરને આપવામાં આવેલા વર્ક ઓર્ડરમાં 4 નંબરના મુદ્દામાં 1251 ચોરસ મીટરનો પ્લોટ જેમાં પૌરાણિક મંદિરો આવેલા છે તે હટાવવા વિના પ્લોટમાં પ્લાનિંગ કરવું તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંતે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના નરોડા વિસ્તારમાં નેશનલ હેન્ડલૂમની ગલીમાં કુબેરનગર તરફ જવાના રોડ ઉપર જે સ્લમ વિસ્તાર સંતોષીનગરના છાપરા તરીકે ઓળખાય છે, જેમાં સંતોષી માતાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્ર માણીકરે (ઉં.વ.63)એ આજે વહેલી સવારે આપઘાત કર્યો હતો. આ મામલે મહંતના પુત્ર બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે સંતોષીનગરના છાપરા ખાતે અમારું મકાન અને વર્ષો જૂના મંદિર આવેલાં છે. 1972 પહેલાં સંતોષી માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેની બાજુમાં બીજા બે મંદિર બનાવવામાં આવ્યાં છે. મોટું મંદિર પરિસર અહીં બનેલો છે. ચાર વર્ષથી મંદિર તોડવા દબાણ કરવામાં આવતું હતું
તેમણે આગળ કહ્યું કે, સંતોષી માતાના મંદિરની બાજુમાં તેમના દાદાની સમાધિ પણ આવેલી છે. દાદાએ સંતોષીનગરના છાપરાને વસાવ્યા છે, અમે વર્ષોથી અહીં રહીએ છીએ તેમજ વર્ષો જૂનું મંદિર છે, જેને તોડી પાડવા માટે છેલ્લાં ચાર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. મહંત મહેન્દ્રભાઈને અવારનવાર આ મંદિર પરિસર ખાલી કરી દેવા માટે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. ‘મારા પિતાએ આપઘાત કરી લીધો છે એ લડત હવે હું લડીશ’
તેમણે વધુમાં કહ્યું હતું કે આ મામલે કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ દબાણ કરવામાં આવતું હતું. ખાસ કરીને બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. બિલ્ડરના કહેવાથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા છેલ્લાં ચાર વર્ષથી હેરાન-પરેશાન કરાતા હતા. બિલ્ડરના કહેવાથી થયું છે અને તેમના હાથે તેઓએ સુસાઇડનોટ લખી છે. છેવટે કંટાળીને મારા પિતાએ આપઘાત કરી લીધો છે, પરંતુ હવે આ લડત લડીશ. ‘હું ભીષ્મ પિતામહની જેમ લડ્યા વિના જ હાર સ્વીકારું છું’
મૃતક પૂજારી મહેન્દ્રભાઈએ સુસાઇડનોટમાં લખ્યું છે કે મારા એક સંબંધી છે, જેને મેં જીવનદાન આપ્યું તે જ મારા જીવનું જોખમ બન્યા. તેમની સામે લડવા માટે મારી પાસે કોઈ નીતિ-રીતિ નથી અને હું ભીષ્મ પિતામહની જેમ લડ્યા વિના જ હાર સ્વીકારું છું. મારી પત્ની કલ્પનાએ જીવનમાં હર ઘડી મારી સાથે રહીને સીતાજીની જેમ 14 વર્ષ વનવાસ ભોગવ્યો તેને હું જીવનની અંતિમ રાહે એકલી છોડીને જઈ રહ્યો છું. માફ કરજે ગુલ (કલ્પના હોમ મિનિસ્ટર). મંદિરને બચાવવાની અધૂરી જવાબદારી હું મારા પુત્ર બ્રિજેશના શિરે છોડીને જાઉં છું. મારા દીકરા મારી અધૂરી લડાઈ તું લડજે. મારી જન્મભૂમિને બચાવવા માટે તું ધર્મની લડાઈ લડજે. આ પાવન ભૂમિ મારાં માતા-પિતાને તારાં દાદા-દાદી ગંગાની પાવન ભૂમિ છે. ‘આ જગ્યા છારા સમાજના સંત અને સતીઓની છે’
આ જગ્યા છારા સમાજના સંત અને સતીઓની છે. છારા સમાજનાં માન-સન્માનની ભૂમિ છે, જેનું રક્ષણ છારા સમાજે કરવાનું છે. મારી માલ-મિલકત પત્ની અને દીકરા-દીકરીને ત્રણેય સરખે ભાગે વહેંચી આપજો એવી પ્રાર્થના કરું છું. પરિવારના તમામ લોકોનો તેઓ દ્વારા ઉલ્લેખ કરીને તેમને સાચવવાની વાત સુસાઇડનોટમાં લખવામાં આવી છે. ત્યાર બાદ સૌને અંતિમ રામ રામ લખ્યું છે. મંદિર તોડવાની કોઈ નોટિસ આપી નહોતી: AMC
આ મામલે AMCએ સ્પષ્ટતા કરી છે કે, મંદિરને તોડવાની કોઈ નોટિસ આપી નહોતી અને ધાર્મિક સ્થાન દૂર કરવાનો પ્લાનિંગમાં કોઈ ઉલ્લેખ નથી. ઉત્તર ઝોનના વોર્ડ નંબર 12ના નરોડામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી દ્વારા પ્રાપ્ત થયેલા ફાઇનલ પ્લોટ નંબર 715 અને 716માં સંતોષીનગર નામથી પ્રચલિત વસાહત આવેલી છે. આ જગ્યાને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્લમ એકટ 2011અને રીહેબિલિટેશન અને રીડેવલપમેન્ટ પોલીસી 2013 અંતર્ગત આ સ્લમ વસાહત તરીકે19/02/2019થી નોટિફાઇડ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સંતોષીનગર રીહેબિલિટેશન અને રિડેવલપમેન્ટ સ્લમ પ્રોજેક્ટ અન્વયે AMC તરફથી મંદિર દૂર કરવા પૂજારીને જણાવવામાં આવ્યું નથી. તેમજ સ્લમ દૂર કરવા આપવામાં આવેલા વર્કઓર્ડરની શરત નંબર 4માં પણ આ ધાર્મિક પૌરાણિક સંકુલ હોવાથી પ્લાનિંગમાંથી આ ધાર્મિક એરિયાને બાદ કરી પ્લાનિંગ કરવાનું જણાવવામાં આવ્યું છે. AMC તરફથી મંદિર બાબતે સ્લમ પ્રોજેક્ટ અન્વયે કોઈ જ પ્રકારની તોડવાની નોટિસ આપવામાં નથી તેમજ ક્યારેય કોઈ સુચના પણ આપેલી નથી. મંદિર તોડવા માહિતી મળી નથી- ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનર
ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2019થી સંતોષીનગરના છાપરામાં સ્લમ રિડેવલપમેન્ટ પોલીસી અંતર્ગત મકાનો તોડીને નવાં બનાવીને તેના સ્થાનિકોને આપવાની કામગીરી અંગેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે, પરંતુ ત્યાંના કેટલાક સ્થાનિક લોકો, જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ નાના ગરીબ લોકોને આગળ કરીને સ્લમ રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત મકાનો બનાવવામાં વિક્ષેપ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને આ ઝૂંપડાં તોડી નવાં મકાન બનાવીને આપી રહી છે, પરંતુ ત્યાં કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે બંધ થઈ જાય એના કારણે આ મકાનો બનાવવા દેવામાં આવતાં નથી. અમને મંદિર તોડવા મામલે માહિતી મળી નથી. ‘પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જાળવવાનો જ છે’
G ડિવિઝન એસીપી વી.એન. યાદવે આ મામલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી AMC ઘણી વખત બંદોબસ્ત માગે છે. એના અનુસંધાને પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય એટલો જ હોય છે. AMC બંદોબસ્ત માગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે. કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો કોઈ ઉદ્દેશ નથી. જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ એની તપાસ કરવામાં આવશે.