શાયર રાવલ
રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટરોનો ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ ચૂકવાયો નથી. પરિણામે ઘણા ડૉક્ટરોના હોમ લોન, એજ્યુકેશન લોન, કાર લોનના ચેક બાઉન્સ થયા છે. ડૉક્ટરો છેલ્લા 10 દિવસથી આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગને વારંવાર રિમાઈન્ડર આપી રહ્યાં છે, પરંતુ સરકાર હજુ સુધી ઉકેલ લાવી શકી નથી. આ સ્થિતિ વધુ કેટલા દિવસ ચાલશે તે અંગે પણ સ્પષ્ટતા અપાઈ નથી.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જેવી કે, બી.જે. મેડિકલ કોલેજ-અમદાવાદ, સરકારી મેડિકલ કોલેજ-બરોડા, સરકારી મેડિકલ કોલેજ-રાજકોટ, સરકારી મેડિકલ કોલેજ-ભાવનગરમાં કોઈ પણ ડૉક્ટર અથવા સ્ટાફને પગાર ચૂકવાયો નથી. સરકારી મેડિકલ કોલેજ-જામનગરમાં માત્ર 50% ડૉક્ટર અને સ્ટાફને પગાર મળ્યો છે, જ્યારે સરકારી મેડિકલ કોલેજ-સુરતમાં મોટાભાગના ડૉક્ટરોને પગાર મળ્યાનો દાવો છે. બીજી તરફ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજો અને અર્ધ સરકારી હોસ્પિટલો પાસે પોતાનું ફંડ હોવાને કારણે પગાર ચૂકવણીની સમસ્યા સામે આવી નથી. બી.જે. મેડિકલ કોલેજના ડીન છેલ્લા 10 દિવસથી રજા પર છે, જેના કારણે ડૉક્ટરોની રજૂઆતો કોઈ સાંભળનાર નથી. મહિના પહેલા ડીન અને પી.જી. ડાયરેક્ટરે એક સરક્યુલર બહાર પાડ્યો હતો. જેમાં એનએમસી ઈન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે ડૉક્ટરોને રજા ન લેવા આદેશ કરાયો હતો. તેમ છતાં કેટલાક સિનિયર ડૉક્ટરોએ ધરાર રજા લીધી હતી. આ કારણે અન્ય તબીબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. એક મહિલા સિનિયર ડૉક્ટર જયપુરમાં ફિલ્મફેર એવોર્ડ જોવા માટે ગયા હતા અને હવે તેમણે વિદેશ જવા માટે પણ રજા મૂકી છે. વિવાદ વધુ ન વકરે તે માટે બી.જે. મેડિકલ કોલેજે 12મી માર્ચે અગાઉ જાહેર કરેલો સરક્યુલર રદ કર્યો છે. આ સાથે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે કે, એનએમસીનું ઈન્સ્પેક્શન તો અચાનક અને સરપ્રાઈઝ હોય છે તો બી.જે. મેડિકલના તબીબોને તેની અગાઉથી જાણ કેવી રીતે થઈ જાય છે? ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી નિતીન પટેલના કાર્યકાળ દરમિયાન ઘણી વખત ડૉક્ટરોના પગાર સમયસર નહીં થતા વારંવાર ઉગ્ર નારાજગી ફાટી નીકળતી હતી. આ અનિયમિતતા અટકાવવા માટે સરકારે ઠરાવ પસાર કર્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો પાંચમી તારીખ સુધી પગાર ચૂકવાયો નહીં હોય તો જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તેઓની સરકાર પછી આ ઠરાવ માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે. હાલ ડૉક્ટરોના પગાર વિલંબથી થઈ રહ્યા છે. તેમ છતાં કોઈ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી. જે સરકારની નિષ્ફળતાને સ્પષ્ટ દર્શાવે છે. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રિવાઈઝ બજેટ વિધાનસભામાં પસાર થયા પછી તે નાણા વિભાગમાં જાય છે, ત્યારબાદ જ સરકારી હોસ્પિટલોને ગ્રાન્ટ અપાય છે. તેમનું કહેવું છે કે, વર્ગ 3 અને 4 ના કર્મચારીઓનો પગાર થઈ ગયો હશે, પરંતુ મોટાભાગના ડૉક્ટરોનો પગાર બાકી છે. જોકે તેઓ ટૂંક સમયમાં પગાર ચૂકવાશે તેવી ખાતરી આપી રહ્યા છે. સરકાર દાવા કરી રહી છે કે ગ્રાન્ટની કોઈ સમસ્યા નથી, પરંતુ હકીકતમાં ડૉક્ટરો માટે આર્થિક અસ્થિરતા સર્જાઈ છે. આ બધું તંત્રની લાપરવાહીનું ઉદાહરણ છે.