રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ આજે વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે જેમા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને રાજકુમાર જાટના પિતા રતનલાલ ઝાટ વચ્ચે વાતચીત થતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં તેમનો પુત્ર રાજકુમાર માનસિક બીમાર હોવાનું અને ઉદયપુરમાં સારવાર ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રતનલાલ ઝાટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને આ ઓડિયો ક્લિપ ખોટી ફેક બનાવેલી છે. આ સાથે તેમને ગણેશ ગોંડલને પડકાર ફેકતા કહ્યું કે, તમે સાચા હોવ તો આખા સીસીટીવી ફૂટેજ જાહેર કરી દો. શું છે કથિત ઓડિયો ક્લિપમાં?
સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે જેમાં સાથે સાથે એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો છે અને તેમાં આ કથિત ઓડિયો ગણેશ જાડેજા અને રતનલાલ જાટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયો કલીપ અંદર ગણેશ જાડેજાની સામે વ્યક્તિ એવું કહે છે કે હા રાજકુમારની હાલત માનસિક સ્થિર નથી તેને બીમારીની સારવાર ઉદયપુરમાં ચાલી રહી છે. ક્યારેક સારું હોય છે અને ક્યારેક તબિયત બગડી જાય છે. આ પછી ઓડિયો ક્લિપ પૂર્ણ થઇ જાય છે. રતનલાલ જાટે કહ્યું- ‘ઓડિયો ક્લિપ ફેક છે’
સોશિયલ મીડિયામાં આજે આ ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકુમાર જાટના પિતા રતનલાલે એક વીડિયો જાહેર કરી આ વાયરલ ઓડિયો ક્લિપ ફેક બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમને દાવો કરતા જણાવ્યું હતું કે ઓડિયો ક્લિપ ફેક બનાવેલી છે. આ સાથે તેમને ગણેશ ગોંડલને પડકાર ફેકતા કહ્યું કે, તમે સાચા હોય તો આખા સીસીટીવી ફૂટેજ જાહેર કરી દો. 15 માર્ચે રાજકોટ ગ્રામ્ય એસપી અને રતનલાલની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે(15 માર્ચે) જિલ્લા પોલીસ વડા અને રતનલાલ ઝાટની ઓડિયો ક્લિપ પણ વાયરલ થવા પામી હતી. જે ઓડિયો ક્લિપ અંગે દિવ્યભાસ્કરે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવકના પિતા સાથે ફોનમાં વાતચીત થઇ હતી જેમાં અમે કરેલી તપાસ અને અમને મળેલી માહિતી અંગે અમે વાતચીત કરી હતી. યુવક શાપર નજીક ચાલીને જતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો અને રાજકોટ તરફ જતો હતો જેથી આગળ ક્યાં જઈ શકે તે અંગે પૂછવા અને અન્ય માહિતી મેળવવા અને જાણ કરવા ફોન કર્યો હતો. મારપીટ થઇ હોય તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી.(વિગતવાર સમાચાર વાંચો) યુવકના શંકાસ્પદ મોત મામલે પોલીસની કામગીરી શંકામાં
ગોંડલમાં 3 માર્ચે રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો એક યુવક ભેદી રીતે ગુમ થાય છે. બાદમાં 6 દિવસ પછી 9 તારીખે તેનો પરિવાર મૃતદેહની ઓળખ કરે છે. અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પિતા-પુત્રને માર મારવાની અને જયરાજસિંહે જ પુત્રની હત્યા કરાવડાવી હોવાનો આક્ષેપ કરે છે. હાલ પરિવાર પોતાના વતન રાજસ્થાન છે અને ત્યાંથી સતત પોલીસની કામગીરી પર અને જયરાજસિંહ પર આક્ષેપ કરી રહ્યો છે. તો અહીં પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.(વિગતવાર સમાચાર વાંચો)