એટ્લાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં માત્ર 5 મિનિટમાં ટીમો સ્થળે પહોંચી હતી. અમે છઠ્ઠા માળે પહોંચ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ધુમાડો એટલો થયો હતો કે, ઉપરનાં ફ્લોરમાં રહેલા લોકો આગને બદલે ગભરામણથી જીવ ગુમાવે તેવી શક્યતા હતી. અમે સૌપ્રથમ ધુમાડો બહાર નિકળી શકે તે માટે કાચ ફોડીને રસ્તો કર્યો. અમારા 52 જવાનોએ 35 વ્યક્તિને રેસ્ક્યૂ કરવા સાથે માત્ર દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓપરેશન સમયસર પાર પાડી ન શકાયું હોત તો મૃત્યુઆંક ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ શબ્દો છે ફાયર વિભાગની કામગીરીને લીડ કરનારા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાના… બિલ્ડિંગમાં 35થી વધુ લોકો ફસાયા હતા
રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ ઉપરના એટ્લાન્ટિસ એપાર્ટમેન્ટમાં 14 માર્ચને ધુળેટીના દિવસે લાગેલી આગમાં ફાયર વિભાગ દ્વારા કાબિલેદાદ કામગીરી કરવામાં આવી હતી. માત્ર પાંચ મિનિટમાં ટીમો પહોંચી ગઈ હતી અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ તરત જ ત્યાં દોડી ગયા હતાં. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમની દેખરેખમાં ફંસાયેલા 35 કરતાં વધુનું રેસ્ક્યૂ કરવાની સાથે આગ ઉપરના માળે ફેલાય તે પહેલાં કાબૂ મેળવવાની કામગીરી સફળતાથી પાર પાડવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર સાથે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ ખાસ વાત કરી હતી અને બનાવના દિવસે થયેલી તમામ હકીકતો જણાવી હતી. 10:17એ કોલ આવ્યો ને 10:22એ ટીમ સ્થળે પહોંચીઃ અશોકસિંહ ઝાલા
શુક્રવારની સવારે 10:17 મિનિટે કંટ્રોલરૂમમાં ફોન આવ્યો કે, 150ફૂટ રિંગરોડ પર બિગબજારની સામે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં પાંચમા કે છઠ્ઠા માળે આગ લાગી છે અને તરત જ નિર્મલા ફાયર સ્ટેશનની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. આ ટીમ માત્ર 5 મિનિટમાં એટલે કે, 10:22 મિનિટે સ્થળ પર પહોંચી તેની તરત બાદ હું પણ પહોંચી ગયો હતો. આગ વિકરાળ હોવાનું જોતા તરત વધારાની ટીમો બોલાવી લેવામાં આવી હતી. તેમજ હાઈરાઈઝડ બિલ્ડિંગ હોવાથી અને ઘણા લોકો ફંસાયા હોવાનું જોઈ લોકોને રેસ્ક્યૂ કરવા માટે ખાસ મવડી ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક લિફ્ટ પણ મંગાવી લેવામાં આવી હતી. ‘આગને બદલે ગભરામણથી લોકો જીવ ગુમાવે એવી શક્યતા હતી’
અમે છઠ્ઠા માળે પહોંચ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં સીડી સ્પેસમાં જ ફાયરની જ્વાળાઓ જોવા મળી હતી. જેને લઈને ત્યાં આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ભીષણ આગને કારણે ધુમાડો એટલો હતો કે છઠ્ઠાથી ઉપરના સાતમા-આઠમાં ફ્લોરમાં રહેલા લોકો આગને બદલે ગભરામણથી જીવ ગુમાવે તેવી શક્યતાઓ જોઇ મળી હતી. જેને લઈ અમે સૌપ્રથમ ધુમાડો બહાર કાઢી શકાય તે માટે કાચ ફોડીને રસ્તો કર્યો હતો. ‘3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા’
સાતમાં-આઠમાં ફ્લોરમાં રહેલા લોકોને ધુમાડાને લઈ ગૂંગળામણ થતી હતી, એટલે આ લોકોને રેસ્ક્યૂ કરવા માટે બધાને અગાસી પર ખસેડાયા હતા. બધા ટાવરની અગાસી કનેક્ટેડ હોય ત્યાંથી બધાને બાજુના ટાવરમાં ખસેડીને ત્યાંની સીડી અને લિફ્ટ દ્વારા સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન થોડો ધુમાડો રિલીઝ થતા અન્ય કેટલાક લોકો જોવા મળ્યા હતા. જેમાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને અન્ય 15 વર્ષની દીકરીને સામાન્ય ઇજા પહોંચી હતી. ‘35થી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા’
આ તમામ સહિત એક બાળક અને તેની માતાને પણ તાત્કાલિક હાઇડ્રોલિક લિફ્ટમાં બેસાડી નીચે ઉતારવામાં આવ્યા હતા અને ડૉક્ટર્સ સાથેની 108 મારફત તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અમે લગભગ 35 કરતા વધુ લોકોને સલામત રીતે નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. સાથે અન્ય ટીમો આગ બુઝાવવાની કામગીરી કરી રહી હતી. જેમાં પાંચ ફાયર ટેન્ડર અને તેના જવાનો સતત પાણીનો મારો કરી રહ્યા હતા. આગ ઉપર 50% કરતા વધુ કાબુ પણ મેળવી લેવામાં આવ્યો હતો. ‘આગ 8મા ફ્લોર ઉપર ફેલાય એ પહેલાં કાબૂ મેળવવા આયોજન કર્યું’
બિલ્ડિંગનાં છઠ્ઠા માળે કોઈ વ્યક્તિ નહીં હોવાની પૂરી ખાતરી થયા બાદ અમારી જુદી-જુદી ટીમોના કુલ 52 જવાનો દ્વારા આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં ફોકસ કરવામાં આવ્યું હતું. અમારી ગણતરી એ હતી કે, આગ છઠ્ઠા માળથી ઉપર સાતમાં કે આઠમા ફ્લોર ઉપર ફેલાય તે પહેલા કાબુ મેળવી લેવો છે. આ મુજબ અમારા જવાનો દ્વારા ચારેય બાજુથી શક્ય હોય તેટલા અંદર જઈને પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આયોજન પૂર્વકની આ કામગીરીને લઈ માત્ર દોઢેક કલાકમાં જ અમે આગ પર કાબુ મેળવી લેતા આગ અન્ય માળ સુધી પ્રસરી નહોતી. ‘સાતમા-આઠમા માળે રહેલા લોકો ગૂંગળાવા લાગ્યા હતા’
બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે છઠ્ઠાથી લઈને આઠમાં માળ સુધી લગભગ 40 કરતા વધુ લોકો હતા. ધુમાડાને નીકળવાની કોઈ જગ્યા નહીં હોવાથી સાતમાં-આઠમાં માળે રહેલા લોકો પણ ગૂંગળાવા લાગ્યા હતાં અને તેને નીચે જવા માટે લિફ્ટ બંધ હતી. એટલું જ નહીં છઠ્ઠા માળે સીડી સ્પેસમાં વિકરાળ આગ હોવાથી ત્યાંથી પણ કોઈ નીચે ઉતરી શકે તેમ નહોતું. જોકે અમારી ટીમોએ સમયસર પહોંચી કાંચ ફોડી ધુમાડો રિલીઝ કરી ઉપરના માળે રહેલા લોકોને અગાસી મારફત અને છઠ્ઠા માળનાં લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફત બહાર કાઢી લીધા હતા જો આ ઓપરેશન પાર પડ્યું ન હોત તો મોતનો આંકડો ઘણો મોટો થવાની પણ શક્યતા હતી. ફાયર વિભાગને ત્રણ યુવાનને બચાવવામાં સફળતા ન મળી
ઉલ્લેખનીય છે કે, એટ્લાન્ટિસ એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલી આગમાં ત્રણ યુવાનોનાં કરુણ મોત નીપજ્યા હતા. આ ભીષણ આગ ક્યાં કારણોસર લાગી હતી, તે અંગે હાલ એફએસએલની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આગ લાગ્યાની માત્ર 5 મિનિટમાં સ્થળ પર પહોંચીને 35 કરતા વધુ લોકોને સહીસલામત રેસ્ક્યૂ કરવાની સાથે માત્ર દોઢ કલાકમાં આગની ઉપર કાબુ મેળવનાર ફાયર વિભાગના 52 જવાનોએ ખૂબ જ કાબિલેદાદ કામગીરી કરી છે. આ પણ વાંચો… રાજકોટ આગ મામલે મોટો ઘટસ્ફોટ