વડોદરા શહેરના ચકચારી ‘રક્ષિત કાંડ’માં આરોપી રક્ષિત બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ દરમિયાન રક્ષિત જે ભાડાના મકાનમાં રહે છે, ત્યાં દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. અહીં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં રક્ષિતની એક નજીકની વ્યકિત પાસેથી જાણવા મળ્યું છે કે, Another Roundની મીસ્ટ્રી શું છે? શા માટે રક્ષિત અકસ્માત બાદ Another Round-Another Roundની બૂમો પાડતો હતો. ભાડાના મકાનમાં મળી Another Round લખેલી ફોટો ફ્રેમ
દિવ્ય ભાસ્કરને રક્ષિતના એક નજીકના વ્યક્તિ પાસેથી એક મહત્વની માહિતી મળી, જેમાંથી આરોપી રક્ષિતનું Another Roundનું રહસ્ય બહાર આવ્યું. રક્ષિતે પોતાના ભાડાના મકાનમાં Another Round લખેલી એક ફોટો ફ્રેમ લગાવેલી છે. દિવ્ય ભાસ્કરે એ જાણવાનો પ્રયાસ કર્યો કે, રક્ષિતે પોતાના મકાનમાં Another Roundની ફ્રેમ શા માટે લગાવી છે? આ દરમિયાન એ જાણવા મળ્યું કે, Another Round નામની ડેન્માર્કમાં એક મૂવી બનેલી છે. Another Round ફિલ્મ ડાયરેક્ટર થોમસ વિન્ટરબર્ગ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી અને તે 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ચાર મિત્રોની કહાની છે, જેઓ સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે તેમના લોહીમાં આલ્કોહોલનું સતત સ્તર જાળવી રાખવાનો પ્રયોગ કરે છે. રક્ષિત કાંડ સાથે ફિલ્મનું કનેક્શન મેચ થયું
રક્ષિત કાંડમાં પણ 4 મિત્રો છે. જેમાં રક્ષિત, પ્રાંશુ, સુરેશ અને નિકિતા છે અને આરોપી રક્ષિતે તેના મિત્રો પ્રાંશુ અને સુરેશ સાથે મળીને નશો કર્યો હોવાની કબૂલાત દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કરી હતી. આ ઉપરાંત રક્ષિતનો ડ્રગ્સ રેપિડ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આમ Another Round ફિલ્મની કહાની રક્ષિત કાંડ સાથે મેચ થાય છે. Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયું છે
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચંદ્રાવલી સર્કલ પાસે 13 માર્ચના રોજ રાત્રે 11.15 વાગ્યે મૂળ વારાણસીના અને વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રક્ષિત ચોરસીયાએ નશામાં દ્યુત થઇને ભયાનક અકસ્માત સર્જ્યો હતો. જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવીને રક્ષિતે 8 લોકોને અડફેટે લીધા હતા. રક્ષિત અકસ્માત કર્યા બાદ કારવાથી નીચો ઉતર્યો હતો અને Another Round – Another Roundની બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે ‘નિકિતા મેરી…’ એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયુ છે. ભાડાના 2BHKના મકાનમાં એકલો જ રહેતો હતો
આ તમામ રહસ્યો વચ્ચે દિવ્યભાસ્કરની ટીમ આરોપી રક્ષિત વડોદરાના નિઝામપુરા સ્થિત ગાયત્રી એપાર્ટમેન્ટમાં જ્યાં રહે છે ત્યાં પહોંચી હતી. આરોપી રક્ષિતે 15 ફેબ્રુઆરીના રોજ આ મકાન ભાડે રાખ્યું હતું. જોકે, રક્ષિત આ મકાનમાં વધારે સમય રોકાતો નહોતો. શરૂઆતના 20 દિવસ તો તેના ઘરે આવતો પણ નહોતો. કેટલાક દિવસથી તે ઘરે આવતો હતો પરંતુ, રાત્રે તેના મિત્રો સાથે ઘરેથી જતો રહેતો હતો. ક્યારેક મોડી રાત્રે આવતો હતો તો ક્યારેક તેના મિત્રો સાથે જ રોકાઈ જતો હતો. તેના મકાનનું ભાડું 7500 છે. જોકે, 2BHKના મકાનમાં એકલો રહેતો હતો. કાયદાનો અભ્યાસ કરે છે પણ સ્કૂટરમાં નિયમ મુજબ નંબર પ્લેટ નથી
અહીં પહોંચતા જ એપાર્ટમેન્ટની સામે આરોપી રક્ષિતનું સ્કૂટર પડ્યું હતું. સ્કૂટરની આગળ નંબર પ્લેટ લાગેલી હતી, પરંતુ સ્કૂટરની પાછળની સાઈડ નંબર પ્લેટ લાગેલી નહોતી. રક્ષિત કાયદાનો અભ્યાસ કરે છે પરંતુ, કાયદા મુજબ પોતાના સ્કૂટરમાં પાછળની સાઈડ નંબર પ્લેટ લગાવી નથી. રક્ષિત ગાયત્રી એપાર્ટમેન્ટના ત્રીજા માળે 303 નંબરના મકાનમાં રહે છે. તેના ઘરની બહાર હાલ તાળું લટકેલુ છે. નિકિતા વિશે હજુ કઈ જાણવા મળ્યું નહી
કારેલીબાગ પોલીસ આ ઘરમાં તપાસ માટે આવી હતી પરંતુ, ઘરની બહાર તાળું લટકેલું હતું. જેથી, તાળું તોડીને પોલીસ ઘરની અંદર પ્રવેશી હતી અને ઘરમાં ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ કરી હતી. પોલીસ આ કેસમાં હજી તપાસ કરી રહી છે પરંતુ, હજી પણ ઘણા એવા સવાલો છે તેનું રહસ્ય હજી સુધી બહાર આવ્યું નથી. પોલીસે રક્ષિત, પ્રાંશુ અને સુરેશની પૂછપરછ કરી છે પરંતુ, નિકિતા વિશે હજુ કઈ જાણી શકી નથી. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
Another Round અને નિકિતાને લઈને રહસ્ય હજી પોલીસ પણ જાણી શકી નથી. જેને લઇને પોલીસે આજે આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપી રક્ષિતના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને રિમાન્ડ મેળવવા માટે પોલીસે કારણ પણ એ આપ્યું હતું કે, Another Round – Another Round અને નિકિતા અંગે આરોપીની પૂછપરછ કરવાની છે.