વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિત બે દિવસના રિમાન્ડ પર છે. આવતીકાલે સોમવારે તેના બે દિવસમાં રિમાન્ડ પૂરા થશે. રિમાન્ડ દરમિયાન આરોપી અને રક્ષિત પોલીસને સહકાર આપતો ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એક સવાલ કરે તો આરોપી ગોળ ગોળ ફેરવીને બે કલાકે તેનો જવાબ આપે છે. જેથી પોલીસ આવતીકાલે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરીને તેના વધુ રિમાન્ડ માંગી શકે છે. પોલીસ તપાસમાં આરોપી સહકાર આપતો ન હોવાનું સામે આવ્યું
રક્ષિત હાલ કારેલીબાગ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે. આ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી રક્ષિત પોલીસને તપાસમાં સહકાર આપતો નથી. પોલીસ જ્યારે સવાલ પૂછે તો આરોપી રક્ષિત બે કલાકે તેનો જવાબ આપે છે. પોલીસના સવાલના જવાબમાં એમ પણ કહે છે કે ‘મેં નહીં બતાઉગા, મેરે વકીલ સે પૂછીએ’ આમ પોલીસ રિમાન્ડ દરમિયાન પણ રક્ષિતની ટણી ઓછી થઈ નથી. નિકિતાનું રહસ્ય હજી પણ અકબંધ
રક્ષિતે અકસ્માત બાદ ‘અનધર રાઉન્ડ’ અને નિકિતા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતે પણ રક્ષિતે પોલીસને કોઈ માહિતી આપી નથી. આ ઉપરાંત આરોપી રક્ષિત અકસ્માતના દિવસે કોને કોને મળ્યો હતો, તે અંગે પણ તેને કોઈ માહિતી આપી નથી. જેથી પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે. રક્ષિતની કાર કેટલી સ્પીડે ચાલતી હતી તેની તપાસ થશે
કારેલીબાગ પોલીસની સાથે સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. અને આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ સીસીટીવી એફએસએલમાં મોકલવામાં આવશે અને આરોપીની કારની સ્પીડ કેટલી હતી તે જાણવાનો પ્રયાસ કરાશે. હોળીની રાત્રે 8 લોકોને અડફેટે લીધા, એકનું મોત
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે રક્ષિતના રિમાન્ડ શા માટે માંગ્યા?
આરોપીનો હાલની ચાલુ તપાસ દરમ્યાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલ છે જે ખરેખર શું કહેવા માંગે છે? તે તપાસ કરવી જરૂરી છે જેથી આ કામના આરોપીની વધુ રીમાન્ડની જરૂર છે. રક્ષિતે અકસ્માત સર્જયો એ પહેલાંના CCTV
વડોદરા શહેરમાં હોળીની રાત્રે નશો કરી બેફામ સ્પીડે કાર ચલાવી 8 લોકોને ઉડાવનાર રક્ષિત હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને અંજામ આપનારો રક્ષિત અને તેની સાથે કારમાં રહેલો મિત્ર પ્રાંશુ અકસ્માત પહેલા ક્યાં હતા અને ક્યાંથી નીકળ્યા હતા એ ભાસ્કરે શોધી કાઢ્યું છે. રક્ષિત અને પ્રાંશુ વડોદરાના ગધેડા માર્કેટ પાસે આવેલી પારસ સોસાયટીમાં રહેતા તેના મિત્રના ઘરે ગયા હતા. ત્યાં પોણો કલાક રોકાયા બાદ બંને મિત્રો કાર લઈને નીકળ્યા હતા. (વિગતવાર સમાચાર વાંચો)