જૈનુલ અન્સારી
શહેરમાં રોજ અંદાજે 3200 ટન કચરો ઉત્પન્ન થાય છે. પરંતુ સાતેય ઝોનમાંથી માંડ 29 ટકા લોકો જ સૂકો અને ભીનો કચરો અલગ તારવીને આપે છે. સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો ટોપ-10માં સમાવેશ ન થવા પાછળનાં કારણોમાં આ એક કારણ પણ છે. સ્વચ્છતા સરવેમાં 6-7 વર્ષથી પ્રથમ આવતાં ઈન્દોરમાં લોકો 100 ટકા કચરો અલગ તારવીને આપે છે. જ્યારે સુરતમાં પણ આ પ્રમાણ 70 ટકા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભીનો-સૂકો કચરો અલગ તારવવાના 1 હજાર માર્ક હોય છે. શહેરમાં ડોર ટુ ડોરના 1900થી વાહન કચરો એકત્ર કરે છે. પશ્ચિમ અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 35.71 ટકા ઘર કચરો અલગ પાડીને આપે છે. જ્યારે દક્ષિણ ઝોનમાં માત્ર 19.87 ટકા લોકો કચરો અલગ તારવે છે. વિસ્તાર મુજબ વાત કરીએ તો રામોલમાંથી સૌથી વધુ 41.44 ટકા ઘરોમાંથી ભીનો-સૂકો કચરો અલગ આવે છે. જ્યારે આ પ્રમાણ લાંભામાં સૌથી ઓછું 14 ટકા છે. દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 622 ટન કચરો ઉત્પન્ન થાય છે. પરંતુ અહીંથી માત્ર 19.87 લોકો જ કચરો અલગ તારવીને આપે છે. એ જ રીતે પશ્ચિમ ઝોનમાંથી 466 ટન કચરો આવે છે પણ 32.48 ટકા સેગ્રિગેટ થાય છે. પાલડી વોર્ડમાં સૌથી ઓછો 26.28 ટકા જ્યારે નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 37.65 ટકા લોકો કચરો અલગ તારવીને આપતા હોય છે. { દરેક ઘરને ભીનો-સૂકો કચરો અલગ નાખવા મ્યુનિ.એ બે ડસ્ટબીન ફ્રીમાં આપ્યા છે. પરંતુ લોકો માત્ર એકનો જ ઉપયોગ કરી કચરો ભેગો નાખે છે.
{ કચરો લેવાં આવતાં ડોર ટુ ડોર વાહનોમાં સૂકા-ભીના કચરા માટે અલગ બિન મૂકેલા હોવા છતાં ઘણી વાર ગાડીવાળા બધો કચરો ભેગો કરી નાખે છે.
{ લોકો કચરો અલગ તારવવાના મહત્ત્વને સારી રીતે સમજી શકે તે માટે કોર્પોરેશન તરફથી પૂરતું જાગૃતિ અભિયાન પણ કરવામાં આવતું હોતું નથી. કચરામાંથી ખાતર બને છે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે, પહેલાંની સરખામણીમાં સેગ્રિગેશન વધી રહ્યું છે. લોકો સૂકો અને ભીના કચરાને અલગ કરી રહ્યા છે. જોકે, હજી પણ કેટલીક જગ્યાએ સમસ્યા આવી રહી છે. તેને દૂર કરવાનો પ્રયત્ન ચાલુ છે. ભીના કચરામાંથી ખાતર જ્યારે સૂકા કચરામાંથી વીજળી બને છે. ફાયદા : સૂકા કચરામાંથી વીજળી પેદા કરી શકાય છે
{ સૂકો-ભીનો કચરો રિયુઝ થઈ શકે
{ રિસાઈકલ થઈ શકે તેવો સૂકો કચરો હોય તો તેનો ફરી ઉપયોગ થાય છે.
{ ભીના કચરામાંથી બનતા ખાતરનો ઉપયોગ ગાર્ડનિંગમાં થાય છે.
{ કન્સ્ટ્રક્શન અને ડેબ્રિઝ વેસ્ટમાંથી ગટરના ઢાંકણા, બાંકડા બને છે, લેન્ડફિલમાં ઉપયોગમાં થાય છે.
નુકસાન : પીરાણા જેવા ડુંગર શહેરમાં ખડકાય છે
{ પ્લાસ્ટિક પાણીમાં ભળી જાય તો જમીન, પાણીને નુકસાન થાય છે.
{ પીરાણા જેવા બીજા કચરાના ડુંગરનું નિર્માણ થઈ જાય છે અને નિકાલમાં વર્ષો લાગે છે.