ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન લગભગ 28 કલાક બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું છે. આજે, 16 માર્ચના રોજ, તે ભારતીય સમય મુજબ સવારે 9:40 વાગ્યે ડોકિંગ કર્યું અને 11:05 વાગ્યો હેચ ઓપન થયું. NASA ક્રૂ-10ના સભ્યોને સામે જોઈને સુનીતા વિલિયમ્સ ખુશીથી ઝુમી ઉઠી. આ અવકાશયાન ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવશે, જેઓ 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. સુનીતા વિલિયમ્સ ખુશીથી ઝુમી ઉઠી ચાર સભ્યોની ક્રૂ-10 ટીમે શનિવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે SpaceXના ફાલ્કન 9 રોકેટથી ઉડાન ભરી હતી. તેને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રૂ-10 સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી, ક્રૂ-9 અવકાશયાત્રીઓ નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે. આ ચાર અવકાશયાત્રીઓ 19 માર્ચે સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત આવવા માટે રવાના થશે. બોઇંગના સ્ટારલાઇનરમાં એક ખામીને કારણે 8 દિવસની મુસાફરી 9 મહિનાની બની ગઈ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન, 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશન ગયા હતા. આ 8 દિવસનું મિશન હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહીં. અવકાશયાન સ્પેસ સ્ટેશનથી ક્રૂ વિના રવાના કરાયું હતું. હવે આ અવકાશયાત્રીઓને ત્યાં ફસાયાને લગભગ 9 મહિના થઈ ગયા છે. સુનિતા અને વિલ્મોરને અવકાશ મથક પર કેમ મોકલવામાં આવ્યા? સુનિતા અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. આમાં સુનિતા અવકાશયાનની પાઇલોટ હતી. તેમની સાથે આવેલા બુચ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. તે બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 8 દિવસ રહ્યાં પછી પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં. લોન્ચ સમયે બોઇંગ ડિફેન્સ, સ્પેસ એન્ડ સિક્યોરિટીના પ્રેસિડેન્ટ અને સીઇઓ ટેડ કોલ્બર્ટે તેને સ્પેસ રિસર્ચના નવા યુગની શાનદાર શરૂઆત ગણાવી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અવકાશયાનની અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને ત્યાંથી પાછાં ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન રિસર્ચ અને અનેક પ્રયોગો પણ કરવાવા હતા. સુનિતા અને વિલ્મોર એટલાસ-V રોકેટ દ્વારા સ્પેસ ટ્રાવેલ પર મોકલવામાં આવેલાં પ્રથમ અવકાશયાત્રીઓ છે. આ મિશન દરમિયાન તેમણે અવકાશયાનને મેન્યુઅલી પણ ઉડાડવું પડ્યું. ફ્લાઇટ ટેસ્ટ સંબંધિત ઘણા ઉદ્દેશો પણ પૂર્ણ કરવાના હતા. સુનિતા અને વિલમોર આટલા લાંબા સમય સુધી અવકાશમાં કેવી રીતે અટવાઈ ગયા? સ્ટારલાઇનર અવકાશયાનને લોન્ચ થયા પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આના કારણે 5 જૂન પહેલાં પણ ઘણી વખત લોન્ચ નિષ્ફળ ગયા હતા. લોન્ચ થયા પછી પણ અવકાશયાનમાં ખામીના અહેવાલો હતા. નાસાએ જણાવ્યું હતું કે અવકાશયાનના સર્વિસ મોડ્યૂલના થ્રસ્ટરમાં એક નાનો હીલિયમ લીક થયો હતો. અવકાશયાનમાં ઘણા થ્રસ્ટર્સ હોય છે. એની મદદથી અવકાશયાન પોતાનો માર્ગ અને ગતિ બદલે છે. હીલિયમ ગેસની હાજરીને કારણે રોકેટ પર દબાણ સર્જાય છે. એની રચના મજબૂત રહે છે, જે રોકેટને એની ઉડાનમાં મદદ કરે છે. લોન્ચ થયાના 25 દિવસમાં અવકાશયાનના કેપ્સ્યૂલમાં 5 વખત હીલિયમ લીક થયું હતું. 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વધુમાં, પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ કરી શકાતો નથી. અવકાશમાં રહેલા ક્રૂ અને અમેરિકાના હ્યુસ્ટનમાં મિશન મેનેજર પણ સાથે મળીને એને ઠીક કરવામાં અસમર્થ હતા.