‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી જિંદગી કી’ જેવા શોનો ભાગ રહી ચૂકેલી હિના ખાન હાલમાં ‘સ્ટેજ 3’ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેને સતત કીમોથેરાપી કરાવવી પડે છે. આ એક્ટ્રેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્ય અપડેટ્સ આપવાની સાથે લોકોને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે. તાજેતરમાં, એક્ટ્રેસે એક તસવીર શેર કરી અને જણાવ્યું કે કીમોથેરાપીને કારણે, તેની આંગળીઓના નખ સુકાઈ ગયા છે અને ક્યારેક તે ઊખડી પણ જાય છે. હિનાએ તાજેતરમાં જ તેની માતાનો હાથ પકડીને એક તસવીર શેર કરી છે. આ સમયે ઘણા લોકોનું ધ્યાન તેના નખ પર ગયું, જે આછા ભૂરા રંગના હતા. આવી સ્થિતિમાં, લોકો પૂછવા લાગ્યા કે શું તે નેઇલ પેઇન્ટ લગાવે છે. આ પ્રશ્નોના જવાબમાં, હિનાએ તેના નખનો એક ફોટો શેર કર્યો, જેની સાથે તેણે લખ્યું,- ‘તમારામાંથી ઘણા લોકોએ મને મારા નખ વિશે પૂછ્યું, આમાંથી કેટલાક મારી બિલ્ડિંગના પણ છે. મેં નેઇલ પોલીશ લગાવી નથી. નેઇલ પેઇન્ટ લગાવીને હું કેવી રીતે નમાજ પઢી શકૂું, મારા પ્રિય મિત્રો, થોડું મગજ વાપરો. નખનો રંગ બદલાઈ જવો એ કીમોથેરાપીની આડઅસરોમાંની એક છે. મારા નખ બરડ અને સૂકા થઈ ગયા છે. ક્યારેક તે તૂટી પણ જાય છે, પણ સારી વાત તો એ છે કે, આ બધું કામચલાઉ છે. અને યાદ રાખો, આપણે બધા સાજા થઈ રહ્યા છીએ.’ હિના ખાન ઉમરાહ પર ગઈ હિના ખાન રમઝાનના ખાસ અવસર પર ઉમરાહ કરવા ગઈ છે. તેણે ત્યાંની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. રોઝલિન ખાનનો દાવો- હિનાને સ્ટેજ 3 કેન્સર નથી નોંધનીય છે કે, એક્ટ્રેસ રોઝલીન ખાન પણ કેન્સર સર્વાઈવર રહી ચૂકી છે. થોડા સમય પહેલા, દિવ્ય ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, રોઝલીને કહ્યું હતું કે હિના ખાનને સ્ટેજ 2નું કેન્સર છે. તે કેન્સર સંબંધિત ખોટા દાવા કરીને ભ્રમ ફેલાવી રહી છે. એક્ટ્રેસનો દાવો છે કે તેની પાસે હિના સંબંધિત તબીબી પ્રમાણપત્રો પણ છે, જેની મદદથી તે પોતાની વાત સાબિત કરી શકે છે.’