છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ કથળી છે, જેથી ઉદ્યોગકારો-રત્નકલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. સંતાનોની ફી ભરવા, અન્ય ધંધો કરવા કે કારખાનાનું એક્સપાન્સન કરવા બેંકમાં લોન અરજી કરી રહ્યા છે, પરંતુ પ્રોફાઈલમાં ડાયમંડ વ્યવસાય કે રત્નકલાકાર વાંચીને બેંકો અરજી રિજેક્ટ કરી રહી છે. એક રત્નકલાકારે ક્રેડિટ કાર્ડ માટે 10 અરજી કરી જે રિજેક્ટ કરી દેવાઈ હતી, જ્યારે અન્ય એક રત્નકલાકાર 5 ઘંટીનું નાનું કારખાનું ચલાવે છે, જેના એક્સપાન્સન માટે બેંકમાં 5 લાખની લોનની અરજી કરી તો બેંકે ઘસીને ના પાડી દીધી હતી. અન્ય એક રત્નકલાકારે સંતાનોની ફી ભરવા માટે 25 હજાર રૂપિયાની લોનની અરજી કરી તો પણ બેંકે લોન આપવાની ના પાડી દીધી હતી. રત્નકલાકારો પોતાની અવદશા જોઈને હવે અન્ય વેપાર તરફ વળી રહ્યા છે, રત્નકલાકારો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે તેમને લોન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. પહેલાં તો કારખાનામાંથી ઉપાડ લઈને કામ ચાલી જતું હતું હું ગારિયાધારનો વતની છું. છેલ્લાં 30 વર્ષથી હીરા ઘસું છું. હાલ દીકરી કોલેજમાં અને દીકરો ધોરણ 12માં છે. ઘરમાં મારા સિવાય કોઈ કામ કરવાવાળું નથી. સંતાનોની ફી ભરવા માત્ર 25 હજારની લોન લેવી હતી, 1-2 એજન્ટો સાથે વાત કરી તો તેમણે જ ઘસીને ના પાડી દીધી હતી. ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ખરાબ હોવાને કારણે હાલ રત્નકલાકારોને લોન પણ મળી રહી નથી. પહેલાં કારખાનામાં ઉપાડ લઈને કામ ચાલી જતું હતું, પણ હાલ કામ ઓછું હોવાને કારણે ઉપાડ પણ ઓછો મળે છે, જેથી મારે લોનની જરૂરિયાત હતી. > બિપિન વાડદોરિયા, રત્નકલાકાર એજન્ટ સાથે વાત કરી તો પણ લોન માટે કોઈ મેળ ન પડ્યો છેલ્લાં 20 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો અને છેલ્લાં 3 વર્ષથી 5 ઘંટીનું નાનું કારખાનું ચલાવી રહ્યો છું. ધીમે ધીમે ડાયમંડ માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે, જેને લઈને કારખાનાનું એક્સપાન કરવા માટે વર્કિંગ કેપિટલ માટે મારે 5 લાખ રૂપિયાની લોનની જરૂરિયાત હતી. બેંકના લોન એજન્ટ સાથે વાત કરી તો ત્યાં લોન માટેનો કોઈ જ મેળ ન પડ્યો, ત્યાર બાદ બેંકમાં પણ લોન માટે સંપર્ક કર્યો પરંતુ હીરાના વ્યવસાયમાં એક્સપાન્સન માટે લોનની અરજી કરી હોવાથી લોન આપવા માટે ના પાડી દેવામાં આવી હતી. > વિજય આંબલિયા, રત્નકલાકાર ઘર લીધું ત્યારે સાડીનો વેપાર બતાવીને લોન લેવી પડી હતી રત્નકલાકાર પાસે ઘર ચલાવવાના ફાંફા હોય તો બેંકમાં 10 હજાર ડિપોઝિટ કેવી રીતે રાખી શકે? હીરાના વ્યવસાયની કરુણ વાસ્તવિકતા એ છે કે, લોન લેવા જાય તો તેમને ના પાડી દેવામાં આવે છે. મેં ક્રેડિટ કાર્ડ માટે 10 વખત અરજી કરી પરંતુ હીરા ઘસતો હોવાથી અરજીઓ કેન્સલ થઈ છે. ઘર લીધું ત્યારે સાડીનો વેપાર બતાવીને લોન લીધી હતી. ત્યારે બેંક લોન ન આપે તો રત્નકલાકારો તેનું જીવન કેવી રીતે જીવી શકે? કોઈ મોર્ગેજ મુકીને લોન લે તો પણ બેંકો તૈયાર નથી. આનાથી વધારે ખરાબ સ્થિતિ શું હોઈ શકે? > ભાવેશ મિસ્ત્રી, રત્નકલાકાર પાન-માવાની દુકાન માટે લોન જોઈતી હતી છતાં નહીં મળી છેલ્લાં 12 વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયલો છું. પહેલાં મારે રોજનું 1000થી 1200 રૂપિયા સુધીનું કામ થતું હતું, પરંતુ હાલ અડધું જ કામ થઈ રહ્યું છે. ડાયમંડ ઉદ્યોગમાં આ વખતે મંદી લાંબો સમય સુધી ચાલી છે. જેને લઈને નક્કી કર્યું કે પાન-મસાલાની દુકાન શરૂ કરું. લોન લેવા ગયો તો બેંકે મને લોન આપવાની ના પાડી દીધી હતી. મારો પરિવાર પણ વતનમાં રહે છે, હું એકલો જ સુરતમાં રહું છું. દુકાન કરવા માટે માત્ર 1 લાખ રૂપિયાની લોનની જરૂરિયાત છે પરંતુ હીરોનો વ્યવસાય જોઈને બેંક લોન આપવાની ના પાડી રહી છે. > રમેશ યાદવ, રત્નકલાકાર