સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ પર અમાનવીય હુમલાની ઘટના સામે આવી છે. CCTV ફૂટેજમાં કેદ થયેલાં દૃશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે એક શખ્સ વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને રોડ પર પટકે છે અને માર મારે છે. બાદમાં પગ ખેંચીને રોડ પર ઢસડે છે. એટલું જ નહીં, લાકડા અને લાતો-મુક્કાથી સતત માર મારે છે. ગંભીર રીતે ઇજા પામેલા વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ ભાઇલાલભાઈ પ્રજાપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પેશાબ કરવાની ના પાડતાં વૃદ્ધને ફટકાર્યા
રાંદેર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ, 77 વર્ષીય ભાઇલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ, માલવિયા હોસ્પિટલ, આનંદમહેલ રોડ, સુરત ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ધુળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હતા. એ દિવસે એક કારમાં આવેલા બે શખસ હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા હતા. તેઓ ત્યાં પેશાબ કરવા લાગ્યા હતા, જે જોઈ સિક્યોરિટી ગાર્ડ ભાઇલાલભાઈએ તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા માટે મનાઈ કરી હતી. વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતાં કારમાં આવેલા શખસો ઉશ્કેરાઈ ગયા હતા. તેમાંથી એક શખસે ભાઇલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી. મારની ઘટના CCTVમાં કેદ થઈ
ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ, હુમલાખોર શખસે પહેલા સિક્યોરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા હતા. પછી તેમની પાસે રહેલા લાકડાના દંડાથી જ તેમને માર્યા હતાં. ત્યાર બાદ તાબડતોબ ઘા કર્યા હતા. રોડ પર તેમના પગ પકડીને ઢસડી મોઢા ઉપર સતત લાતો અને મુક્કા માર્યાં હતાં. ગાર્ડ ઊઠી પણ ન શકે એવી સ્થિતિમાં હતા, ત્યારે બે મહિલા ત્યાં પહોંચી હતી. અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલ ગાર્ડને ઉઠાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. અહીં વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઇજા હોવાથી ટાંકા લેવા પડ્યા છે. પોલીસ દ્વારા તપાસ શરૂ
આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. CCTV ફૂટેજ અને ઘટનાસ્થળે હાજર સાક્ષીઓના આધારે પોલીસે આરોપીઓને ઓળખવા માટે તપાસ શરૂ કરી છે. હાલ હુમલાખોરની કારનો નંબર પોલીસ પાસે ઉપલબ્ધ છે અને તેની મદદથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવી છે.