ગુજરાતભરનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પે સહિત વિવિધ માંગોને લઈને માસ સીએલ સહિતનાં કાર્યક્રમો આપ્યા બાદ આજથી (17 માર્ચ) બેમૂદતી હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાનાં વિવિધ ગામડામાં ફરજ બજાવતા 1,000 જેટલા કર્મચારીઓ જોડાયા છે, જેને લઈને આરોગ્ય સેવાઓ ખોરવાય તેવી શકયતા છે. આવતીકાલે રાજકોટમાં 500 જેટલા કર્મચારીઓ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવશે. પોતાની વિવિધ માંગ સંતોષવા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવશે. 1 માર્ચે સરકારને અલટીમેટમ અપાયું હતુંઃ પ્રમુખ
રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનાં પ્રમુખ અશોક જોશીએ જણાવ્યું હતું કે, અમારી ગ્રેડપે સહિત વિવિધ માંગોને લઈને ગત 1 માર્ચે સરકારને અલટીમેટમ આપવામાં આવ્યું હતું. બાદમાં 5 માર્ચે માસ સીએલમાં ગુજરાતના તમામ જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા. એટલું જ નહીં 6 માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આમ છતાં અમારી સમસ્યાઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવતા આજથી તમામ જિલ્લામાં બેમૂદતી હડતાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાનાં 1,000 કરતા વધુ કર્મીઓ જોડાયા છે. ગ્રેડ-પેમાં સુધારો કરવાની મુખ્ય માગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય બે માગો છે, જેમાં પ્રથમ ગ્રેડ-પે વધારવાની માગ છે. કારણ કે અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા વધુ ગ્રેડપે આપવામાં આવે છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતનાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓનો ગ્રેડ-પે સૌથી ઓછો છે. ત્યારે આ ગ્રેડ-પેમાં સુધારો કરવાની અમારી મુખ્ય માગ છે. બીજું આરોગ્ય કર્મચારીઓનાં પ્રમોશન માટે અગાઉ કોઈપણ પરીક્ષા નહોંતી. પરંતુ અચાનક હવે સરકારે પ્રમોશન માટે પરીક્ષા આપવી ફરજિયાત કરી છે, જેને દૂર કરવાની અમારી માગ છે. રસીકરણ સહિતના કામો બંધ રહેશે
આજથી અમારી હડતાળ શરૂ થઈ છે અને જ્યાં સુધી સરકાર અમારી માગ નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. જેમાં આવતીકાલે 500 જેટલા કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ એકઠા થશે અને ડીડીઓને રજૂઆત કરવામાં આવશે. બાદમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે, જ્યાં કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવશે. આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતરતા ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ ખોરવાશે. જેમાં દર બુધવારે રસીકરણ સહિતના કામો બંધ થતાં લોકોને હાલાકી ભોગવવી પડે તેવી શકયતા છે. સૌથી વધુ અસરો ગ્રામ્ય વિસ્તારમાં પડશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજથી બેમુદતી હડતાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની સૌથી વધુ અસરો ગ્રામ્ય વિસ્તારમાં પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો અને મહિલાઓ સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ રાજયવ્યાપી હડતાળમાં રાજકોટનાં 1,000 જેટલા કર્મચારીઓ પણ જોડાયા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.