શહેરમાં પોલીસનો જાણે કોઇ ખૌફ રહ્યો નથી તેવું જણાય છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો વધુ છાકટા બની રહ્યા છે. વડોદરાના દાંડિયાબજાર -અકોટા સોલાર રૂફ ટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મ દિવસની ઉજવણી કરતા 10 જેટલા છાકટા બનેલા યુવાનોનો ” સરકાર ગૃપ ” લખેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ છે. પોલીસે વીડિયોના આધારે વાહનોથી ધમધમતા માર્ગ ઉપર છાકટાવેળા કરનાર નબીરાઓની રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં શહેરના અકોટા દાંડિયાબજાર સોલાર બ્રિજ નીચે 10 જેટલા નબીરાઓએ પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપર બેસી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જે વીડિયો વાઇરલ થયો છે તેમાં “સરકાર ગૃપ” અને મિ.મોઇન દરબાર લખેલું દેખાય છે. સાથે જ દસેક નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમા “કોણ અમને ડરાવે” એવું એક સોંગ પણ ચાલી રહ્યું છે. આ વીડિયો મોડી રાતનો હોવાનું જણાય છે. રાવપુરા પોલીસે વાઇરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. વીડિયો અંગે રાવપુરા પોલીસ મથકના પી.આઇ. કુલદીપસિંહ જાદવે જણાવ્યું હતું કે, વીડિયો સામે આવ્યો છે. વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.