હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં પંચાયતીરાજના પદાધિકારીઓની એકદિવસીય કાર્યશાળા યોજાઈ હતી. ભારતીબેન પટેલે જણાવ્યું કે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી છે. લાલન પાલન કાર્યક્રમ અંતર્ગત સગર્ભા માતાઓને ઘરે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. નવજાત બાળકોના રસીકરણ અને કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આરોગ્ય જાગૃતિ વધી છે. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ આદિવાસી પ્રજાજનોને આરોગ્યની વિવિધ યોજનાઓ અને સારવારની અગત્યતા સમજાવવા પર ભાર મૂક્યો. તેમણે સગર્ભાવસ્થાની કાળજી અને શિક્ષણની મહત્વતા વિશે માર્ગદર્શન આપ્યું. CDHO ડૉ. રાજ સુતરિયાએ જણાવ્યું કે આ વર્કશોપમાં સરકારની તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી. પદાધિકારીઓએ આ યોજનાઓને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી. કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અભિયાન પર પણ ભાર મૂકવામાં આવ્યો. મેલેરિયા-ડેંગ્યુ જેવા રોગોના નિયંત્રણ માટે આશા કાર્યકર્તાઓ દ્વારા ઘર-ઘર જઈને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. 2030 સુધીમાં સાબરકાંઠાને મેલેરિયામુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક ઘર-એક છોડ’નો સંકલ્પ લેવામાં આવ્યો.