દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… ભાજપના કયા કોર્પોરેટરે AMCમાં ઈફ્તાર પાર્ટી યોજી?
અમદાવાદનાં પૂર્વ વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બિલ્ડિંગનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા જાગી છે. ભાજપના કોર્પોરેટર દ્વારા રમજાન મહિનો હોવાને પગલે કેટલાક લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બિલ્ડીંગમાં ઇફ્તારી પાર્ટી આપી હતી. સરકારી બિલ્ડીંગનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પરમિશન લેવી પડે છે તેમજ ત્યાં જાહેરમાં આવો કોઈ કાર્યક્રમ કરી શકાતો નથી. પરંતુ ભાજપના કોર્પોરેટર પોતાના વિસ્તારમાં જાણે રાજા હોય તેમ સરકારી મિલકતોમાં ગમે ત્યારે તેનો ગમે તે ઉપયોગ કરી શકતાં હોય તે મુજબ બિલ્ડિંગમાં ઇફ્તારી પાર્ટી આપી હોવાની ચર્ચા છે. આ મામલે ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ સુધી પણ ફરિયાદ થઈ છે અને આ મામલે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ભાજપના ધારાસભ્યની સામે કોર્પોરેટરની ભલામણ ન ચાલી
અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે ખૂબ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં મનમાની કરતા હોય છે અને કોર્પોરેટરોનું સાંભળતા જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપમાં સંકલન અને સંગઠનની વાતો વચ્ચે ગેરકાયદેસર બાંધકામોમાં માત્ર ભાજપના કોર્પોરેટરો જ નહીં પરંતુ ધારાસભ્યો પણ ખૂબ રસ લઈ રહ્યા હોવાની ચર્ચા છે. ભાજપના એક કોર્પોરેટરના મિત્રનું ગેરકાયદેસર એક બાંધકામ હતું જેને નહીં તોડવા માટે રજૂઆત કરી હતી. પરંતુ ધારાસભ્યએ અધિકારીઓને ફોન કરી અને આ બાંધકામ તોડી જ નાખવાનું છે તેવી સૂચના આપી હતી. કોર્પોરેટરે આ બાંધકામ ન તોડવા રજૂઆત કરી હતી છતાં પણ તેના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જો કોઈ ધારાસભ્ય ભલામણ કરતા હોય તો અધિકારીઓથી લઈ અને કોર્પોરેટરો પણ કામ કરતા હોય છે. પરંતુ આ ધારાસભ્યની ચર્ચા છે કે, આ ગેરકાયદે બાંધકામનો વહીવટ નહોતો પહોંચ્યો. જેના કારણે થઈને આ બાંધકામ તોડવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ પણ આ ધારાસભ્યથી કંટાળી ગયા છે. ‘AMC સમયસર સહયોગ આપે, પોલીસ કેમ નહીં?’
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ વડા દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેમાં ગુનેગારોના જે ગેરકાયદેસર બાંધકામ હોય તેને સ્થાનિક સંસ્થાઓ સાથે મળી અને તોડી પાડવા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચા જાગી છે કે, જ્યારે પોલીસ ઉપર કોઈ સવાલો ઊભા થાય ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપી અને સ્થાનિક સંસ્થા સાથે મળીને કામ કરવાની વાતો કરે છે. પરંતુ જ્યારે કોર્પોરેશન કોઈ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવે છે તો પોલીસ જ કોઈ બહાના હેઠળ બંદોબસ્ત આપતી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇના માણસો ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકો સાથે મળીને તોડ કરી આવતા હોય છે. સાઈટની બહાર ટ્રાન્સફોર્મર લગાવી ફાયદો લેનારા કોણ?
રાજકોટમાં PGVCLના અધિકારીઓ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડાયા કરતા હોય છે ત્યારે વધુ એક વિવાદ PGVCL કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિવાદ કૈક એમ છે કે સામાન્ય રીતે કોઈ પણ બાંધકામ થાય તો તેમાં ટ્રાન્સફોર્મર સેન્ટર એટલે કે (TC) આપવામાં આવે તો તે જે તે સાઈટની જગ્યામાં જ ઇન્સ્ટોલ કરવાનું રહેતું હોય છે એટલે કે રેસિડન્સ હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ દરેકનું (TC) તેમની જગ્યામાં એટલે કે પ્રિમાઇસિસની અંદર જ ઇન્સ્ટોલ કરવાનું રહેતું હોય છે. પરંતુ જો કોઈ બાંધકામ સાઇટના માલિક (TC) પ્રિમાઇસિસની બહાર લગાવવા ઇચ્છતા હોયતો ઇલલિગલ રીતે અધિકારીઓ અન્ય જગ્યાએ TC લગાવી આપે છે. PGVCLની મુખ્ય કોર્પોરેટ ઓફિસમાં બેસતા અધિકારીઓ સુધી આ વાત પહોંચી છે કે, રાજકોટમાં પ્રદ્યુમનનગર પેટા વિભાગીય કચેરી હેઠળ વિસ્તારમાં કેટલીક સાઈટમાં ટ્રાન્સફોર્મર સેન્ટર પ્રિમાઇસિસની બહાર લગાવવામાં આવેલ છે. જે ગેરકાયદેસર કહેવાય તો આ કામગીરી જે તે અધિકારીએ અંગત સ્વાર્થ સાધી કરી છે કે પછી અંગત સંબંધ સાધવા કરવામાં આવી છે તેને લઇ PGVCL ની કોર્પોરેટ ઓફિસમાં ગણગણાટ ચાલી રહ્યો છે હવે આ મામલે PGVCLના મેનેજીંગ ડાયરેકયર દ્વારા યોગ્ય તપાસમાં કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ છે. AMCના ભાજપના સત્તાધીશો અને શહેર ભાજપ સંગઠન વચ્ચે સંકલનનો અભાવ!
ગુજરાત ભાજપ સંગઠનની પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ શહેર સહિત હજી કેટલાક પ્રમુખોની જાહેરાત કરવાની બાકી છે. જે વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને શહેર સંગઠનના હોદ્દેદાર વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. શહેર સંગઠનના હોદ્દેદાર ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે. તો બીજી તરફ મ્યુનિ. હોદ્દેદારોપોતાને આપેલી જવાબદારી મુજબ નિર્ણયો લઈ રહ્યા છે પરંતુ સંગઠનના હોદ્દેદારને સત્તાધીશોની કામગીરી ગમતી નથી. તેમજ જ્યારે કોઈપણ કોર્પોરેશનની બાબતમાં સૂચના આપવામાં આવે તો સત્તાધીશો તેને વધારે કોઈ ગંભીરતાથી ન લેતા નથી. ભાજપના હોદ્દેદાર હવે જાહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની કામગીરીને લઈને નારાજ છે. પરંતુ આમાં ક્યાં નારાજગી છે કે પછી પાછળ અન્ય કોઈ હેતુ છે તે અંગે ભાજપના જ સત્તાધીશોથી લઈને કોર્પોરેટરોમાં ચર્ચા જાગી છે. અધિકારીઓ સામે ચાલતી વિજિલન્સ તપાસની માહિતી કોણ આપશે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરો અને અનેક પ્રશ્નોના જવાબો મળતા નથી એવી ફરિયાદો ઊઠે છે. જેની વચ્ચે કેટલાક કોર્પોરેટરો દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની વિજિલન્સ તપાસ અંગેની માહિતી માંગવામાં આવે છે. ત્યારે વિજિલન્સ વિભાગ દ્વારા તેનો યોગ્ય જવાબ આપવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. કોર્પોરેટરો અલગ અલગ વિભાગમાં ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કયા કિસ્સામાં વિજિલન્સ તપાસ સોંપવામાં આવી છે તેમની સામેની તપાસ કયા સ્ટેજ ઉપર પહોંચી છે, તપાસ પૂર્ણ થયા બાદ તેઓને કોઈ સજા આપવામાં આવી છે કે નહીં તે તમામ અંગેની વિગતો જ્યારે માંગવામાં આવે છે તેની કોઈ વિગતોનો જવાબ આપવામાં આવતો નથી. જેને લઈને કોર્પોરેટરોમાં ચર્ચા છે કે, ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરના તાબા હેઠળ આવતા વિજિલન્સ વિભાગ સામે જ વિજિલન્સ તપાસ સોંપવામાં આવે. યુવા મોરચાને સક્રીય કરી શકે તેવા નેતાની શોધમાં અમદાવાદ ભાજપ
અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં યુવા મોરચાની નિષ્ક્રિયતાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. યુવા મોરચાની ટીમ દ્વારા આખી ટર્મ દરમિયાન કોઈ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી. શહેર યુવા મોરચાની કામગીરીની ક્યાંય ખાસ નોંધ લેવામાં આવી હોય તેવું જોવા મળ્યું નથી. યુવા મોરચામાં કામ કરી ચૂકેલા પૂર્વ હોદ્દેદારોથી લઈને કેટલાક નેતાઓ પણ આ યુવા મોરચાની ટીમને કોઈ માર્ગદર્શન આપી શક્યા નહીં અને યુવા મોરચાના નેતા જ નબળા હોવાના કારણે કોઈ કાર્યક્ર્મ ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા જાગી છે. આગામી યુવા મોરચાની ટીમ ખૂબ મજબૂત રીતે કામગીરી કરે તેના માટે ભાજપ એ હવે અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ માટે એવો મુરતિયો શોધવો પડશે કે જે યુવા મોરચાને ફરી એકવાર સક્રિય કરી શકે.