9 મહિના 41 અઠવાડિયાં 287 દિવસ 6,888 કલાક અને 4 લાખ 13 હજાર 280 મિનિટ આ એ સમય છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નામનાં બે એસ્ટ્રોનોટે અવકાશમાં સમય પસાર કર્યો. હવે આ બંને ધરતી પર પરત ફરી રહ્યાં છે. આજે તેમની વાત… નમસ્કાર, આપણે સમાચાર સાંભળીએ છીએ કે 9 મહિનાથી બે એસ્ટ્રોનોટ્સ અવકાશમાં ફસાયેલાં હતાં. એ બંને ધરતી પર આવી રહ્યાં છે. સુનિતા અને બૂચ બંને ભારતીય સમય મુજબ અવકાશમાંથી પૃથ્વી તરફ આવવા માટે 18 તારીખને મંગળવારે સવારે 8:15 વાગ્યે રવાના થશે અને ભારતીય સમય મુજબ રાત્રે 3:15 વાગ્યે ધરતી પર ઉતરાણ કરશે, ત્યારે 19 તારીખ થઈ ચૂકી હશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસી માટે આખી દુનિયાના શ્વાસ થંભી ગયા હતા. આ આખીય ઘટનામાં ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ખાસ મિત્ર ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે અમે બંનેને પાછાં લાવીશું. બંનેએ એ કરી બતાવ્યું એટલે દુનિયામાં ટ્રમ્પ-મસ્કની જોડીની વાહ-વાહ થવાની છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેમ ગયાં? અને તેઓ કેવી રીતે અટવાઈ ગયાં? સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂન, 2024ના દિવસે રાત્રે 8:22 વાગ્યે સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટમાં અવકાશ મિશન પર ગયાં હતાં. આ અવકાશયાન 6 જૂને રાત્રે 11:03 વાગ્યે અવકાશ મથક પર પહોંચ્યું. 8 દિવસ પછી પાછું ફરવાનું હતું, પણ થ્રસ્ટરમાં સમસ્યા આવી ગઈ. સુનિતા તથા બૂચ વિલ્મોર બોઇંગ ને નાસાના જોઈન્ટ ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. સુનિતા સ્પેસ ક્રાફ્ટનાં પાઇલટ હતાં. તેમની સાથે ગયેલા બૂચ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. ISS (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)માં 8 દિવસ રહીને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પણ ટેક્નિકલ સમસ્યાઓને કારણે સુનિતા અને વિલ્મોર સ્પેસ સ્ટેશનમાં જ ફસાઈ ગયાં. આ મિશનનો ઉદ્દેશ અવકાશયાનની અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને ત્યાંથી પાછાં ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કર્યા. બંને એસ્ટ્રોનોટ્સ લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં કેવી રીતે ફસાઈ ગયાં? સ્પેસ સ્ટેશનમાં રહીને આ બંને એ જ સ્પેસ ક્રાફ્ટમાં પાછાં ફરવાનાં હતાં, જેમાં બેસીને ગયાં હતાં, પણ એ સ્પેસ ક્રાફ્ટમાં ફોલ્ટ આવી ગયો. 28 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટર્સમાંથી 5 નિષ્ફળ ગયા. એ પછી બીજી સમસ્યા એ થઈ કે સ્પેસ ક્રાફ્ટમાં 25 દિવસમાં હીલિયમ પણ લીક પણ થવા લાગ્યું. હીલિયમ પ્રોપેલન્ટને થ્રસ્ટર સુધી પહોંચાડવા ખૂબ જરૂરી હતા. જો સ્પેસ સ્ટેશન સુધી હીલિયમ પહોંચી જાય તો જ અવકાશયાન પાછું આવી શકે. આવી સ્થિતિમાં સ્પેસ ક્રાફ્ટ પાછું ફરશે કે નહીં એ ચિંતા હતી. ડેટાનું વિશ્લેષણ કર્યા પછી નાસાએ નક્કી કર્યું કે સ્ટારલાઇનર સ્પેસ ક્રાફ્ટ સુનિતા અને બૂચ વિલ્મોરને પાછું લઈ આવવા માટે સલામત નથી, તેથી 6 સપ્ટેમ્બરના દિવસે જ એસ્ટ્રોનોટ્સ વગર સ્ટારલાઇનર સ્પેસ ક્રાફ્ટ પાછું પૃથ્વી પર લાવ્યા. હવે સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં બંને અવકાશયાત્રીને પાછાં કેમ લાવવાં? એ સવાલ પેચીદો હતો. આ માટેની જવાબદારી ઇલોન મસ્કની કંપની સ્પેસ-એક્સને સોંપવામાં આવી. સ્પેસ-એક્સનું ડ્રેગન નામનું સ્પેસ ક્રાફ્ટ દર થોડા મહિને ચાર અવકાશયાત્રીને અવકાશ મથકે લઈ જાય છે અને અગાઉ ત્યાં પહોંચી ગયેલા ક્રૂને પૃથ્વી પર પાછા લાવે છે. જ્યારે સ્પેસ-એક્સે 28 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રૂ-9 મિશન શરૂ કર્યું, ત્યારે એમાં 4 અવકાશયાત્રી પણ હતા, પરંતુ સુનિતા અને બૂચને કારણે બે સીટ ખાલી રાખવામાં આવી હતી. આ પછી 25 ઓક્ટોબરના રોજ આ અવકાશયાનમાં અગાઉના ક્રૂ-8 મિશનના 4 અવકાશયાત્રી પૃથ્વી પર પાછા ફર્યા. 15 માર્ચે સ્પેસ-એક્સે 4 અવકાશયાત્રી સાથે ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું. આ અવકાશયાત્રીઓ 16 માર્ચે અવકાશ મથક પર પહોંચ્યા હતા, જેમાં નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરીલ પેસ્કોવ પહોંચ્યા છે. હવે ક્રૂ-9નાં બે અવકાશયાત્રી- સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછાં લાવવામાં આવી રહ્યાં છે. સુનિતા અને બૂચની વાપસીમાં અમેરિકન પોલિટિક્સ? ગયા મહિને ફેબ્રુઆરી 2025માં ફોક્સ ન્યૂઝ સાથેના ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સ્પેસ-એક્સના સીઈઓ ઈલોન મસ્કે કહ્યું હતું કે અમે સુનિતા અને બૂચને બને એટલાં ઝડપી પાછાં લાવીશું. એ ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે એ બંને અવકાશમાં ફસાઈ ગયાં છે. સોન હેનિટીએ ઇન્ટરવ્યૂ લેતી વખતે કહ્યું, તેઓ આઠ દિવસ માટે ગયાં હતાં અને લગભગ 250 દિવસથી ત્યાં છે. ટ્રમ્પે આનો જવાબ એક જ શબ્દમાં આપ્યો, “બાઇડન.” મસ્કે કહ્યું હતું કે બાઈડન સરકાર આડી ન આવી હોત તો ક્યારનું ક્રૂ-10 મિશન થઈ ગયું હોત અને બંને પાછાં પણ આવી ગયાં હોત. મસ્કે કહ્યું, એ બંને પોલિટિકલ રીઝનથી ત્યાં છે. જોકે નાસાના સ્ટીવ સ્ટિચે આ દાવાઓને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટેક્નિકલ કારણોસર બંનેને પૃથ્વી પર પાછાં લાવવાનું ઠેલાતું હતું. બીજું કોઈ કારણ નહોતું. શું સુનિતા વિલિયમ્સ પહેલાં જેવું સ્વસ્થ જીવન જીવી શકશે? 19 માર્ચ 2025ના દિવસે જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પાછાં ફરશે ત્યારે તેમને સંપૂર્ણપણે સામાન્ય થવામાં એક વર્ષ લાગી શકે છે. પૃથ્વી પર પાછાં ફર્યાં પછી અવકાશયાત્રી માટે સૌથી મોટો પડકાર શારીરિક અને માનસિક બંને રીતે સામાન્ય જીવનમાં પાછા ફરવાનો છે. તેઓ અવકાશમાં કેટલો સમય રહે છે એના પર આધાર રાખે છે. નાસાના અવકાશયાત્રી ડગ્લાસ વ્હીલોકે અવકાશમાં 179 દિવસ વિતાવ્યા હતા. તેઓ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અવકાશમાં રહે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. શૂન્ય-ગુરુત્વાકર્ષણ (ઝીરો ગ્રેવિટી)ને કારણે આપણે એવું પણ વિચારવા લાગીએ છીએ કે આપણને પગની જરૂર નથી. આવી સ્થિતિમાં પાછા આવીને પૃથ્વીના પર્યાવરણમાં પોતાને અનુકૂલિત કરવું પડકારજનક છે. આ માટે લાંબો સમય સારવાર લેવી પડશે. બીજા એસ્ટ્રોનોટ સુનિતાને લેવા કેવી રીતે પહોંચ્યા સ્પેસ કેપ્સ્યૂલ ધરતી પર કેવી રીતે આવશે? આમાં ત્રણ સમસ્યા છે બન્ને એસ્ટ્રોનોટને પૃથ્વી પર શું સમસ્યા થશે? સુનિતા વિલિયમ્સ : આ રીતે નેવી ઓફિસરમાંથી એસ્ટ્રોનોટ બન્યાં 19 સપ્ટેમ્બર 1965માં અમેરિકાના ઓહાયોમાં જન્મ થયો. 1987માં યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડેમીમાંથી સ્નાતક થયાં બાદ અમેરિકન નેવીમાં જોડાયાં. તેમને નેવીમાં હેલિકોપ્ટર પાઇલટ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમણે પર્શિયન ગલ્ફ અને અન્ય મિશનમાં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપી. 1993થી 1994 સુધી તેમને યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાં મોકલવામાં આવ્યાં હતાં. અહીં તેમણે અદ્યતન વિમાન અને હેલિકોપ્ટરનું સુપરવિઝન કર્યું. નાસામાં એન્ટ્રી માટે ટેસ્ટ પાઇલટ બનવું એ એક મહત્ત્વપૂર્ણ પગલું હતું, કારણ કે નાસા ઘણીવાર એવા લોકોની પસંદગી કરે છે, જેઓ લેટેસ્ટ વિમાનોના સુપરવિઝનમાં એક્સપર્ટ હોય છે. 1998માં જ્યારે નાસાએ નવા એસ્ટ્રોનોટ્સ માટે એપ્લિકેશન મગાવી ત્યારે સુનિતા વિલિયમ્સે પણ એપ્લિકેશન કરી. તેઓ એક ધડાકે નાસામાં સિલેક્ટ થઈ ગયાં. નાસામાં કામ કરવું પણ લોઢાના ચણા ચાવવા જેવું છે નાસાના સ્પેસ પ્રોગ્રામમાં સામેલ થયા પછી સુનિતા વિલિયમ્સે જે ટ્રેનિંગ લીધી એ ખૂબ અઘરી હતી. સ્પેસ સ્ટેશનનું ઓપરેશન, રોબોટિક્સ, સ્પેસવોક (EVA) અને સાયન્સના રિસર્ચમાં ટ્રેનિંગ લીધી. એ પછી તેમને રશિયન ‘સોયુઝ’ સ્પેસ સ્ટેશન અને ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)’નાં મોડ્યૂલો વિશે પણ સમજાવવામાં આવ્યું. આ પછી પાણીની અંદર ઝીરો ગ્રેવિટી સ્પેસવોક ટ્રેનિંગ, જંગલ સર્વાઇવલ ટ્રેનિંગ અને સાયન્ટિફિક રિસર્ચમાં પણ ટ્રેનિંગ લીધી. અંતે 9 ડિસેમ્બર 2006ના દિવસે સુનિતા વિલિયમ્સે STS-116 મિશન હેઠળ પહેલીવાર અવકાશમાં યાત્રા કરી. આ મિશનમાં તેમણે અવકાશમાં 192 દિવસ વિતાવ્યા અને અનેક સ્પેસવોક કર્યું હતું. છેલ્લે, સુનિતા વિલિયમ્સની વાપસીના સમાચાર જ્યારે આવ્યા અને જે સમયે તેઓ ડ્રેગન કેપ્સ્યૂલમાં બેઠાં એ જ દિવસે 17 માર્ચે કલ્પના ચાવલાનો જન્મદિવસ છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ…. (રિસર્ચ – યશપાલ બક્ષી)