દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાકો પૈકી શેરડી અને ડાંગરના પાક છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે બે થી અઢી લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. ચોમાસુ અને ઉનાળો ડાંગરનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. પાણીને લઈને હવે ડાંગરના પાક ઉપર અવરોધ આવી શકે તેવી સ્થિતી ઉભી થઈ રહી છે. આવનાર દિવસોમાં ડાંગરને લઈને રાજ્ય સરકાર નવા પરિપત્ર લાવવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, 1 કિલો ચોખા પકવવામાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં પાણીની તંગી ન સર્જાય તે માટે ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલે રાજ્ય સરકાર આગામી સમયમાં પરિપત્ર પણ લાવશે. ઉનાળુ ડાંગર ઉપર નિયંત્રણ લાવવાનો પ્રયાસ
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આવનાર દિવસોમાં ડાંગરના પાક ઉપર સરકાર નિયંત્રણ કરવાનું વિચારી રહે છે. ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અછત રહેતી હોય છે પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ખેતી પણ સારી રીતે થાય એ દિશામાં સરકાર નિર્ણય લઈ શકે તેવી ચર્ચા વિચારણા શરૂ થઈ છે. ખાસ કરીને ડાંગરના પાકમાં ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે ડાંગરને બદલે અન્ય પાક લેવા માટે ખેડૂતોને મનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઉનાળું ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તેના માટે સરકાર નવો પરિપત્ર બહાર પાડી શકે છે. ડાંગર માટે ખૂબ પાણી વેડફાતું હોવાને કારણે ખેડૂતોએ વિચારવું જોઈએ
વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મંચ પરથી ડાંગરને લઈને મહત્વની વાત મૂકતા અનેક પ્રકારના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. મુકેશ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં પાણીને લઈને યુદ્ધ થશે. આપણા ત્યાં બે પ્રકારની પાણીની સ્થિતિ છે એક તરફ પાણીનો અભાવ છે અને એક તરફ પાણીનો પ્રભાવ છે.પાણીનો પ્રશ્ન આગામી દિવસોમાં વધુ મુશ્કેલ થવાનો છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રકારે ઉનાળામાં ડાંગરનો પાક લેવામાં આવી રહ્યો છે તેની પાછળ ખૂબ મોટા પ્રમાણમાં પાણીની સુવિધા ઉભી કરવી પડી રહી છે એક રીતે કહીએ તો 1 કિલો ડાંગર પાછળ 4000 લિટર કરતા પણ વધારે પાણી જાય છે. ગઈ વખતે દક્ષિણ ગુજરાતમાં 15 લાખ ગુણ ડાંગર નો પાક લીધો હતો વિચાર કરો તેની પાછળ કેટલાપાણીનો ઉપયોગ થયો હશે. ભગવાનની મહેરબાની છે કે આપણા ત્યાં વરસાદ સારો પડે છે અને ડેમ ભરાઈ જાય છે. બધા દિવસો આપણા માટે સરખા નથી રહેતા. મંત્રીએ કહ્યું સરકાર પરિપત્ર કરશે
મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોના પ્રમુખો,મંડળીના પ્રમુખો, મુખ્યમંત્રી પાણી પુરવઠા ના અધિકારીઓ સાથે એક બેઠક કરવાના છે. જે ખેડૂતો પાસે જમીન છે તેમાં 50% ઉપર જ ડાંગરની ખેતી કરી શકે એ પ્રકારનો પરિપત્ર કરવાના છે જેથી કરીને પાણીની બચત થાય. પાણીની ચોરી અટકાવી શકતા નથી ઉદ્યોગ ગૃહને પાણી આપે છે- દર્શન નાયક
ખેડૂત અગ્રણી દર્શન નાયકે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત રહેતી નથી. ઉકાઈ ડેમની અંદર પણ પાણી લગભગ પૂરતા પ્રમાણમાં રહે છે. પાણીનો કોઈ પ્રશ્ન અત્યારે આપણા દક્ષિણ ગુજરાતમાં નથી. ત્યારે ખેડૂતોને પાણી આપવામાં સરકાર કેમ અલગ પ્રકારનું વલણ રાખે છે. દક્ષિણ ગુજરાતના ઝીંગા તળાવમાં મીઠું પાણી મોટા પ્રમાણમાં ચોરી થાય છે. તેને સરકાર અટકાવી શકતી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના ડાંગર પકાવતા ખેડૂતો માટે નવા પરિપત્ર લાવવાની તૈયારી કરી રહી છે. ઉકાઈ ડેમમાં 345 ફૂટ જેટલું પાણી છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે. પાણી પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તેવી સ્થિતિ છે. ઘણી જમીનો ઉપર ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ છે.NA થયેલી જમીનનું પ્રમાણ પહેલાં કરતાં વધી રહ્યું છે. એ પાણીનો વપરાશ પણ ઓછો થઈ રહ્યો છે. સરકાર ખેડૂતો કયો પાક લે શું ખાય, શું પીવે આજ બધા નિર્ણયો ઉપર ધ્યાન આપી રહી છે. સરકારે ખેડૂતોને વધુમાં વધુ સારી રીતે પાણીની સુવિધા કેવી રીતે આપવી જોઈએ ત્યાં અંગે વિચારવું જોઈએ એને બદલે જે પાક લેવામાં આવી રહ્યો છે તેના ઉપર અવરોધ લાવવા માટેનો પ્રયાસ કરી રહી છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે.