મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીંના 4-એ વન બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કૌશિક કુમાર પંચોલીએ એસિડ પી આત્મહત્યા કરી લીધી છે.પોલીસ ફરિયાદ મુજબ, 15 માર્ચની વહેલી સવારે બે વાગ્યાના સુમારે કૌશિક કુમાર, તેમની પત્ની રેખાબેન અને પુત્રવધૂ ગીતાબેન ઘરે સૂતા હતા. તે દરમિયાન તેમના ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. દરવાજો ખોલતાં દીકરા વિશાલને અમેરિકા મોકલી આપનાર ગૌરવ મોદી, ચિરાગ પટેલ અને કમલેશ પટેલ ઊભા હતા. આ ત્રણેય શખસે સાથે કૌશિક કુમારના ભત્રીજા રાજકુમાર પ્રવિણચંદ્ર પંચોલી પણ હતા. તેઓએ પૈસાની માંગણી કરી કૌશિક કુમાર સાથે ઝપાઝપી કરી હતી.ગૌરવ મોદીએ છરી કાઢીને કૌશિક કુમારનો કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોસાયટીના લોકો આવતા ત્રણેય આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. જતાં-જતાં તેમણે સવાર સુધીમાં પૈસા ચૂકવવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ કૌશિક કુમારે બાથરૂમમાં રાખેલી એસિડની બોટલમાંથી એસિડ પી લીધું હતું. તેમને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારના રહેવાસી ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.