પાકિસ્તાની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે. તેમાંથી 123 માછીમારો ગુજરાતના છે. આ માહિતી વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધનસિંહે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં આપી હતી. ગુજરાતના 123 માછીમારોમાંથી 33 માછીમારો 2021થી જેલમાં છે. 68 માછીમારો 2022થી કેદ છે. 2023માં નવ અને 2024માં 13 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ કેદીઓની યાદી એકબીજાને સોંપે છે. 1 જાન્યુઆરી 2025ના રોજ પાકિસ્તાને 217 ભારતીય માછીમારો કેદમાં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ એક માછીમારનું અવસાન થયું છે. 22 માછીમારોને મુક્ત કરી ભારતને સોંપવામાં આવ્યા છે. ભારત સરકાર માછીમારોની સુરક્ષા અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ માછીમારોની મુલાકાત અને મુક્તિ માટે સતત પ્રયાસો કરે છે. તેમને કાનૂની સહાય સહિતની તમામ મદદ પૂરી પાડવામાં આવે છે. 2008માં બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ માછીમારોની મુક્તિની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. બંને દેશોની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી કમિટી કેદીઓની મુક્તિ માટે ભલામણો કરે છે. આ કમિટીની અત્યાર સુધીમાં સાત બેઠકો યોજાઈ ચૂકી છે.