રાજ્યના પોલીસ વડાએ 15 માર્ચે 2025એ અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસે વિભાગે રાજ્યભરમાં ઝુંબેશ ચલાવી હતી. અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 17 માર્ચે યોજાયેલી બેઠક બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિકતત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે રાજ્યમાં પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની આ કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યના જિલ્લાની વિગતવાર સ્થિતિ જોઇએ તો જૂનાગઢ શહેરના 152 અને જિલ્લાના કુલ મળીને 372 રીઢા ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ છે અને તેમની સામે તડીપાર તેમજ પાસાની દરખાસ્ત કરવાની કામગીરી ચાલુ છે. જામનગર શહેર જિલ્લામાં 285 ગુંડા તત્વોની યાદી તૈયાર થઈ છે, તેની સામે અટકાયતી તડીપાર તેમજ અન્ય પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા પોલીસ વિભાગે શહેરભરમાં ઝુંબેશ ચલાવી હતી. 18 મીની સવાર સુધીમાં બધા મળી કુલ 1134 સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 399 ગુંડા તત્વોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં રીઢા ગુનેગારોના વીજ અને પાણીના જોડાણ કપાયા છે. ખેડા જિલ્લામાં 60 જેટલાં આરોપીઓને લિસ્ટેડ કરવામાં આવ્યા છે. અમરેલીમાં 113 અસામાજિક તત્વોની યાદી પોલીસ તંત્રએ તૈયાર કરી, જાફરાબાદમાં આવા 3 શખ્સોએ ગેરકાયદે લીધેલા વીજ જોડાણ કાપી નખાયા હતા. મોરબી જિલ્લામાં 165 જેટલા ગુનેગારોના નામ ફાઇનલ થયા છે જે પૈકી જેટલા અલગ અલગ જગ્યાએ 8 જેટલા ઇસમના ઘરના ગેરકાયદેસર વીજ કનેક્શન દુર કરાયા છે. અસામાજિક તત્વો સામે શું એક્શન લેવાશે?
{તડીપાર કરાશે તથા પાસાની દરખાસ્ત મુકાશે
{ગેરકાયદે મિલકતો તોડી પડાશે
{વાહન સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવશે
{ ઝડપી કેસ ચાલે એ માટે પ્રયાસ કરવામાં આવશે
{ વીજળી-પાણી-ગટરના કનેક્શન કપાશે
{ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે બુલડોઝર એક્શન લેવામાં આવશે