ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. આંદોલનકારી શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજના સામે વિરોધ નોંધાવ્યો છે. તેમના મતે આ યોજના શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી. શિક્ષકોનું કહેવું છે કે 11 માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે. વ્યાયામ શિક્ષકોની મુખ્ય ફરિયાદો છે કે રજાઓ માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી. વળી, 11 માસ પૂરા થયા પહેલાં જ કોઈ લેખિત સૂચના વગર મૌખિક રીતે છूટા કરી દેવામાં આવે છે. પગારની બાબતમાં પણ અસમાનતા છે. કેટલાક જિલ્લાઓમાં પૂરો પગાર મળે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં પગાર જ ચૂકવવામાં આવતો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલ સહાયકોને છૂટા કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. જોકે, પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. શિક્ષકોએ આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. વર્ષમા 8 મહિનાની જ નોકરી અને 4 મહિના ઘરે બેસવું પડે છે અમો સૌ માનસિક, શારીરિક અને આર્થિક રીતે ખુબ જ હેરાન થયા છે અને હાલ મા પણ બેરોજગાર ની માફક ૨ મહિના થી ઘરે બેસી રહ્યા છે, આ બાબતો નાં કારણે અમો ઉપર માનસિક શારીરિક અને આર્થિક તો ઠીક પણ સામાજિક રીતે પણ આનો ભોગ બની રહ્યા છે.જેનાં કારણે કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવાની અમારી માંગ છે. પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) પરિક્ષા લેવા માં આવી છે, તેને માન્ય ગણી ને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.