હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલી ‘ઘરનો રોટલો’ હોટલ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હોટલના માલિક પંકજ ચમનભાઈ ગોઠી અને તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી સામે ઈંગ્લીશ દારૂ, હથિયાર અને મારામારીના કેસો નોંધાયેલા છે. મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસની ટીમે હોટલની તપાસ કરી હતી. તપાસ દરમિયાન હોટલમાં ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યું હતું. પી.જી.વી.સી.એલ.ના જુનિયર ઇજનેર કે.પી.પટેલની ટીમે તાત્કાલિક વીજ જોડાણ કાપી નાખ્યું હતું. વીજ ચોરી બદલ આશરે પાંચ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હોટલનું બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યું છે. વળી, આ બાંધકામ માટે પાલિકાની મંજૂરી પણ લેવામાં આવી નથી. આ કારણે નજીકના સમયમાં પાલિકા દ્વારા હોટલને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.