રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાથી લઇ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેલા પ્રમુખ સંગીતાબેન બારોટે એકાએક ધોરાજી નગરપાલિકના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંગીતાબેન બારોટની ચૂંટણી પહેલા ઉમેદવાર તરીકે જાહેરાત થતા સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા હુક્કો પીવાના તથા દારુની બોટલ સાથેના વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ પદે નિમણૂક થતા મીડિયા સમક્ષ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી ગણાવી દેતા ફરી ચર્ચામાં રહ્યા હતા. કલેક્ટર સમક્ષ લેખિત રાજીનામું આપ્યું
તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નાગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું હતું. જેમાં અંગત કારણો સર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અંગત કારણોસર નહિ પ્રદેશ ભાજપના સૂચનથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિવાદિત પોસ્ટ
ધોરાજી નગરપાલિકામાં આ વર્ષે ચૂંટણીના પરિણામમાં પરિવર્તન સાથે ભાજપ સત્તા પર આવ્યું છે. જો કે સત્તા પર આવ્યાની સાથે જ ચર્ચામાં પણ રહ્યું છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં એક નામ એવું હતું કે જે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછીના સમયમાં પણ ચર્ચામાં રહ્યું છે અને એ નામ છે સંગીતાબેન બારોટ. ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે સંગીતાબેન બારોટના નામની જાહેરાત થતાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમણે પોતે કરેલી એક વિવાદિત પોસ્ટના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. આ સમયે લોકોએ સોનલબેનના દારૂ, બિયર સાથેના ફોટાને ચર્ચાનો વિષય બનાવી મુદ્દાને ટ્રોલ કરી જોરશોરથી આ મુદ્દાને ચકચારી બનાવી વિવાદાસ્પદ ઉમેદવાર બનાવી દીધા હતા. પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ ઇન્ટરવ્યુમાં CM તરીકે નરેન્દ્ર મોદીનું નામ લીધું
આ પછી રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી હતી અને બાદમાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ પદ ઉપર મહિલા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મવડી મંડળ દ્વારા વોર્ડ નંબર 9ના સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતા પ્રથમ જ ઇન્ટરવ્યૂમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા ફરી વિવાદ સર્જાયો હતો અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થતા ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો.