ઔરંગઝેબની કબરના વિવાદે નાગપુરમાં હિંસાનું સ્વરૂપ લઈ લીધુ હતું. આ મામલે હાલ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. એક તરફ શિવસેના (ઉદ્ધવ જૂથ)એ ભાજપ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું તો તેના જવાબમાં આજે CM ફડણવીસે નાગપુર હિંસા પાછળ ફિલ્મ ‘છાવા’ને જવાબદાર ઠેરવી હતી. મુખ્યમંત્રીએ હિંસાને પ્રિ-પ્લાન કાવતરું ગણાવ્યું
આ વિવાદ 17 માર્ચની સાંજે સેન્ટ્રલ નાગપુરના ચિટનીસ પાર્કથી શરૂ થયો હતો. 18 માર્ચે વિધાનસભામાં હિંસા વિશે બોલતાં, સીએમ ફડણવીસે કહ્યું હતું કે- નાગપુર હિંસા એક પ્રિ-પ્લાન કાવતરું લાગે છે. ટોળાએ પહેલાથી જ ઘરો અને દુકાનોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે- લોકોમાં ગુસ્સાનું કારણ ફિલ્મ ‘છાવા’ છે. આ ફિલ્મે લોકોના મનમાં ઔરંગઝેબ વિરુદ્ધ ગુસ્સો જગાડ્યો. આ ઉપરાંત કેટલીક અફવાઓને કારણે આ હિંસા વધારે ફાટી નીકળી. તેમ છતાં, મહારાષ્ટ્રમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ. રમખાણોમાં જે પણ સામેલ હશે, અમે તેની જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની સામે કાર્યવાહી કરીશું. નાગપુર હિંસા મામલે સોશિયલ મીડિયા પર યુઝર્સ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક યુઝર્સ મુખ્યમંત્રીના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક એક્ટરના સપોર્ટમાં આગળ આવી રહ્યા છે. કેટલાક ફેન્સ એક્ટરના સમર્થનમાં ઉતર્યા
રાહુલ નામના યુઝરે લખ્યું- ‘નાગપુર હિંસા માટે વિક્કી કૌશલને દોષી ઠેરવવું ખૂબ જ ખોટું છે.’ છાવા એક ફિલ્મ છે, જેમાં વિક્કી કૌશલે એક પાત્ર ભજવ્યું છે અને પ્રોડ્યુસરે ઔરંગઝેબની ક્રૂરતા દર્શાવી છે. પણ હવે આ દેશના કેટલાક લોકો માટે ઔરંગઝેબ મહાન બની ગયો છે. ‘કોઈપણ કલાકારને નિશાન બનાવવું ખોટું છે’
બીજા એક યુઝરે કોમેન્ટ કરી કે, નાગપુર હિંસા માટે વિક્કી કૌશલને દોષી ઠેરવવું સંપૂર્ણપણે અન્યાયી અને ખોટું છે. તે એક એવો એક્ટર છે જેણે ‘છાવા’ માં એક ઐતિહાસિક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. જો ફિલ્મના કેટલાક વર્ણનોને જોરદાર પ્રતિક્રિયા મળી હોય, તો ચર્ચા ઐતિહાસિક અર્થઘટન, જાહેર ચર્ચા અને શાસનની આસપાસ હોવી જોઈએ, અને કોઈ એક કલાકારને લક્ષ્ય બનાવવું જોઈએ નહીં. ‘અમારો હીરો વિક્કી ફક્ત એક્ટિંગ કરે છે, ઝઘડા નથી કરાવતો’ શું છે સમગ્ર મામલો? ઔરંગઝેબ વિશેની આ ચર્ચા ફિલ્મ ‘છાવા’ મોટા પડદા પર રિલીઝ થયા પછી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી અને કહ્યું કે આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણાં મંદિરો બંધાવ્યાં. હું તેમને ક્રૂર શાસક નથી માનતો. આઝમીએ વધુમાં કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધાર્મિક નહીં પણ સત્તા અને સંપત્તિ માટે હતી. જો કોઈ કહે કે આ લડાઈ હિન્દુઓ અને મુસ્લિમો વિશે હતી, તો હું માનતો નથી. બીજી તરફ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું કે અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. તેમણે છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ત્રાસ આપનાર ઔરંગઝેબની પ્રશંસા કરી. આવા વ્યક્તિને સારો કહેવું એ એક મોટું પાપ અને ગુનો છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ. હવે સમગ્ર મહારાષ્ટ્રમાં તેના વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા ભાજપના નેતાઓએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર તોડી પાડવામાં આવે. મહારાષ્ટ્રમાં, જ્યાં લગભગ 12 ટકા મુસ્લિમ વસ્તી છે, ત્યાં ઔરંગઝેબ પર છેલ્લા ઘણા દાયકાઓથી ચર્ચા ચાલી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે મહારાષ્ટ્રમાં કે તેની બહાર ઔરંગઝેબ પર કોઈ મોટી રાજકીય ચર્ચા થઈ હોય, પરંતુ આ વખતે મામલો ઘણો આગળ વધી ગયો છે. ઔરંગઝેબ અને મરાઠા વચ્ચેનું કનેક્શન
ઔરંગઝેબનું પૂરું નામ મુહી અલ-દીન મુહમ્મદ છે. ઔરંગઝેબે ભારત પર 49 વર્ષ શાસન કર્યું અને પોતાના જીવનનાં છેલ્લાં 25 વર્ષ મહારાષ્ટ્રમાં આવતા વિસ્તારોમાં વિતાવ્યાં. જ્યારે ઔરંગઝેબ મહારાષ્ટ્ર પર શાસન કરતો હતો, ત્યારે મુઘલો અને મરાઠાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. મરાઠા સામ્રાજ્યના સૈનિકોએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબને આગળ વધતા અટકાવ્યો હતો, તેથી મહારાષ્ટ્રના ઇતિહાસમાં મરાઠા શાસકો અને મરાઠા ગૌરવને ખૂબ માન આપવામાં આવે છે જ્યારે ઔરંગઝેબને ખલનાયક માનવામાં આવે છે.