સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરભા ગઢવીને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ વિક્રમભાઈ રવજીભાઈ બાવળીયા તરીકે થઈ છે. તે સાયલા તાલુકાના નવાગામનો રહેવાસી છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે ફોટામાં દેખાતી બંદૂક તેના પિતા રવજીભાઈ બાવળીયાની છે. તપાસમાં બહાર આવ્યું કે વિક્રમભાઈ પાસે હથિયારનો કોઈ પરવાનો નથી. તેના પિતા રવજીભાઈ પાસે ડબલ બેરલ મઝલલોડ બંદૂકનો કાયદેસરનો પરવાનો છે. પરંતુ તેમણે પોતાની લાયસન્સવાળી બંદૂક પુત્રને આપી હતી, જેનો ઉપયોગ કરીને વિક્રમભાઈએ ફેસબુક પર ફોટો અપલોડ કર્યો હતો. આ મામલે ધજાળા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લાયસન્સધારક વ્યક્તિ પોતાનું હથિયાર બીજાને આપી શકતી નથી, જે કાયદાનો ભંગ છે.