મેડિકલ ઇમરજન્સીમાં ગમે ત્યારે 108 નંબર ડાયલ કરતાં ત્વરિત એમ્બુલન્સ અને મેડિકલ સેવા મળી જાય છે, તે રીતે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવા પણ રાજ્યના નાગરિકોને મળતી થઇ જશે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઇ રહી છે, જેમાં લોકો પોતાની કોઇપણ ફરિયાદ હોય સીધો જ આ નંબર ડાયલ કરીને મુખ્યમંત્રીને જણાવી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય જ આ હેલ્પલાઇન અંગે દેખરેખ રાખશે. હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરે છે, પરંતુ તે લેખિત સ્વરૂપે કરવાની રહે છે, જ્યારે અહીં નાગરિકો ટેકનોલોજીથી ફરિયાદ નોંધાવી શકશે. જરાત સરકારે વર્ષ 2025-26ના વાર્ષિક અંદાજપત્રમાં સામાન્ય વહીવટ વિભાગ હેઠળના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગને આ માટે પ્રારંભિક 1 કરોડના બજેટની જોગવાઇ કરાઇ છે. હવે આ પ્રભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે. જેમાં નાગરિકોની ફરિયાદ મેળવવી, તે પછી ફરિયાદનું સંબંધિત વિભાગ સાથે સંકલન કરવું અને ફરિયાદ હલ થઇ કે કેમ તે બાબતની ચકાસણી કરવા સુધીની વ્યવસ્થા થશે. વિભાગના સચિવ હારિત શુક્લએ જણાવ્યું કે, આ હેલ્પલાઇન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઇનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. બીજા કેટલાંક રાજ્યોમાં આવી હેલ્પલાઇન ચાલે છે, જેમાં રોજના 5થી 50 હજાર ફોન આવે છે, અમે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરીશું. ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઇ રહી છે અપ્રત્યક્ષ રીતે સિટિઝન ચાર્ટર અમલી બનશે
સરકારી સેવા માટે ચોક્કસ સમય મર્યાદા માટે સિટિઝન ચાર્ટર જેવી ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. ઘણાં સંજોગોમાં નાગરિકોને સેવા મળવામાં વિલંબ થાય છે. સરકારમાં હાલ નાગરિકોના પ્રતિભાવ મળે તેવી વ્યવસ્થા કે પ્રણાલી નથી, પરંતુ આ હેલ્પલાઇન શરૂ થતાં નાગરિકોને સીધી ફરિયાદ કરી શકશે. દરેક કામ માટે એજન્સી, સરકારી નિયમો બાધ્ય રહેશે
આ ત્રિસ્તરીય વ્યવસ્થા માટે અલગ-અલગ 3 એજન્સી રહેશે, પરંતુ તેઓને સરકારી નિયમો બાધ્ય રહેશે. તેઓ કોઇપણ રીતે ફરિયાદ મળવાથી માંડીને તે હલ થાય ત્યાં સુધીની પ્રણાલીમાં પોતાનો હસ્તક્ષેપ નહીં કરી શકે. આ સિવાય જો પ્રારંભિક તબક્કે ફરિયાદ નિવારણ ન થાય તો સંબંધિત અધિકારી કે કર્મચારીના ઉપરીને તે ફરિયાદ મોકલી અપાશે. સરકારી કર્મચારીની ફરિયાદ કે કોર્ટ કેસ બાકાત રહેશે… આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને સમર્પિત હશે. કોઇ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઇ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઇને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઇતી હશે તો તે પણ હેલ્પલાઇન પર મળશે.