ગોંડલ શહેરમાં આવેલ કોલેજ ચોક ખાતે હનુમાન મંદિર નજીક એક સગીર વયના બાળકને લાકડાના ધોકા વડે માર મારવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર મારવામાં આવ્યા હતા. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો મારી બળજબરી કરતા ગોંડલ બી-ડિવિઝન પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મને મારા દીકરાનો ફોન આવ્યો ‘મને આ લોકો મારી નાખશે’
ફરિયાદી સમીર લક્ષ્મણભાઇ સાટોડીયા (ઉ.વ.42)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ.18/03/2025ના રોજ બપોરના 4 વાગ્યે હું મારા ઘરે હતો. ત્યારે મારા દીકરા દેવનો મને ફોન આવ્યો હતો અને રડતા રડતા મને જણાવ્યું કે, આ લોકો મને મારી નાખશે તમે ઝડપથી આવો. જેથી મેં તેને પૂછ્યું કે, તું ક્યાં છો તો મારા દીકરાએ મને કહ્યું કે, હું ગોંડલ કોલેજ ચોકમાં આવેલ હનુમાન મંદીર સામે છું. જેથી તરત હું અને મારી પત્ની અમારી ફોરવ્હીલ લઇ ગોંડલ કોલેજ ચોકના ગ્રાઉન્ડમાં પહોંચતા ત્યાં સામે ઘણા બધા માણસો ઉભા હતા. સગીરના પિતાને ફડાકા માર્યા, માતાને ધક્કો માર્યો
ત્યાં પહોંચી જોયું તો ત્રણ લોકો લાકડાના ધોકા વડે મારા દીકરા દેવને માર મારતા હતા. જેથી હું વચ્ચે પડી મારા દીકરાને કેમ મારો છો કહેતા ત્રણેય લોકો જેમ ફાવે તેમ ગોળો બોલવા લાગ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિ કે જેણે લાલ કલરના ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો તેણે પોતાની ઓળખ દર્શન તરીકે આપી હતી. મને કહ્યું કે, તારો દીકરો મારા દીકરાને હેરાન કરે છે તેમ કહી મને પણ ગાલ ઉપર બે ફડાકા માર્યા હતા. આ ઉપરાંત ગોંડલ કોલેજ ચોકમાં ક્રિકેટ શીખવાડવાનું કામ કરતો મયુર સોલંકી અને એક અજાણ્યો વ્યક્તિ હતો જે બન્ને મારી સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી કરવા લાગ્યા હતા. મારી પત્ની મને બચાવવા વચ્ચે પડતા આ લોકોએ તેની સાથે બળજબરી કરી ચુંદડી ખેંચી લઇ તેને ધકકો માર્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં માણસો ભેગા થઇ જતા આ લોકો ત્યાથી નાસી છૂટ્યા હતા. દર્શન તથા મયુર જતા જતા કહેતા ગયા કે આજે તો તમે બચી ગયા છો હવે પછી મળ્યા તો જાનથી મારી નાખીશું. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મારા દીકરા દેવના શરીરે પીઠના ભાગે તેમજ હાથના ભાગે માર મારેલો જેથી શરીરે ચામઠા પડી ગયા છે અને મારા દીકરાને દુખાવો થતો હોવાથી સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્રણેય શખસોએ ઢોર માર મારી અમને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવતા ગોંડલ બી-ડિવિઝન પોલીસે BNS કલમ 76, 118(1), 115(2), 352, 351(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.