ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11,890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2,063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તરપ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે. પરંતુ આ અંગે ગુજરાત વિશે કોઇ માહિતી નથી. કેન્દ્ર સરકારે ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ ((iRAD) સિસ્ટમમાંથી આ માહિતી આપી છે. સગીરના વાલીને સજાની જોગવાઇ મોટર વ્હીકલ એક્ટ 1988માં સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં માતા-પિતા કે તેના માર્ગદર્શક પર કાર્યવાહી કરવાની જોગવાઇ છે. મોટર વ્હીકલ એક્ટના સબ સેક્શન(1)ની પેનલ્ટી મુજબ સગીરનાં વાલી/માતા-પિતા કે વાહનના માલિકને સજા થઇ શકે છે. મહત્તમ 3 વર્ષ જેલની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ પણ થઇ શકે છે. જો માતા-પિતાની જાણ બહાર આ ગુનો થયેલો હોય તો માતા-પિતા સજાપાત્ર નથી. 5 વર્ષમાં 472 સગીર ડ્રાઇવરનાં મોત
પાંચ વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઇવરો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેમાં 19 મહિલા ડ્રાઇવર પણ સામેલ છે. 2019થી 2023 દરમિયાન 18 વર્ષથી નાની ઉંમરના 930 પેસેન્જર, 477 રાહદારીઓ અને 77 સાઇકલિસ્ટનાં મોત અકસ્માતમાં થયાં હતાં. માર્ગ અકસ્માતમાં કુલ 1,956 સગીર વયના લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી 1,500 યુવક અને 456 સગીર યુવતીઓ સામેલ હતી.