પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એને ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચ ને શુક્રવારના રોજ ધુળેટીના દિવસે જોવા મળ્યો. આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઊજવી હોય એવી રીતે ભવ્ય ધુળેટી મનાવવામાં આવી. આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોનાં ભવાં ઊંચાં થઈ જાય એવી વાત તો એ છે કે ધુળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદમાં ફરજ બજાવતા ACP ભાવસારે ફાયરબ્રિગેડની ગાડી મંગાવી. રેઇન ડાન્સ કરાવ્યો અને પોતે પણ સ્ટેજ પર ચડીને ઝૂમતા જોવા મળ્યા. જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો. બેકગ્રાઉન્ડમાં ઊડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક-યુવતીઓ નાચતા હતાં. તમને સવાલ થતો હોય કે ફાયરબ્રિગેડની 20 હજાર લિટર પાણીની કેપિસિટી ધરાવતી ગાડી ‘ગજરાજ’ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? દિવ્ય ભાસ્કરે આ બાબતે ઇન્વેસ્ટિગેશન કર્યું અને રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને પોલીસથી લઈને ફાયરબ્રિગેડના અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો. અમને પ્રાથમિક તબક્કે મળેલી જાણકારી પ્રમાણે અમદાવાદમાં ફરજ બજાવતા ACP રાજેશ ભાવસારની ભલામણથી જ આ બધું થયું હતું. મોટા સાહેબનો ફોન-મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી. એટલે દિવ્ય ભાસ્કરે આ ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પુરાવા એકત્ર કર્યા. ફાયર વિભાગના અધિકારીઓ સીધી રીતે વાતને સ્વીકારે ખરાં? ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ઘણું બોલી ગયા. સૌથી પહેલા આ ત્રણ દૃશ્યો જુઓ વીડિયો-1 રસ્તાની સાઇડમાં જ ફાયરબ્રિગેડની ગાડી પાર્ક કરેલી દેખાય છે. એટલે ટ્રાફિકજામ પણ થયો હતો. ફાયરબ્રિગેડની ગાડી પર કુલ ચાર લોકો પણ જોવા મળે છે. જેઓ પાસેના મેદાનમાં પાણીનો ફુવારો ચલાવી રહ્યા છે. વીડિયો-2 ફાયરબ્રિગેડની ‘ગજરાજ’ ગાડી પરથી પાણીનો ફુવારો ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ ઉડાડવામાં આવ્યો અને સેંકડો લોકો ઝૂમતા જોવા મળ્યા. વીડિયો-3 ત્રીજા વીડિયોમાં ACP રાજેશ ભાવસાર પોતે જ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે આ બધુ જ તેમની હાજરીમાં જ થયું હતું. આ પ્રકરણની શરૂઆત ધુળેટીના થોડા દિવસ પહેલાં થઈ હતી. અમદાવાદના થલતેજમાં જયશક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધુળેટીની ઉજવણીનું આયોજન થયું હતું. તેનું નામ રંગારંગ 2.0 રાખ્યું. કુલ ત્રણ કંપનીએ મળીને આખો કાર્યક્રમ ઘડ્યો હતો. આ રહ્યા ત્રણેય ઇવેન્ટ કંપનીનાં નામ. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી શિવાની શર્માને ગેસ્ટ તરીકે બોલાવાઈ હતી. એક પાસની કિંમત 400 રૂપિયા રાખી અને કાર્યક્રમ સવારના 9 વાગ્યાથી શરૂ થયો હતો. યુવકોને આકર્ષવા માટે વિવિધ એક્ટિવિટીનું આયોજન હતું. ધુળેટી પહેલાં જ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરને બોલાવવામાં આવ્યા અને આ ઇવેન્ટ માટે બરાબરનો પ્રચાર કરવામાં આવ્યો. અંદાજો એવો હતો કે 4-5 હજારથી પણ વધુ લોકોને એકઠા કરવામાં આવે. આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાના પુરાવા રૂપે દિવ્ય ભાસ્કરને એક અરજી હાથ લાગી. આ અરજી ફાયર બ્રિગેડના બંદોબસ્ત માટે જેઠીન ડીડવાનિયા નામના વ્યક્તિએ કરી હતી. આયોજકોએ કરેલા દાવા મુજબ આ ઇવેન્ટમાં 10થી વધુ ડીજે આર્ટિસ્ટને બોલાવાયા હતા. રેઇન ડાન્સ, વોટર બલૂન્સ, વાઇબ્રન્ટ કલર્સ સાથેની વિવિધ એક્ટિવિટી રાખી હતી. આ ઉપરાંત વિખ્યાત નાસિક ઢોલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. એટલે વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફુલ મોજીલું આયોજન હતું. અહીંયાં સુધી કાંઈ જ ખોટું હોય એમ ન હતું. પરંતુ ત્યાં હાજર લોકોએ નામ ન આપવાની શરતે આપેલી માહિતી મુજબ ધુળેટીના દિવસે બપોરે સ્ટેજ પરથી એનાઉન્સ કરવામાં આવ્યું કે થોડી જ વારમાં ફાયરબ્રિગેડની ગાડીમાંથી પાણીનો ફુવારો છૂટશે. બસ, પછી તો બધાને મોજ પડી ગઈ. ઘણા લાંબા સમય સુધી અમદાવાદ મહાનગરપાલિકાની મિલકત એવા ફાયરબ્રિગેડની ગજરાજ ગાડીએ યુવક-યુવતીઓને બરાબરની મજા કરાવી દીધી. આખા ગુજરાતમાં ફાયર ડિપાર્ટમેન્ટની બેદરકારી વખતોવખત બહાર આવતી રહી છે. રાજકોટ ટીઆરપી કાંડ હોય કે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ હોય. ફાયર બ્રિગેડની આખી વ્યવસ્થા પર અહીંથી જ સવાલો ઊભા થયા. શું કોઇ ખાનગી ઇવેન્ટમાં ફાયર ડિપાર્ટમેન્ટ આવી રીતે ધુળેટીના રેઇન ડાન્સની સુવિધા આપી શકે? દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ખુલાસો થયો કે આ ઇવેન્ટના આયોજકોમાં એક નામ ઓમ ભાવસારનું છે. જે રસરાજ ઇવેન્ટ્સનો ફાઉન્ડર છે. પરંતુ ઓમ ભાવસારની બીજી ઓળખ ઘણું સૂચવી જાય છે. તેના પિતા રાજેશ ભાવસાર અમદાવાદ પોલીસમાં ACP તરીકે ફરજ બજાવી રહ્યા છે. ફાયર સ્ટેશનથી ગાડી મંગાવવામાં તેમની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. કંટ્રોલ રૂમમાંથી હાથ લાગ્યો મજબૂત પુરાવો
ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે પાલડી ફાયર કંટ્રોલ રૂમ ખાતે પહોચ્યા હતા. ‘ગજરાજ’ ગાડી ઇવેન્ટમાં મોકલવા માટે અહીંયાં જ સૌથી પહેલો કોલ આવ્યો હતો. આ આદેશને અનુસરીને જ બોડકદેવના ફાયર સ્ટેશનથી ગાડી ઇવેન્ટના સ્થળે પહોંચી હતી. પાલડી કંટ્રોલ રૂમમાં તપાસ કરતા અમને એક મજબૂત પુરાવો હાથ લાગ્યો. અમને ડ્યૂટી બુકની કોપી મળી આવી. જેમાં ગાડી મોકલવા બાબતની એન્ટ્રી હતી. ફાયર સ્ટેશનના સરકારી રેકોર્ડ પર સવારના 11 વાગીને 15 મિનિટે આ ઇવેન્ટ માટે ગાડી આપ્યાની નોંધ છે. જેમાં લખ્યું છે, CFO (ચીફ ફાયર ઓફિસર) ડોંગરે સાહેબના હુકમથી જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ, સીમ્સ બ્રિજ પાસે એક ‘ગજરાજ’ મોકલી આપો. જેની જાણ જમાદારને કરેલ છે. બોડકદેવથી ‘ગજરાજ’ મોકલી આપેલ છે. CFO સાહેબ જણાવે છે કે ડેપ્યુટી કમિશનર ઠક્કર સાહેબ સાથે વાતચીત થતાં ચાર્જ આવતીકાલે ભરી દેશે. ધ્યાનથી જોશો તો આ એન્ટ્રીમાં બે વાત નોંધવા જેવી લાગે છે. પહેલી વાત- ગાડી મોકલવાનો હુકમ ખુદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કર્યો હતો. બીજી વાત- આ પાના પરની અન્ય તમામ એન્ટ્રી એક-એક લીટી છોડીને લખવામાં આવી છે. જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોકલેલી ગાડીની એન્ટ્રી પછી ખાલી લીટી છોડી નથી. એટલું જ નહીં, છેલ્લી લીટીમાં તો બે વાક્ય ઉપર-નીચે લખેલા છે. એટલે જાણે અમુક સમય પછી એન્ટ્રી ઉમેરી હોય એમ લાગે છે. ફાયર સ્ટેશનની ડ્યૂટી બુકમાંથી પુરાવા મળ્યા એમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનું નામ હતું. એટલે અમે સીધા જ તેમની ઓફિસે પહોંચી ગયા. ખાનગી કાર્યક્રમ માટે ફાયરબ્રિગેડની ગાડી મળે?
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાથે મુલાકાત પહેલાં અમને ફાયર વિભાગના એક કર્મચારી મળ્યા. તેમને સવાલ કર્યો કે કોઈ ખાનગી કાર્યક્રમમાં ફાયરબ્રિગેડની ગાડી મળી શકે? એટલે જાણવા મળ્યું કે જ્યાં ખાનગી મેળાવડો હોય ત્યાં પણ સલામતી માટે ફાયરબ્રિગેડની ગાડી મળી શકે છે. એના માટે જે તે આયોજકે ચાર્જ પણ ચૂકવવો પડતો હોય છે. આ અધિકારીએ અમને પ્રોસેસ સમજાવતા કહ્યું, તમારે તમારા લેટરપેડ પર ચીફ ફાયર ઓફિસરને લેખિતમાં અરજી કરવાની હોય છે. જેના વિષયમાં ફાયર બ્રિગેડનો બંદોબસ્ત જોઈએ છે એમ લખવાનું. કયા કારણોસર, કેટલા સમય માટે ગાડી જોઈએ એ વાત પણ અરજીમાં લખવી પડે છે. પછી ચીફ ફાયર ઓફિસર સહી કરે, જે ચાર્જ થતો હોય એ તમને કહી દે અને પાકી પહોંચ આપી દે એટલે તમને ગાડી મળી જાય. સામાન્ય રીતે 8 કલાકના 1500 રૂપિયા લેવામાં આવે છે. ફાયર બ્રિગેડના કર્મચારીએ સ્પષ્ટ કરી દીધું કે રૂપિયા ચૂકવ્યા બાદ પણ ગાડી માત્ર સલામતીના કારણોસર જ સ્ટેન્ડ બાય રાખવા માટે મળે, ઇવેન્ટમાં ફુવારો ઉડાડવા માટે નહીં. જો કે અમે પહોંચ્યા એ સમયે જે તે આયોજકોએ ફી ભરી ન હતી. આટલી જાણકારી મળ્યા બાદ અમે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને મળવા માટે પહોંચ્યા. તેમની ચેમ્બરમાં ફાયર વિભાગના અન્ય બે કર્મચારી નકુમ અને જયેશ ખડિયા હાજર હતા. તેમની વચ્ચે પહેલાથી જ ધુળેટીમાં ફાયરબ્રિગેડના વાહનથી ફુવારો છોડીને થયેલી ઉજવણી બાબતે ગંભીર ચર્ચા ચાલતી હતી. આ ત્રણેય લોકોની ચર્ચા દિવ્ય ભાસ્કરના કેમેરામાં રેકોર્ડ થઈ છે. ફાયરબ્રિગેડની ગાડીમાંથી ફુવારો ઉડાડી ધુળેટી રમાડ્યા પછી શું વાતો થઈ રહી હતી એ વાંચો. અમિત ડોંગરે- ક્રિકેટ ગ્રાઉન્ડનો વીડિયો વાઇરલ થયો છે. આપણે પાણી છાંટવું શું કામ જોઈએ? નકુમ- મેં એમને (સંભવત: ફાયરબ્રિગેડની ગાડી સાથે ગયેલા કર્મચારી) પૂછ્યું તો એમણે કહ્યું એક IPS અધિકારી હતા. એમણે જબરજસ્તી કીધું. જયેશ ખડિયા- ગમે એ હોય. આપણે તો બુક લઈને કહેવાય કે… નકુમ- મેં તો કીધું કે ફોન કરીને સાહેબને કીધું હોત કે સાહેબ આ આવું કહે છે. જયેશ ખડિયા- ગમે એ માણસ હોય. વડાપ્રધાન હોય તો આપણે ખાલી એટલું કહી દેવાનું… નકુમ- આપે નંબર જે આપ્યો હતો એમને પણ કીધું કે સાહેબ આવું તમારે ના કરાવાય. અમારા માણસો ફસાઈ જાય. આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે ફાયરબ્રિગેડના અધિકારીઓને ખબર જ છે કે તેમનાથી નિયમો વિરુદ્ધ કામ થઈ ગયું છે. એટલું જ નહીં, ફાયરબ્રિગેડની ગાડી ઉચ્ચ અધિકારીઓના કહેવાથી મોકલી આપવામાં આવી હોવાનું પણ આ વાત પરથી છતું થઈ જાય છે. ત્રણેય અધિકારીઓ વચ્ચે વાતચીત પૂરી થઈ એટલે અમે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને આ જ ઘટના વિશે સવાલ પૂછવાનું શરૂ કર્યું. રિપોર્ટર- બોડકદેવથી ગાડી ગઈ હતી? અમિત ડોંગરે- બોડકદેવથી રિપોર્ટર- કોનો મેસેજ કે આદેશ હતો કે ગાડી મોકલવી? અમિત ડોંગરે- કંટ્રોલમાં મેં કોલ કર્યો હતો. અમિત ડોંગરેની વાતમાં સૂર પુરાવતાં ફાયર વિભાગના અધિકારી જયેશ ખડિયા બોલ્યા, ‘કોઈ પણ કંટ્રોલ રૂમને આદેશ ચીફ ઓફિસરને આધીન જ આવે. ધારો કે તેં મને ફોન કર્યો કે મારે ત્યાં ઓલું છે. એટલે હું પહેલાવહેલા ગાડી મોકલી દઉં. પછી ચીફ ઓફિસરને જાણ કરું કે સાહેબ આવી રીતે એક ગાડી બંદોબસ્તમાં મોકલી છે. મેં મોકલી હોય એટલે એમને જાણ કરવાની પણ કંટ્રોલરૂમને આદેશ ચીફ ઓફિસર જ કરે. વર્ષોથી આ જ રીતનું ચાલે છે.’ આમ, દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં અમિત ડોંગરે અને જયેશ ખડિયાએ સ્વીકારી લીધું કે ગાડી મોકલવાનો આદેશ ચીફ ફાયર ઓફિસરનો જ હતો. પરંતુ હવે સવાલ હતો કે ચીફ ફાયર ઓફિસરે આવું કોના કહેવાથી કર્યું? આ સવાલના જવાબમાં જયેશ ખડિયાએ ઘણી સૂચક વાતો કરી દીધી. જયેશ ખડિયા- આમાં ક્યારેક કોઈ વસ્તુ એવી કરવી પડતી હોય એ તું ય સમજે અને હું ય સમજુ છું. એમાં કાંઈ એવું નથી. તારે એન્ટ્રી જોવી હોય તો તમને બતાવી દેશે. હું કંટ્રોલરૂમમાં વાત કરી લઉં. તું ત્યાં જઈને જોઈ આવ. રિપોર્ટર- ભાવસાર સાહેબનો કોલ હતો? અમિત ડોંગરે- મારે જોવું પડશે કે મને કોનો ફોન આવ્યો હતો. જયેશ ખડિયા- એમાં આયોજકને અચાનક જ એવું લાગ્યું હોય કે ભીડભાડ વધી ગઈ છે તો કંઈક થશે. એના માટે મંગાવ્યું હોય. કાલે (ધુળેટીના દિવસે) ઓફિસો બંધ હોય એટલે રૂપિયા ક્યાંથી ભરે? ઘણી વખત આપણે આવી રીતે મોકલવું પડતું હોય છે. રિપોર્ટર- અને પછી હોળી કરાવે એ તો બરાબર નથી ને જયેશ ખડિયા- હોળી કરાવવી એ બરોબર નથી. જે કર્મચારી હતા એમને સાહેબ (CFO) ખુલાસો પૂછશે. તેઓ લેખિતમાં જવાબ આપશે. રિપોર્ટર- તમે નોટિસ આપી? અમિત ડોંગરે- આપી અમે ફરી એકવાર પૂછ્યું કે ભાવસાર સાહેબનો કોલ હતો કે નહતો? એટલે અમિત ડોંગરેએ ફરી એ જ રટણ કર્યું કે, મારે જોવું પડશે. આ વાતચીત દરમિયાન ચીફ ફાયર ઓફિસરે અમિત ડોંગરેએ ફાયર કર્મચારી જયેશ ખડિયાને કહ્યું, મારે એક મિટિંગ કરવાની છે. એટલે તમે રિપોર્ટરને લઈને બીજી જગ્યાએ જતા રહો. હવેની વાતચીતમાં અમિત ડોંગરે હાજર ન હતા. એટલે જયેશ ખડિયાએ ઘણી વાતો ખુલ્લા મનથી કહી દીધી. જયેશ ખડિયા- ફાયરબ્રિગેડનો એમણે બંદોબસ્ત માગ્યો હતો. આવું ચાલે નહીં, આ જે પાણી મરાયું છે એ ખોટું મરાયું છે. રિપોર્ટર- હું ફોન કરું કે મારે કાર્યક્રમ છે તો તમે ગાડી મોકલશો? જયેશ ખડિયા- ગાડી મોકલવી પડે. ચારથી પાંચ હજાર માણસો ભેગા થયા હોય, એમ કહે કે પૈસા અમે ભરી દઈશું તો… બીજું કે, ચારથી પાંચ હજાર માણસો ભેગા થયા હોય તો એને કોઈકે તો પરમિશન આપી હશે ને. પોલીસવાળાએ કે ગમે એણે પરમિશન આપી હશે ને. એમ ને એમ તો કાર્યક્રમ નહીં કર્યો હોય ને. જયેશ ખડિયાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, આ જે નવા સાહેબ છે એમને એવી બધી ખબર ન પડતી હોય. ભૂલચૂક થાય. આપી દીધી હોય તો એમાં કોઈ…. તું કહે છે એમ ફોન આવ્યો હશે. પણ હવે એ બોલી શકે એમ નથી. હું રજા પર હતો. આટલી વાતચીત થયા પછી અમે ફાયર સ્ટેશનમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે અગાઉ નકુમ નામના જે કર્મચારી ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ઓફિસમાં મળ્યા હતા તેમની સાથે ફરી મુલાકાત થઈ ગઈ. તેમણે જ ધુળેટીમાં ગજરાજથી પાણીનો ફુવારો ઉડાડવાની વાત છેડી. નકુમ- ધારો કે તમે IPS અધિકારી છો અને હું નાનો કર્મચારી હોઉં. મને કહો કે તમારા સાહેબ સાથે મારી વાત થઈ છે. તમારે આ કરવાનું છે. નહીં કરો તો હું ફરિયાદ કરીશ. એટલે કરું તો તકલીફ અને ના કરું તો પણ તકલીફ. રિપોર્ટર- ભાવસાર સાહેબ પોતે જ હતા નકુમ- ભાવસાર સાહેબ જ હતા લગભગ. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં પણ અમિત ડોંગરેનું નામ ચર્ચાયું
ઇન્વેસ્ટિગેશનને આગળ વધારી વધુ મજબૂત પુરાવા એકત્ર કરવાના ઇરાદે અમે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના કંટ્રોલરૂમની મુલાકાત લીધી. થલતેજના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘ગજરાજ’ ગાડી મોકલવાનો કોલ સૌથી પહેલાં અહીંયાં જ આવ્યો હતો. અહીં અમારી મુલાકાત ફોન રિસીવ કરનાર એક ફાયર કર્મચારી સાથે થઈ. રિપોર્ટર- કોણ ગયું હતું એ ખબર પડે? ફાયર કર્મચારી- એ બોડકદેવ ફાયર સ્ટેશનથી ગયા હતા. ડ્રાઇવર, એક ફાયરમેન અને એક પગી ગયા હતા. ત્યાં ACP ભાવેશભાઈ સાહેબ (સાચું નામ રાજેશ ભાવસાર) કંઈક હતા. એમનો કોન્ટેક્ટ કરવાનું કહેલું. રિપોર્ટર- એમનો કોન્ટેક્ટ કરવાનું કોણે કહ્યું હતું? ફાયર કર્મચારી- CFO સાહેબે અમે ફાયર વિભાગના જેટલા કર્મચારી અને અધિકારીઓને મળ્યા, તમામના મોઢે આ ઘટનામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનું જ નામ નીકળ્યું. જો કે અગાઉની મુલાકાતમાં અમિત ડોંગરે મિટિંગના નામે જવાબ આપવાથી બચી ગયા હતા. એટલે અમિત ડોંગરેને ગાડી મોકલવા માટે કોણે કહ્યું અથવા કોણે તેમને દબાણ કર્યું એ સ્પષ્ટ રીતે જાણવા ફરી અમે તેમની પાસે પહોંચી ગયા. રિપોર્ટર- એવું જાણવા મળ્યું કે તમારી સૂચનાથી ગાડી ગઈ છે? અમિત ડોંગરે- હા.. હું એ જ કહી રહ્યો છું. લોકેશન, નંબર મેં જ શેર કર્યો છે. મારો ઓર્ડર હતો કે ગાડી આપવાની છે. પછી ઇમર્જન્સીમાં ગાડી નીકળી. પણ ત્યાં પાણી મારીને રેઇન ડાન્સ કરાવવાનું ન હતું. રિપોર્ટર- ત્યાં IPS, IAS ઓફિસર હતા? અમિત ડોંગરે- એ નથી ખબર. અમારી ટીમે પાણી ચાલુ કર્યું. ત્રણ-ચાર લોકો ફાયર ટેન્ડર પર ચડી ગયા. એ થવા જેવું ન હતું. રિપોર્ટર- એમના લોકો ચડી ગયા હતા? અમિત ડોંગરે- એ તો વીડિયોમાં જ છે. ફાયર ટેન્ડર પર ચડેલા દેખાય છે. આ થવું ન જોઈએ. આ તો મારી ટીમને કહીશ કે એટલિસ્ટ મને ત્યારે જ કહી દેતા. સમજાવવું પડશે કે આવું ફરી ન થાય. પછી જ્યારે અમિત ડોંગરે વધુ એક વખત પૂછવામાં આવ્યું કે તમને કોણે કોલ કર્યો હતો? આખરે તેઓ તેમને કોન્ટેક્ટ કરનારનો નંબર આપવા માટે રાજી થયા. અમિત ડોંગરેએ અમને એક નંબર આપ્યો અને કહ્યું, મને મેસેજ આવ્યો હતો, જેને મેં ફોરવર્ડ કર્યો હતો. જો કે અમિત ડોંગરે છેલ્લે સુધી ફોન કે મેસેજ કરનારનું નામ ન જ બોલ્યા. અમિત ડોંગરેએ અમને જે નંબર આપ્યો હતો તેની અમે તપાસ કરી. તો વધુ એક મજબૂત પુરાવો મળી આવ્યો. અમદાવાદ પોલીસની ઑફિશિયલ વેબસાઇટ પરથી જાણવા મળ્યું કે આ નંબર અમદાવાદના ACP સ્પેશિયલ એડમિન આર.જી.ભાવસારના નામે છે. સરકારી ડોક્યુમેન્ટ ઉપરાંત ટ્રૂ-કોલરમાં પણ અમિત ડોંગરેએ આપેલો નંબર ACP રાજેશ ભાવસારનો હોવાનું માલૂમ પડે છે. લોકો પણ જાણતા હતા કે ACP ભાવસારની મહેરબાનીથી આયોજન થયું!
એટલું જ નહીં, ધુળેટીના દિવસે જે લોકો જયશક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ઇવેન્ટમાં સામેલ હતા, એમાંના ઘણા લોકો ACP રાજેશ ભાવસાર થકી આ ઇવેન્ટ થઈ હોવાનું પણ જાણતા હોવાની માહિતી મળી છે. ભવ્ય ઉજવણીના બીજા દિવસે એટલે કે 15 માર્ચના રોજ સવારે 11 વાગીને 10 મિનિટે થયેલી ફેસબૂક પોસ્ટ તેનો પુરાવો છે. હર્ષ ચૌહાણ નામના ફેસબૂક યુઝરે કેટલાક ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે. જેમાં ફાયર બ્રિગેડની ગાડીમાંથી ફુવારો ઊડતો દેખાય છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ ફેસબૂક પર ‘Thank You ACP Bhavsar sir’ પણ લખ્યું છે. ACP રાજેશ ભાવસારે શું જવાબ આપ્યો?
દિવ્ય ભાસ્કરે ACP રાજેશ ભાવસારનો પક્ષ જાણવા માટે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે સ્વીકાર્યું કે ધુળેટીના દિવસે થલતેજ વિસ્તારના ગ્રાઉન્ડમાં તેમના દીકરાની જ રસરાજ નામની ઇવેન્ટ કંપનીએ રંગારંગ 2.0 કાર્યક્રમ યોજ્યો હતો. એટલું જ નહીં, ACP ભાવસારે સ્પષ્ટ રીતે કહ્યું કે મેં જ કોલ કર્યો હતો અને ફાયરબ્રિગેડની ગાડી મંગાવી હતી. વાતાવરણમાં ગરમી વધુ હતી અને ત્યા વારંવાર સેટઅપ તૂટી ગયું હતું. પરંતુ જ્યારે ACP ભાવસારને સવાલ કર્યો કે ફાયરબ્રિગેડની ગાડી દ્વારા લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો? ત્યારે તમે કાલે રૂબરૂ આવજો પછી વાત કરીશું. તમને આખી પરિસ્થિતિ જણાવીશ. તમે રૂબરૂ આવો. એમ વારંવાર રટણ કરી ફોન કોલ કાપી નાખ્યો હતો. કાર્યક્રમની પરવાનગીની માહિતી આપવા બાબતે લાઇસન્સ બ્રાંચના ગલ્લાતલ્લા
પોલીસ પુત્ર આયોજિત જે કાર્યક્રમમાં ચારથી પાંચ હજારની ભીડ એકત્ર થવાનો દાવો આયોજકોનો હતો એની પરવાનગી પોલીસ પાસેથી લેવામાં આવી હતી કે કેમ તેની અમે તપાસ કરી. પરંતુ લાઇસન્સ બ્રાંચે વિગતો છુપાવવા અથાગ પ્રયાસો કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જ ACP રાજેશ ભાવસાર ફરજ બજાવતા લાઇસન્સ બ્રાંચના અધિકારીઓએ આ વિગતો આપવાનું સ્પષ્ટપણે ટાળ્યું હતું. ઉચ્ચ અધિકારીઓએ મોડું થઇ ગયું છે અને બધા ઘરે જતા રહ્યા હશે તેમ કહીને વિગતો આપી ન હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને અધિકારઓ હજુ પણ વિગતો છુપાવવામાં વ્યસ્ત રહે છે. તપાસમાં ખબર પડે કે કયા અધિકારીના હાથ કેટલા ‘રંગાયેલા’ છે
આ આખાય પ્રકરણથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે વારંવાર ફાયર વિભાગ પોતાની ફરજ ભૂલી બેસે છે. નવી ઇમારતોમાં ફાયર NOC લેવામાં ફાયરબ્રિગેડના અધિકારીઓ મનમાની કરતા હોવાના અને લાંચ માગવાના દાખલા પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ જે ફાયર વિભાગે ફાયર NOCના નામે રાજ્યભરમાં કોમર્શિયલ બિલ્ડિંગ માંડીને સ્કૂલો, હોસ્પિટલો પર સપાટો બોલાવ્યો હતો એ ફાયરબ્રિગેડ મીઠી નજર રાખીને પાવરફુલ લોકો સામે નતમસ્તક થઈ જાય ગયું અને ગોવા જેવી પાર્ટી લોકોને અમદાવાદમાં કરાવી દીધી. આ ઘટનાક્રમમાં કયા-કયા અધિકારી તેમજ કર્મચારીના હાથ ‘રંગાયેલા’ છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.