7 ઓક્ટોબર, 2023 : ગાઝાએ ઈઝરાયલ પર હુમલો કર્યો ને યુદ્ધ શરૂ થયું 30 જુલાઈ, 2024 : હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયેહ ઈરાન ગયો હતો ત્યાં તેનું મિસાઈલ એટેકમાં મોત 16 ઓક્ટોબર, 2024 : હમાસના બીજા ચીફ યાહ્યા સિનવારનું ડ્રોન હુમલામાં મોત 18 માર્ચ, 2025 : હમાસના વડાપ્રધાન ઈસ્સામ દીબ અબ્લુલ્લા અલ-દાલિસનું મોત યુદ્ધ વિરામની વાતો વચ્ચે ઈઝરાયલ વધુ આક્રમક બન્યું છે અને યુદ્ધ વિરામના 42 દિવસ પછી ફરી ગાઝા પટ્ટીમાં જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં 10 જ કલાકમાં 400થી વધારે મોત થયાં છે. કરુણતા એ છે કે આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં ગર્ભવતી મહિલાઓ અને સંખ્યાબંધ બાળકો છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન સાથે વાટાઘાટ કરીને યુક્રેન યુદ્ધ વિરામનો પ્રયાસ કરી રહ્યા છે પણ ઈઝરાયલને હુમલા કરવાની છૂટ આપી રહ્યા છે. ડબલ ઢોલકી જેવા ટ્રમ્પને આ નીતિ આકરી પડી જવાની છે. નમસ્કાર, વિશ્વમાં બે મોટા યુદ્ધ ચાલી રહ્યા છે. ત્રણ વર્ષથી રશિયા-યુક્રેન જંગ ચાલે છે તો દોઢ વર્ષથી ઈઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવીને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, એકવાર મને સત્તામાં આવી જવા દો. હું બધા યુદ્ધ બંધ કરાવી દઈશ. પણ ટ્રમ્પ આવું કરી શક્યા નથી. પહેલા ઈઝરાયલ-ગાઝા યુદ્ધની વાત… યુદ્ધ વિરામની વાત આગળ વધે તે પહેલાં જ 17 માર્ચની મધરાત્રે ઈઝરાયલે ફરીવાર ગાઝામાં હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. 12 કલાકમાં 400થી વધારે લોકો માર્યા ગયા છે. ફિલિસ્તીની હેલ્થ મિનિસ્ટ્રીએ દાવો કર્યો છે કે મૃતકોમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકો પણ છે. એક તો 17 વ્યક્તિનો આખો પરિવાર નષ્ટ થઈ ગયો. એ પરિવારમાંથી એક વ્યક્તિ પણ બચી નહીં. લગભગ 562 ઘાયલ છે. ફરી એકવાર ગાઝા પર ઈઝરાયલે મોટાપાયે હુમલા શરૂ કરી દીધા છે. બંને વચ્ચે જાન્યુઆરીમાં જે સીઝ ફાયર જાહેર કરાયું હતું તેનું પહેલું ચરણ હવે પૂરું થયું હતું. ઈઝરાયલનું કહેવું છે કે, હમાસ પર દબાણ વધારવા આ હુમલા કરી રહ્યા છીએ. એટલે એ બંધકોને છોડવા માટે મજબૂર બને. ઈઝરાયલનો આરોપ છે કે યુદ્ધ વિરામની આડમાં હમાસ નવેસરથી હુમલાની તૈયારી કરે છે. હમાસે આ આરોપોને ફગાવી દીધા છે ને કહ્યું છે કે આ આરોપો માત્ર બહાનું છે. ઈઝરાયલે ફરી હુમલા કર્યા ત્યારે વ્હાઈટ હાઉસ સાથે વાત કરી હતી દર વખતની જેમ અમેરિકા ઈઝરાયલને સપોર્ટ કરી રહ્યું છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરેલિન નેબિટે કહ્યું કે, ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં પહેલાં અમેરિકા સાથે વાતચીત કરી હતી. જોકે, અમેરિકન મીડિયાને એ નથી ખબર કે ડોનાલ્ડ ટ્ર્મ્પે લીલીઝંડી આપી હતી કે નહીં, પણ એટલું તો નક્કી જ છે કે લાલઝંડી નહોતી આપી. એક તરફ અમેરિકા યુક્રેન વોર રોકવા મથે છે પણ બીજી બાજુ ઈઝરાયલને ઉશ્કેરે છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે સીઝ ફાયરની સમજૂતી થઈ હતી તેનું શું? તો તે ટાઈમ લાઈનમાં સમજો 17 જાન્યુઆરી 2025 : કતાર અને મિસ્રની અધ્યક્ષતામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતી થઈ. ત્યારે જો બાઈડન રાષ્ટ્રપતિ હતા અને આ સમજૂતીના ત્રણ દિવસ પછી ટ્રમ્પ શપથ લેવાના હતા. 19 જાન્યુઆરી 2025 : યુદ્ધ વિરામ લાગૂ થયો. તેમાં 42-42 દિવસના ત્રણ ચરણ હતા. પહેલા ચરણમાં ફિલિસ્તીનીઓ અને કેદીઓની આપ-લે થવાની હતી. ઈઝરાયલે ગાઝાના મોટા શહેરોમાંથી પીછેહઠ કરવાનું હતું. માનવ સંશાધનના રોજના 300 જેટલા ટ્રકોને ગાઝામાં એન્ટ્રી આપવાની હતી. આ પહેલા ચરણ વચ્ચે જ પછીના બે ચરણ અંગે સમજૂતી કરવાની હતી. 27 ફેબ્રુઆરી, 2025 : ઈજિપ્તની રાજધાની કૈરોમાં બીજા ચરણ માટે વાતચીત શરૂ થઈ. ત્યારે કતાર અને અમેરિકાએ મધ્યસ્થી કરી હતી. પણ આનો કોઈ હલ નીકળ્યો નહીં. 1 માર્ચ, 2025 : સમજૂતીનું પહેલું ચરણ સમાપ્ત થયું. આ 42 દિવસોમાં હમાસે 33 ઈઝરાયલી અને 5 થાઈલેન્ડના નાગરિકોને મુક્ત કર્યા. તેના બદલામાં ઈઝરાયલે બે હજાર ફિલિસ્તીની કેદીઓને મુક્ત કર્યા. બીજા ચરણમાં હમાસ 60 બંધકોને મુક્ત કરવાનું હતું અને યુદ્ધ પૂરું કરવાનું હતું પણ એવું થયું નહીં. મામલો ક્યાં અટક્યો? બીજા ચરણમાં હમાસ 59 બંધકોને મુક્ત કરવાનું હતું અને તેની સામે ઈઝરાયલ તેના તમામ સૈનિકોને ગાઝામાંથી હટાવી લેવાનું હતું. પણ એવું એટલા માટે ન થયું કારણ કે ઈઝરાયલે સ્પષ્ટ ના પાડી દીધી કે અમે અમારા સૈનિકો ગાઝામાંથી હટાવીશું નહીં. એટલે હમાસે પણ હઠ પકડી રાખી કે -તો અમે પણ ઈઝરાયલી બંધકોને મુક્ત નહીં કરીએ. 2 માર્ચથી જ ઈઝરાયલ કડક બન્યું. ગાઝામાં જે માનવીય સહાય મોકલવામાં આવી રહી હતી તેના પર રોક લગાવી દીધી. ત્યારથી ગાઝામાં દવા, પેટ્રોલ અને પાણીની ભારે અછત ઊભી થઈ. અમેરિકન રાજદૂતે હમાસ સામે પ્રસ્તાવ મૂક્યો કે… 12 માર્ચ, 2025એ અમેરિકાના મિડલ ઈસ્ટના રાજદૂત સ્ટીવ વિટકોફે હમાસ પાસે નવો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવમાં કહ્યું કે, ઈઝરાયલના બંધકોને મુક્ત કરો, જે મૃત્ય પામ્યા છે તેના મૃતદેહો સોંપો. તો એપ્રિલના મધ્ય સુધી યુદ્ધ વિરામ લંબાવીશું. પણ હમાસે આ પ્રસ્તાવ સ્વિકાર્યો નહીં. 14 માર્ચે હમાસે સામો એક પ્રસ્તાવ મોકલાવ્યો. હમાસે માગણી કરી કે, અંતીમ જીવિત ઈઝરાયલી-અમેરિકી બંધક એડેન એલેક્ઝાન્ડર અને ચાર અન્ય લોકોના મૃતદેહો સોંપવામાં આવે. આ ચારેય બંધકો પાસે ડ્યુઅલ સિટીઝનશિપ હતી. ઈઝરાયલની અને અમેરિકાની. હમાસની આ માગણી ઈઝરાયલ અને અમેરિકા બંનેએ ફગાવી દીધી. એટલે વાત વધારે વણસી. ઈઝરાયલે તમામ સમજૂતીઓ ફગાવી ફરી હુમલા શરૂ કર્યા સમજૂતીના પહેલા ચરણના 42 દિવસ તો હેમખેમ પસાર થઈ ગયા પણ પછીના બીજા ચરણમાં કોઈ નીતિ નક્કી નહોતી થઈ એટલે ઈઝરાયલે 17 માર્ચે તમામ સમજૂતીઓ ફગાવી દીધી અને એ જ મધરાતથી ગાઝા પર હુમલા શરૂ કરી દીધા. ઈઝરાયલના હુમલામાં 10 જ કલાકમાં 400થી વધારે નાગરિકો માર્યા ગયા. ઈઝરાયલ અને ગાઝા વચ્ચે 17 મહિનાથી યુદ્ધ ચાલે છે. 48 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. વચ્ચે સીઝ ફાયરની વાત આવી હતી પણ ઈઝરાયલ ફરી વિફર્યું છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર કેટ્સે કહ્યું કે, જો બંધકોને મુક્ત નહીં કરાય તો ગાઝામાં નરકના દ્વાર ખુલી જશે. જ્યાં સુધી અમારા બંધકો પાછા નહીં ફરે અને અમારું લક્ષ્ય હાંસલ નહીં કરી લઈએ ત્યાં સુધી આ યુદ્ધ રોકીશું નહીં. ઈઝરાયલમાં નેતન્હાયૂનો જોરદાર વિરોધ સોમવારે રાત્રે ગાઝા પર હુમલા પછી મંગળવારે મોડીરાત્રે ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ 40 હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઇઝરાયલી ગુપ્તચર એજન્સી શિન બેટના વડા રોનેન બારને હટાવવાના નિર્ણયનો વિરોધ પ્રદર્શનકારીઓ કરી રહ્યા હતા. નેતન્યાહૂ પર આરોપ છે કે તેઓ નેતન્યાહૂના સાથીઓ અને હમાસ અને કતાર વચ્ચેના ગુપ્ત સોદાઓની તપાસ રોકવા માટે રોનાનને હટાવવા માંગતા હતા. ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ભૂતપૂર્વ વડા તામીર પાર્ડોએ પણ નેતન્યાહૂને દેશની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યા છે. નેતન્યાહૂ આવું જ વર્તન કરશે તો તેમને સત્તા ગુમાવવાનો વારો પણ આવી શકે છે. હવે રશિયા અને યુક્રેન યુદ્ધની વાત… રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી જે યુદ્ધ ચાલે છે તેમાં હવે ટેમ્પરરી યુદ્ધ વિરામનું એલાન થઈ ચૂક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિન વચ્ચે યુદ્ધ વિરામની વાત તો થઈ પણ આને ક્લિયરકટ યુદ્ધ વિરામ નહીં કહી શકાય. 12 ફેબ્રુઆરીએ સાઉદી અરબમાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓની મિટિંગ થઈ તેમાં યુક્રેને કહ્યું કે, અમે જમીન પર, સમુદ્રમાં અને આકાશમાં ત્રણેય જગ્યાએ સીઝ ફાયર કરી દઈશું. અમેરિકાએ ત્યારે કહેલું કે અમે રશિયા સાથે વાત કરીશું. જો એ યુદ્ધ વિરામ માટે તૈયાર થાય છે તો 30 દિવસનું સીઝફાયર કરી શકાશે. પછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે સીઝફાયર અંગે વાતચીત થાય છે. સીઝફાયર થઈ જાય છે પણ આ માત્ર કહેવા પૂરતું સીઝફાયર છે. કારણ કે પુતિને એવું કહ્યું કે, જળ, સ્થળ અને નભમાં યુદ્ધ નહીં રોકાય. અમે યુક્રેનના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાનું બંધ કરી દેશું. એટલે મોટા ઈલેક્ટ્રીક થર્મલ પ્લાન્ટ પર હુમલા નહીં કરીએ. એટલે પુતિને પોદળામાં સાંઠીકડું રાખીને સીઝફાયરની જાહેરાત કરી છે. છેલ્લે, પુતિન અને ટ્રમ્પ વચ્ચે ફોનમાં વાત થવાની હતી, સોમવારે સાંજે 4થી 6 વચ્ચે. પુતિન એક કાર્યક્રમમાં હતા અને જોતજોતામાં 4ને બદલે 5 વાગી ગયા. અધિકારીઓ પુતિનને ઈશારો કરતા હતા પણ પુતિને વાતને હળવાશમાં લીધી. ટૂંકમાં, જગત જમાદાર ટ્રમ્પે પુતિન સાથે વાત કરવા એક કલાકની રાહ જોવી પડી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ…. (રિસર્ચ – યશપાલ બક્ષી)