અમદાવાદના વેજલપુર-મકરબા રોડ પર શ્રેયસ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરાઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અગાઉ વડોદરામાં પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એટ્લાન્ટિક કોમ્પ્લેક્સમાં 19 માર્ચની મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં તપાસ કરતા ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું હતું. ઈલેક્ટ્રિક પેનલમાં આગ હોવાથી વીજ કંપનીને જાણ કરી પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જાણ થતાં ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગી હોવાનો કોલ મળતા વડીવાડી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા બધા કર્મચારીઓ હાજર હતા, જે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા. આ બનાવમાં ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ હોવાના કારણે વીજ કંપનીના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની જાણ થતાં ઓફિસમાં હાજર કર્મીઓ નીચે દોડી ગયાં
તાજેતરમાં જ રાજકોટની એટ્લાન્ટિક બિલ્ડિંગમાં આજ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતાં. સદનસીબે આ ઘટનામાં રેસિડેન્સીયલ બિલ્ડિંગ ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જો કે, આ એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગી ત્યારે કેટલાંક લોકો ઓફિસમાં હાજર હતાં, જેઓને આગની જાણ થતાં નીચે દોડી આવ્યા હતા. ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગીઃ ફાયર
આ અંગે ફાયરકર્મી ધર્મેશ યાદવે જણાવ્યું હતું કે, વડીવાડી વિસ્તારમાં આવેલ એટ્લાન્ટિક બિલ્ડિંગમાં ચોથા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ સ્થળે આવી જોતા ચોથા માળે મોટી આગ હોવાનું જણાતું હતું. આ બનાવમાં ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું જણાતા વીજ કંપનીના કર્મચારીઓએ આવી વીજ પુરવઠો બંધ કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં મોટા ભાગના કેબલો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ઘણા બધા લોકો આ બિલ્ડિંગમાં ઓફિસ વર્ક કરી રહ્યા હતા અને તેઓ નીચે ઉતરી ગયા હતા.